Charchapatra

અનુકૂળ/પ્રતિકૂળ

આપણે સૌ જાણીએ છીએ કે, પરિવર્તન સંસારનો નિયમ છે. પ્રકૃતિમાં પણ ઋતુ અનુસાર ફેરફાર થાય છે. આ ફેરફારો માનવજાત માટે અનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ હોય-એમ પણ બને. દરેક માનવીએ તે મુજબ એડજસ્ટ થવું જ પડે. માનવજીવનમાં પણ પરિવર્તનનો દોર હંમેશ ચાલતો જ રહે છે. ગમતાંનો કરીએ ગુલાલ પણ ન ગમે તો એડજસ્ટ થઈ શાંતિથી જીવવું એ સારી રીત છે. પ્રતિકૂળ સંજોગોમાં મોટે ભાગે આક્રોશના સૂર સાંભળવા મળે છે. જેની મસમોટી યાદી બની શકે. જો કે આ તબક્કે જીવન પ્રત્યેનો અભિગમ-દર્શન બદલતાં સુખ અનુભવી શકાય. ટૂંકમાં, નાની વાતોમાં દુઃખી થઈને, નાની વાતોને મોટું સ્વરૂપ આપ્યા વિના પરિવર્તનનો સ્વીકાર કરવામાં સમજદારી છે. અંતે એટલું યાદ રાખીને ચાલવું જોઈએ કે, આપણું જીવન- ભવિષ્ય આપણા વિચારો આધારિત બને છે. નકામી વાતો, ફરિયાદો અને આક્રોશને કોઈ સ્થાન નથી.
નવસારી  – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મત આપવાની મૂંઝવણ
ગુજરાતમાં ચૂંટણી યોજાવાને 6 માસ જેટલો સમય બાકી હતો ત્યારથી તેના પડઘમ વાગી ચૂકયા છે. રાજકીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. મતદાર તરીકે મત કોને આપવો તે બાબત મૂંઝવણ થાય છે. કારણ કે ભાજપે 15 લાખ દરેકના ખાતામાં જમા કરાવવાના, પેટ્રોલ-ડીઝલ ભાવ ઘટાડવાના, મોંઘવારી કાબૂમાં લાવવાના, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનાં વચનો આપીને તેમજ પ્રજાને હિંદુત્વનો ડોઝ આપીને સત્તા ગ્રહણ કરેલ છે. આમાંનું એકેય વચન ભાજપે પાળ્યું નથી. મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પ્રજા ત્રસ્ત છે. એટલે ભાજપ સત્તાસ્થાને આવશે તો વર્તમાન સ્થિતિ ઔર બગડશે. કોંગ્રેસ ડૂબી રહી છે એટલે સત્તાસ્થાન સુધી પહોંચી શકવાની ક્ષમતા તેનામાં રહી નથી. તેના મોટા ગજાના નેતાઓ પક્ષાંતર કરી ગયા છે. આપે દિલ્હી અને પંજાબમાં ચમત્કાર સજર્યો છે. તેનું વાતાવરણ બહુ જામે તેવું લાગતું નથી. અત્યારે તેના તરફથી જનતાને ભાજપની જેમ વચનો અપાઇ રહ્યાં છે. આ માહોલ વચ્ચે મતદાર કોને મત આપવો તે વિશે મૂંઝવણ અનુભવે છે. રાજકીય વિશ્લેષકો, નિરીક્ષકો આ વિશે માર્ગદર્શન આપે તેવી અપેક્ષા.
પાલનપુર  – અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top