મણિપુર છેલ્લા ૨૧ મહિનાથી હિંસા અને હત્યાની ઘટનાઓને કારણે સમગ્ર દેશમાં ચર્ચામાં રહ્યા પછી રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મણિપુરમાં મેઈતેઈ-કુકી સમુદાયો વચ્ચે લગભગ બે વર્ષથી ચાલી રહેલા લાંબા સંઘર્ષ દરમિયાન મુખ્યમંત્રી પાસેથી રાજીનામાની સતત માંગણી કરવામાં આવી રહી હતી, પરંતુ તેમણે અત્યાર સુધી રાજીનામું આપ્યું ન હતું અને કહેતા રહ્યા કે તેમની સરકાર રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે ભાજપના મોવડીમંડળનો તેમના પરનો વિશ્વાસ તૂટી જતાં તેઓ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને પછી તેમને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.
બિરેન સિંહનો એક ઓડિયો લીક થયો હતો, જેમાં તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બિરેન સિંહને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે તેમણે મેઈતેઈ સમુદાયને હિંસા ભડકાવવાની પરવાનગી આપી હતી. કુકી ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્સ ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ ઓડિયોની તપાસની માંગણી કરી હતી. ૩ ફેબ્રુઆરીના સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસા કેસની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ પી.વી. સંજય કુમારની બેન્ચે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે ઓડિયો વિવાદ મુદ્દો ન બનવો જોઈએ. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ ફોરેન્સિક લેબ પાસેથી છ અઠવાડિયાંની અંદર રિપોર્ટ માંગ્યો છે.
મણિપુરમાં ભાજપને પહેલી જીત અપાવ્યા બાદ બિરેન સિંહે ૧૫ માર્ચ, ૨૦૧૭ ના રોજ રાજ્યના ૧૨મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં પણ સત્તા જાળવી રાખી. જો કે, મે ૨૦૨૩ માં રાજ્યમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી વંશીય હિંસાને કારણે તેમનો બીજો કાર્યકાળ જોખમમાં મુકાયો હતો.રાજ્યમાં વંશીય હિંસા ફાટી નીકળી ત્યારથી ૨૫૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયાં છે. આ હિંસાને કારણે મુખ્ય મંત્રીને રાજીનામું આપવાની ફરજ પાડવામાં નહોતી આવી, પણ હવે ભાજપને લાગ્યું કે મણિપુરમાં સત્તા જાય છે, ત્યારે મુખ્ય મંત્રીનો ભોગ લેવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા મહિનાઓથી હિંસાને કારણે મણિપુરમાં પરિસ્થિતિ સામાન્ય નથી. મુખ્યમંત્રીના રાજીનામાના ઘણા અર્થો કાઢવામાં આવી રહ્યા છે. મણિપુર ભાજપનાં પ્રમુખ એ. શારદા દેવીએ મુખ્ય મંત્રીના રાજીનામા પાછળનું સાચું કારણ જણાવતાં કહ્યું હતું કે આ નિર્ણય પ્રદેશની શાંતિ માટે લેવામાં આવ્યો છે. હકીકતમાં તેમના રાજીનામાંનું ખરું કારણ તેમણે ભાજપના વિધાનસભ્યોનો ગુમાવેલો વિશ્વાસ છે. ભાજપના વિધાનસભ્યો જ હિંસા પર કાબૂ ન મેળવવા બદલ તેમના રાજીનામાની માગણી કરી રહ્યા હતા. વળી કોંગ્રેસ દ્વારા તેમની સામે વિધાનસભામાં અવિશ્વાસનો ઠરાવ લાવવાનું નક્કી થયું હતું. જો ભાજપના કેટલાક સભ્યો ક્રોસ વોટિંગ કરે અને સરકારનું પતન થાય તો ભાજપનું નાક કપાય તેમ હતું. આ કારણે ભાજપના મોવડીમંડળે મણિપુરની હિંસા બદલ બિરેન સિંહને જવાબદાર ઠેરવીને તેમને બલિના બકરા બનાવ્યા છે.
ભાજપના ધારાસભ્યો પણ કોંગ્રેસ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે સંમત થયા હતા. ધારાસભ્યોએ હાઇકમાન્ડને કહ્યું કે જો બિરેન સિંહ રાજીનામું નહીં આપે તો અમે વિપક્ષમાં બેસીશું. તે જ સમયે અન્ય ૧૦ ધારાસભ્યોએ વિરોધ કરી રહેલા ધારાસભ્યોના વિરોધમાં બેસવાની જાહેરાત કરી હતી. આ ધારાસભ્યોમાં કેટલાક મંત્રીઓનો પણ સમાવેશ થતો હતો. વિધાનસભા પક્ષમાં બળવાની સ્થિતિ જોઈને ભાજપ હાઈકમાન્ડે મુખ્યમંત્રીને દિલ્હી બોલાવ્યા હતા અને તેમને રાજીનામું આપવા કહ્યું હતું. આ પછી રવિવારે મોડી રાત્રે બિરેન સિંહે રાજીનામું આપી દીધું હતું.ભાજપ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માંગતો નથી, તેથી ભાજપ નવા મુખ્યમંત્રીની નિમણૂકનો નિર્ણય લઈ શકે છે. ભાજપના નેતા સંબિત પાત્રા વિવાદ ઉકેલવા માટે મણિપુરમાં પડાવ નાખી રહ્યા છે. ભાજપ હાઇકમાન્ડ એકાદ બે દિવસમાં નવા મુખ્યમંત્રી અંગે નિર્ણય લેશે.
