મુંબઈ: દક્ષિણ આફ્રિકામાં (South Africa) કોરોના વાયરસનું (Corona Virus) એક નવું સ્વરૂપ (New variant) મળી આવ્યું છે. આ સમાચારની અસર ભારતીય શેરબજાર (Indian Sensex) પર પણ જોવા મળી છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ (Trading) દિવસે ભારતીય શેરબજારો ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1688 અંક ઘટી 57107 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 510 અંક ઘટી 17026 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, NTPC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 6.21 ટકા ઘટી 899.50 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 5.36 ટકા ઘટી 1110.80 પર બંધ રહ્યો હતો. શુક્રવારના સત્રમાં રોકાણકારોએ લગભગ 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું હતું.
કોરોનાના નવા વેરિયન્ટના લીધે બજારમાં ભય વ્યાપી ગયો
દક્ષિણ આફ્રિકાના બોટ્સવાનામાં (Botswana) કોરોના વાઈરસનો નવો વેરિયન્ટ મળ્યો છે. આ વેરિયેન્ટ પર વેક્સીન (vaccine) અસર કરતી નથી. તેના 30 અલગ અલગ મ્યુટેશન છે. વેરિયન્ટ બહાર આવ્યા પછી ભારત સરકારના સ્વાસ્થ્ય સચિવે નિર્દેશ ભારત આવતા તમામ ઈન્ટરનેશનલ મુસાફરોની સઘન કોરોના તપાસ કરવાના આદેશ જાહેર કરતા બજારમાં ભય વ્યાપી ગયો છે. કોરોનાના નવા પ્રકારે ચિંતા વધારી છે. ઘણા નિષ્ણાતો માને છે કે જો વેરિઅન્ટ વિસ્તરે છે, તો શેરબજારમાં માર્ચ-એપ્રિલ 2020 જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. અમને જણાવી દઈએ કે ઈમ્પીરીયલ કોલેજ લંડનના વાઈરોલોજિસ્ટ ડો. ટોમ પીકોકે આ અઠવાડિયાની શરૂઆતમાં તેમના ટ્વિટર એકાઉન્ટ પર નોવેલ કોરોનાવાયરસ (b.1.1.529) ની વિગતો પોસ્ટ કરી હતી. જે બાદ વૈજ્ઞાનિકો આ સ્વરૂપની તપાસ કરી રહ્યા છે. જો કે, યુકેમાં તે હજુ સુધી ઔપચારિક રીતે ચિંતાના કારણ તરીકે વર્ગીકૃત થયું નથી. વિશ્વભરના વૈજ્ઞાનિકો હવે ઝડપથી ફેલાવાના સંકેતો માટે નવી પેટર્ન પર ધ્યાન આપશે. દરમિયાન, ભારતમાં પણ કોરોનાના નવા સ્વરૂપને લઈને સરકાર સતર્ક થઈ ગઈ છે.
કોરોના ઉપરાંત સેન્સેક્સ ઘટવા પાછળ આ કારણો પણ જવાબદાર
FII સેલિંગ: ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર(FPI)એ ઘરેલુ સ્ટોક્સમાં 2300.65 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે. આ વેચાણ ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સની ખરીદીથી વધુ છે. વેચાણે રોકાણકારોના ઉત્સાહને પણ ઘટાડ્યો છે.
એશિયન માર્કેટ્સના નબળા સંકેત: નવા વેરિઅન્ટની જાહેરાતે એશિયન બજારોમાં (Asian Market) પણ હોબાળો મચાવ્યો છે. તે જ સમયે, વિશ્વના વિવિધ ભાગોમાં લોકડાઉન (Lock Down)એ પણ ચિંતા વધારી છે. એશિયન માર્કેટમાં પણ ઘટાડાનું વલણ છે, જેની અસર ઘરેલુ બજાર પર પણ જોવા મળી રહી છે. SGX નિફ્ટી, નિક્કેઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ, તાઈવાન વેટેડ, કોસ્પી, શંઘાઈ કમ્પોઝિટ તમામમાં 1-2 ટકાનો ઘટાડો છે.
સેન્સેક્સ 4500થી વધુ પોઈન્ટ તૂટ્યોઃ છેલ્લા દોઢ મહિનાની પેટર્ન પર નજર કરીએ તો શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 19 ઓક્ટોબરે સેન્સેક્સ 62245.43 પોઈન્ટના સર્વોચ્ચ સ્તરે હતો જે હવે 57,600 પોઈન્ટના સ્તરે પહોંચી ગયો છે. મતલબ કે દોઢ મહિનામાં સેન્સેક્સ 4500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. શેરબજાર શા માટે ઘટી રહ્યું છે તે પ્રશ્ન છે. ઓછામાં ઓછું તે સ્પષ્ટ છે કે આ ઘટાડો માત્ર કોરોના વાયરસના પ્રકારોને કારણે નથી આવ્યો. તેની પાછળ અન્ય ઘણા પરિબળો પણ કામ કરી રહ્યા છે.
શા માટે રોકાણકારોમાં છે ડરઃ એ વાત સાચી છે કે કોરોનાના નવા વેરિઅન્ટને કારણે અર્થવ્યવસ્થાની રિકવરીને આંચકો લાગવાની શક્યતા છે. આ જ કારણ છે કે હવે રોકાણકારોમાં ડરનું વાતાવરણ વધારે બન્યું છે. આ સિવાય એક પરિબળ રોકાણકારોનું (Investors) પ્રોફિટ બુકિંગ (Profit Booking) પણ છે. હકીકતમાં, ઘણા રોકાણકારો વર્ષના છેલ્લા મહિનામાં પ્રોફિટ-બુકિંગ પર ભાર મૂકે છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારો પણ શેર (Shares) વેચીને બહાર નીકળી રહ્યા છે. આ પ્રોફિટ-બુકિંગની કવાયત ક્રિસમસ (Christmas ) અને નવા વર્ષની ઉજવણી (New Year Celebration) માટે કરવામાં આવી રહી છે. શેરબજારમાં લગભગ દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે.