World

ઈરાન-અમેરિકા યુદ્ધની દહેશત: સ્કૂલ પર મિસાઇલ, 40 વિદ્યાર્થિનીનાં મોત

મધ્ય પૂર્વમાં તણાવ ભયાનક વળાંક પર પહોંચ્યો છે. અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર સંયુક્ત સૈન્ય કાર્યવાહી શરૂ કરતાં જ સ્થિતિ યુદ્ધ જેવી બની ગઈ છે. ઈરાન પર થયેલા હુમલાઓ દરમિયાન એક ગર્લ્સ સ્કૂલ પર મિસાઇલ પડતાં 40 વિદ્યાર્થિનીનાં મોત થયાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિશ્વને ઝંઝોળી નાખ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલી વાતચીત વચ્ચે આ હુમલો થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trump એ અગાઉ ઈરાન પર કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. તેમના કહેવા મુજબ આ પગલું અમેરિકાના હિતો અને નાગરિકોની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. અમેરિકી સેના ઈરાનની મિસાઈલ ક્ષમતા નાબૂદ કરવા અને તેના મિસાઈલ પ્રોગ્રામને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાવાયું છે. હુમલાથી પહેલાં અમેરિકાએ પોતાના નાગરિકોને ઈઝરાયલ તરત જ છોડવાની સલાહ આપી હતી. બીજી તરફ, Israel Defense Forces એ આ કાર્યવાહી ને ‘પ્રિવેન્ટિવ એટેક’ ગણાવી છે. તેહરાન સહિત અનેક શહેરોમાં ધડાકા સંભળાયા અને હવાઈ હુમલાના સાયરન વાગતા રહ્યા.

હુમલા બાદ ઈરાને તરત જ પોતાની હવાઈ સીમા બંધ કરી અને તમામ ફ્લાઈટ્સ રોકી દીધી. ઈઝરાયલમાં પણ સંવેદનશીલ વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને લોકોને ઘરમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે. ઈરાને જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઈરાનએ કતર, બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા, જોર્ડન અને અબુ ધાબી સહિતના દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. અનેક સ્થળોએ જોરદાર વિસ્ફોટોના દ્રશ્યો સામે આવ્યા છે. આગના ગોળા અને ઘન ધુમાડા સાથેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઈઝરાયલે પોતાના નવા અભિયાનને ‘લાયન્સ રોર’ (સિંહની ગર્જના) નામ આપ્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ આ અમેરિકા અને ઈઝરાયલનું સંયુક્ત સૈન્ય અભિયાન છે. હાલ સમગ્ર ગલ્ફ વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર છે અને પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. વિશ્વ સમુદાય હવે આ સંઘર્ષને કાબૂમાં લેવા રાજનૈતિક પ્રયાસો તરફ નજર રાખી રહ્યો છે, કારણ કે આ તણાવ લાંબો ચાલે તો તેની અસર વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા પર ગંભીર પડી શકે છે.

Most Popular

To Top