Sports

પિતાનો ઠપકો અને 100 રૂપિયાની શરતે શુભમન ગીલને બનાવ્યો સફળ ક્રિકેટર

ભારતીય બેટ્સમેન શુભમન ગિલે તાજતરમાં ન્યૂઝીલેન્ડ સામેની વન ડે સીરિઝન પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ગિલ બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગિલે માત્ર 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 208 રન બનાવ્યા હતા. શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે ધમાકેદાર ઇનિંગ રમી તે પછી તેને ‘સુપરમેન ગિલ’ પણ કહેવામાં આવે છે. શુભમન ગિલે પોતાની ઇનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. તે વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો. શુભમન ગિલ બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. તે સૌથી ઓછી ઇનિંગ્સમાં ત્રણ વનડે સદી ફટકારનાર ભારતીય ઓપનર બન્યો હતો. શુભમન ગીલના નામે ન્યૂઝીલેન્ડ સામે શ્રેષ્ઠ વ્યક્તિગત વન ડે સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ નોંધાયો હતો.

શુભમનને સ્ટાર બનાવવા માટે પિતાનો માસ્ટર પ્લાન
ક્રિકેટર તરીકે રેકોર્ડનો બાદશાહ બનેલા શુભમન ગિલની કથા ખૂબ જ રોમાંચક છે. લોકો એ પણ જાણવા ઉત્સુક છે કે એક સામાન્ય ખેડૂતનો દીકરો આટલું મોટું રન મશીન કેવી રીતે બન્યું? તો જાણી લો કે શુભમન ગિલે 4 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. પંજાબના ફાઝિલ્કા જિલ્લાના ચક ખરેવાલા ગામમાં જન્મેલો શુભમન ગિલ બાળપણમાં પિતા સાથે ક્રિકેટ રમતો હતો. જ્યારે ગિલ મોટો થયો, ત્યારે તેના પિતાએ તેના પુત્રની રમતમાં વધુ સુધારો કરવા માટે એક સરસ યોજના બનાવી. વાસ્તવમાં, તેમણે પોતાના ખેતરનો ઉપયોગ મેદાન તરીકે કર્યો અને સાથે રમનારાઓ સામે શરત મૂકી હતી કે જે પણ શુભમનને આઉટ કરશે તેને તે 100 રૂપિયા ઇનામ આપશે. એક સમય એવો હતો જ્યારે ટીમ ઈન્ડિયાના ઓપનર સારી શરૂઆતને મોટી ઇનિંગમાં બદલવામાં નિષ્ફળ રહ્યો હતો. તે 50-60 રન બનાવીને આઉટ થઈ રહ્યો હતો. શુભમન ગિલના પિતા લખવિંદર ગિલ આનાથી નારાજ હતા. તેમણે તેમના પુત્રને કહ્યું હતું કે માત્ર ઝરમર વરસાદ જ પાડતો રહેશે કે કદી કોઇ ધોધમાર વરસાદનો અનુભવ પણ કરાવશે.

શુભમન એકેડમીમાં પ્રેક્ટિસ કરી શકે તેના માટે પરિવાર ભાડાના મકાનમાં રહેવા આવ્યો
ઘણા વર્ષોથી ટેનિસ બોલ રમતા શુભમન ગિલનો પરિવાર જ્યારે જલાલાબાદ ગયો હતો, ત્યારે આ ખેલાડીએ પ્રથમ વખત લેધર બોલનો સામનો કર્યો હતો. શુભમને એક નાની શાળામાં લાંબા સમય સુધી તાલીમ લીધી, પણ હજુ ઘણું શીખવાનું હતું. આ માટે પિતાએ શુભમનને ચંદીગઢ મોકલ્યો અને તેને મોહાલી સ્ટેડિયમની પાછળ આવેલી એકેડમીમાં દાખલ કરાવ્યો. ગિલને રમવા માટે વધુ સમય મળી શકે તેના માટે તેનો પરિવાર પણ ભાડાના મકાનમાં ત્યાં જ આવીને રહેવા માંડ્યો હતો.

બોલર શોધવા આવેલા કરસન ઘાવરીએ તેની પ્રતિભા પારખી લીધી
શુભમન ગિલ રોજ સવારે 3.30 વાગે ઉઠી જતો અને 4 વાગે એકેડમી પહોંચતો. આખો દિવસ પ્રેક્ટિસ કર્યા બાદ તે સાંજે ઘરે પરત ફરતો હતો. તે પછી પણ તે તેના પિતા સાથે એકેડમીમાં સાંજનું સેશન જોવા માટે ત્યાં જતો હતો. એક દિવસ ટીમ ઈન્ડિયાના માજી ઝડપી બોલર કરસન ઘાવરી આ એકેડમીમાં યુવા પ્રતિભાને ઓળખવા માટે અહીં આવ્યા હતા. તેઓ ખરેખર તો ઝડપી બોલરની શોધમાં અહીં આવ્યા હતા, પરંતુ તેમને શુબમન ગિલના રૂપમાં એવો દુર્લભ હીરો મળ્યો, જેણે થોડા જ સમયમાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો.

ડોમેસ્ટિક ક્રિકેટમાં શુભમન ગીલે તરૂણ વયે ખળભળાટ મચાવ્યો હતો
શુભમન ગિલને સતત પ્રેક્ટિસનો એ ફાયદો મળ્યો કે તે રન ઘરેલુ ક્રિકેટમાં મોટું નામ બની ગયો. પંજાબ તરફથી રમતા તેણે અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. આ માટે તેને બીસીસીઆઈ દ્વારા બેસ્ટ જુનિયર ક્રિકેટ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. આ પછી શુભમન ગિલને અંડર-19 ટીમમાં રમવાની તક મળી અને ટીમ ઈન્ડિયા (જુનિયર) વર્લ્ડ કપ જીતી ગઈ. આખી દુનિયાએ એક નાનકડા ગામમાં ધરબાઇ રહેલી પ્રતિભાને ત્યારે નિહાળી હતી.

Most Popular

To Top