નડિયાદ: નડિયાદમાં ગંદકી હવે સામાન્ય પ્રશ્ન બની ગઈ છે. નાગરીકોની રજૂઆતો છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી. શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ કાયમી ધોરણે કચરાનો ઉપાડ કરવાની કોઈ ચોક્કસ નીતિ નગરપાલિકા પાસે હોય, તેમ જણાતુ નથી. પરીણામે શહેરના અનેક જાહેર માર્ગો અને પ્રવેશદ્વારો પાસે જ ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. નડિયાદમાં કપડવંજ રોડ અને મહેમદાવાદ તરફથી આવતા પહેલા જ સીટી જીમખાનું મેદાન આવે છે. આ મેદાનની આસપાસ જ નડિયાદ શહેર તરફ જવાના મુખ્ય રસ્તો છે. ત્યારે આ મેદાનની ચારે કોર ગંદકીના ઢગ ઘણા વર્ષોથી ખડકાયેલા જ રહે છે.
લાંબા દિવસોના અંતરે કચરો ભરવામાં આવી રહ્યો છે, જેના કારણે સમસ્યા વધુ વિકટ બની રહી છે. ઉપરાંત અહીં ગાયોનો પણ જમાવડો હોય છે, જેથી ગાયો રસ્તા પર કચરો ખેંચી લાવતી હોય છે. ઉપરાંત અહીં કચરો નાખવા માટે કન્ટેઈનર મુકાયેલુ છે, તે પણ વર્ષોથી તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યુ છે. પાલિકાના સફાઈ વિભાગ દ્વારા શહેરમાં જાહેર રોડ પર પણ કાયમી ધોરણે કચરો ન હટાવતા લોકો ત્રાહીમામ બન્યા છે. તેમજ આસપાસ રહેણાંક વિસ્તારો પણ છે, તેમજ સ્કૂલ પણ આવેલી છે. આ ઉપરાંત જ્યાં કચરાના ઢગ છે, તેની સામે જ બસ સ્ટોપ હોવાના કારણે લોકો આખો દિવસ ત્યાં અવર-જવર કરતા હોય છે. આ તમામ લોકોને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આ અંગે તત્કાલ યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને કાયમી ધોરણે કચરાનો નિકાલ કરવા આયોજન કરાય તેવી લોકમાગ પ્રબળ બની છે.
મચ્છર ઉપરાંત ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો
નડિયાદના મોટાભાગના વિસ્તારો જ્યાં ગંદકીથી ખદબદી રહ્યા છે, ત્યાં મચ્છરો સહિતના ઝેરી જીવજંતુનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. સીટી જીમખાના મેદાનમાં પણ વરસાદી પાણી ભરાયેલુ રહે છે. અહીં એક પણ સ્થળે દવા કે પાવડરનો છંટકાવ થતો નથી, ત્યારે ચોમાસા ટાણે રોગચાળો ફાટી નીકળે તો કોણ જવાબદાર? તે પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.
ગંદકીયુક્ત વરસાદી કાંસથી લોકો ત્રાહીમામ
આ જ વિસ્તારમાંથી શહેરભરની વરસાદી પાણીના નિકાલની કાંસ માહિતી વિભાગના બિલ્ડીંગ પાસેથી પસાર થાય છે. આ કાંસ જ્યાં ખુલ્લી છે, ત્યાં મોટાપાયે ગંદકી જોવા મળી રહી છે. આ ગંદકી યુક્ત કાંસના કારણે પણ લોકોના આરોગ્ય સામે પ્રશ્ન ઉભા થાય તેવી દહેશત છે.
સફાઈ માટે કે કચરો ભરવા કોઈ આવતુ નથી.
આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરીણામ મળતુ નથી. પ્રાથમિક સુવિધાઓ માટે વારંવાર રજૂઆતો કરવી પડે તે યોગ્ય નથી. નગરપાલિકા પ્રશાસન પ્રાથમિક સુવિધાઓ આપવા માટે બંધાયેલુ છે. તેમાં તંત્ર ઉણુ ઉતરી રહ્યુ છે. સફાઈ માટે કોઈ કર્મચારી આવતા નથી ઉપરાંત કચરો ભરવા પણ નિયમિત કોઈ વાહનો આવતા નથીઃ કમલેશ તળપદા, સ્થાનિક