મણિપુરમાં મેઈતેઈ સમુદાય લાંબા સમયથી ST શ્રેણીમાં સમાવેશ કરવાની માગણી કરી રહ્યો હતો અને કુકી સમુદાય દ્વારા તેમની આ માંગણીનો લાંબા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મેઈતેઈ મણિપુરમાં મુખ્ય વંશીય જૂથ છે અને કુકી સૌથી મોટી જાતિઓમાંની એક છે. આ જ મુદ્દા પર વિવાદ થયો હતો અને ૨૮ એપ્રિલ, ૨૦૨૩ ના રોજ મુખ્યમંત્રી બિરેન સિંહની ચુરાચંદપુર મુલાકાતના થોડા દિવસો પહેલાં મણિપુરમાં આદિવાસી જૂથોએ જમીનો ખાલી કરાવવાનો વિરોધ કર્યો ત્યારે તે વિવાદ વધુ વકરી ગયો હતો. મણિપુરમાં ખ્રિસ્તી ચર્ચો તોડી પાડવામાં આવી રહ્યા હતા અને કુકી આદિવાસી સમુદાય તેનો વિરોધ કરી રહ્યો હતો.
આ પછી મણિપુરમાં હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી.મે મહિનામાં થયેલા હુમલાનો આઘાતજનક વીડિયો સામે આવ્યો, જ્યારે બે કુકી મહિલાઓને તેમના ગામનો નાશ થયા પછી તરત જ મેઈતેઈ પુરુષો દ્વારા નગ્ન કરીને પરેડ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ દેશનાં ઘણાં શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયાં હતાં.ભાજપનો ટેકો મેઈતેઈ સમુદાયને હોવાથી તેમનું જોર વધી ગયું હતું. મુખ્ય મંત્રીનો મેઈતેઈને પ્રોત્સાહન આપતો વીડિયો પણ વાયરલ થઈ ગયો હતો. આખા વિશ્વની મુલાકાતે જતાં વડા પ્રધાન મોદીને ૨૦ મહિનામાં હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેવાની ફુરસદ નથી મળી તે માટે પણ તેમણે આકરી ટીકાનો સામનો કરવો પડતો હતો.કુકી મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાનો કેસ સીબીઆઈએ પોતાના હાથમાં લીધો હતો.
મુખ્ય મંત્રી બિરેન સિંહના રાજીનામા પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા ૨૧ મહિનામાં મણિપુરમાં શું થયું? આખા દેશે તે જોયું છે. હવે વિપક્ષી પક્ષ કોંગ્રેસ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારીમાં હતો, સુપ્રીમ કોર્ટે પરિસ્થિતિની નોંધ લીધી હતી, જાહેર દબાણ પણ વધી રહ્યું હતું, તેથી બિરેન સિંહે રાજીનામું આપીને પોતાની ચામડી બચાવી છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી અને હિંસાનો ભોગ બનેલા લોકોના ઘાને રૂઝાવવા. પ્રધાનમંત્રી મોદીએ મણિપુર જવું જોઈએ અને લોકોના દુઃખમાં ભાગ લેવો જોઈએ.
બિરેન સિંહના રાજીનામા પછી કુકી સમુદાયના સંગઠન ITLF તરફથી એક નિવેદન બહાર આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે બિરેન સિંહ મુખ્યમંત્રી રહે કે ન રહે, અમે એક અલગ વહીવટ ઇચ્છીએ છીએ. અવિશ્વાસ પ્રસ્તાવમાં હારના ડરથી બિરેન સિંહે પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેઇતેઈ સમુદાયે અમને સમાજથી અલગ કરી દીધા છે. છેલ્લા ૨૧ મહિનામાં સમુદાયનાં ઘણાં લોકો માર્યા ગયાં છે. હવે અમે અમારી માગણીથી પાછળ હટી શકીએ નહીં. મણિપુરમાં મે ૨૦૨૩ થી મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસા ચાલુ છે. આ કારણે ઓગસ્ટ ૨૦૨૩ માં ભાજપના ૭ કુકી ધારાસભ્યો, કુકી પીપલ્સ એલાયન્સના બે ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્યે સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો.
નવેમ્બર ૨૦૨૩ માં કોનરાડ સંગમાની NPP પાર્ટીએ પણ ટેકો પાછો ખેંચી લીધો હતો.ભાજપના કેન્દ્રીય નેતૃત્વ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બિરેન સિંહને ટેકો આપવાનું બંધ કરી દીધું હતું. આરએસએસે શરૂઆતમાં ડ્રગ્સ સામે સિંહની કાર્યવાહીને ટેકો આપ્યો હતો, પરંતુ પક્ષમાં આંતરિક ઝઘડાને પગલે તેણે સંતુલન સૂચવ્યું હતું. હજુ સુધી ભાજપે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી, પરંતુ પાર્ટી નેતૃત્વ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈ શકે છે. મણિપુરમાં જે કોઈ નવા મુખ્ય મંત્રી બને તેની સામે સૌથી મોટો પડકાર ૨૧ મહિનાથી ચાલી રહેલી હિંસાને કાબૂમાં લાવવા ઉપરાંત બિનહિંદુ આદિવાસી કુકી સમુદાયનો સરકારમાં ગુમાવાઈ દેવાયેલો વિશ્વાસ પુન:સ્થાપિત કરવાનો પણ રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
