સુરત: હવામાન વિભાગ દ્વારા 21 જૂનથી સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંભવિત વરસાદી આફતોનો સામનો કરવા માટે પૂર્વતૈયારીઓ, રાહત કામગીરી અને વહીવટી વિભાગોની સજ્જતાની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી.
- કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં વ્યાપક આયોજન
- પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા કામરેજના વાવમાં 22 રેસ્ક્યુઅર્સ અને ઓલપાડમાં 30 રેસ્ક્યુઅર્સ ખડે પગે
હવામાન વિભાગની આગાહી અનુસાર, ૨૫ જૂન સુધી સુરત જિલ્લામાં ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં પૂર, પાણી ભરાવું (વોટર લોગીંગ) અને અન્ય આફતોનો સામનો કરવા માટે જિલ્લા વહીવટી તંત્રએ વ્યાપક આયોજન કર્યું છે.
જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ તમામ સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા સૂચના આપી છે.
જિલ્લા વહીવટી તંત્રએ આફતની સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવા માટે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની એક ટીમ (૨૨ રેસ્કયુઅર્સ) વાવ, કામરેજ ખાતે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ (૩૦ રેસ્કયુઅર્સ) ઓલપાડ ખાતે તૈનાત કરી છે. આ ટીમો કોઈપણ આફતની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરશે.
આ ઉપરાંત, ફાયર વિભાગ અને અન્ય બચાવ એજન્સીઓ સાથે સંકલન કરીને ઝડપી કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. આ બેઠકમાં સુડાના CEO કે.એસ. વસાવા, DCP (સ્પેશિયલ બ્રાન્ચ) હેતલ પટેલ, પ્રાંત અધિકારીઓ, મનપા, ફાયર, સિંચાઈ અને ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ આફતને પહોંચી વળવા માટે વહીવટી તંત્રની સંપૂર્ણ સજ્જતા અને સંકલનની ખાતરી આપવામાં આવી હતી.
વિકટ પરિસ્થિતિમાં ઝડપી કાર્યવાહી, નિર્ણયો માટે નોડલ અધિકારીઓની નિમણૂક
નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીએ જણાવ્યું કે, સુરત મનપાના ઝોન વાઇઝ અને ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા વાઇઝ નાયબ કલેક્ટર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર (ડિઝાસ્ટર) અને ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા વિકાસ અધિકારીને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત, લાયઝન અધિકારીઓ અને નોડલ અધિકારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે, જેથી કોઈપણ વિકટ પરિસ્થિતિમાં ઝડપી કાર્યવાહી થઈ શકે.