એક પિતા અને પુત્ર દરિયાઈ માર્ગે સફર કરતા હતા ત્યારે તોફાન આવ્યું. તોફાનમાં તેમની નાવ તૂટી ગઈ અને તેઓ મહામહેનતે એક નિર્જન, ઉજ્જડ ટાપુ પર પહોંચ્યા. પિતાએ કહ્યું,‘‘હવે આપણું બચવું મુશ્કેલ છે જે થાય તે જોયું જશે.’’ તેમણે નક્કી કર્યું કે ટાપુની જુદી જુદી દિશામાં જઈને કોઈ માર્ગ શોધવો. પુત્રે પ્રાર્થના કરી કે ‘‘ ભગવાન આ સાવ સૂકા ટાપુ પર લીલાંછમ છોડ ફૂલ પાન ઊગે તો ફળ ફૂલ કંદમૂળ ખાઈને ભૂખ મિટાવી શકાય. જાણે ભગવાને તેની પ્રાર્થના સાંભળી હોય તેમ તરત જ ટાપુ ઉપર લીલાંછમ ફૂલ, છોડ, પાન, હરિયાળી ઊગી ગઈ અને મીઠાં ફળ ખાઈને પુત્રે પોતાની ભૂખ મિટાવી ત્યારે તેને પિતા યાદ આવ્યા નહિ.
તેને લાગ્યું કે જો ભગવાને મારી આ પ્રાર્થના સાંભળી લીધી તો હું અહીંથી બચાવવાની પ્રાર્થના પણ કરી શકું અને તેણે તરત હાથ જોડી પ્રાર્થના કરી, ‘‘ પ્રભુ, ફરી સામે કિનારે પહોંચી શકું તે માટે કોઈ નૌકાનો પ્રબંધ થઈ જાય.’’ અચાનક દરિયાકિનારે એક નૌકા પ્રગટ થઈ ગઈ. તરત જ પુત્ર નૌકામાં બેસી અને કિનારા તરફ જવા લાગ્યો. પોતાના પિતાને પણ ભૂલી ગયો.
પોતાનું જીવન બચાવવામાં તે જીવન આપનાર પિતાને ભૂલી ગયો. ત્યાં અચાનક આકાશવાણી થઈ, અવાજ સંભળાયો, ‘‘અરે તારા પિતાને જોડે નથી લઈ જવા.’’ પુત્ર બોલ્યો, ‘‘હવે જેવું જેનું નસીબ. મારું દિલ સાફ હતું એટલે તમે મારી પ્રાર્થના સાંભળી. તમે મને મદદ મોકલી. આ તોફાનના વાતાવરણમાં હું એમને બીજા કિનારે ક્યાં શોધવા જાઉં અને આ નૌકા પણ તૂટી ગઈ તો… એના કરતાં હું તો સામે કિનારે જઈને બચી જાઉં. એમનું જે થવાનું હશે તે થશે.’’
આકાશમાંથી હસવાનો અવાજ આવ્યો અને નૌકા ગાયબ થઈ ગઈ.ફરી આકાશવાણી થઈ, ‘‘ મૂર્ખ પુત્ર તને ખબર નથી કે આટલા બધા ચમત્કાર કઈ રીતે થઈ રહ્યા છે.’’ પુત્ર બોલ્યો, ‘‘ મારી સાચી પ્રાર્થનાથી! તમે મારી પ્રાર્થના સાંભળી અને આ ચમત્કાર કર્યો છે.’’ આકાશવાણીએ જવાબ આપ્યો, ‘‘ના તું જાણી લે કે આ બધું તારા પિતાની પ્રાર્થનાથી થયું છે. તારા પિતાએ પ્રાર્થના કરી છે કે આજે મારો પુત્ર જે પ્રાર્થના કરે તે તમે સાંભળી લેજો અને તેને તત્કાળ પૂરી કરજો એટલે તું જે પ્રાર્થના કરે છે તે હું તત્કાળ પૂરી કરી રહ્યો છું સમજ્યો.’’
પુત્રને પોતાના સ્વાર્થ બદલ ખૂબ જ પસ્તાવો થયો. ત્યાં તેને શોધતા શોધતા તેના પિતા આવ્યા. પિતાએ ફરી પ્રાર્થના કરી કે, ‘‘ઈશ્વર, મારા પુત્રને માફ કરો. ફરી નૌકા પ્રગટ થઈ અને પુત્ર અને પિતા કિનારે જવા નીકળી ગયા.’’ સ્વાર્થમાં અંધ થઈને આપણે જ્યારે આપણા સાચા સંબંધીઓ, સાચા શુભચિંતકો, સાચા હિતેશીઓને ભૂલી જઈએ છીએ ત્યારે યાદ રાખજો કે આપણને જીવનમાં જે મળી રહ્યું છે તે કોઈ શુભચિંતકની પ્રાર્થનાનું ફળ હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.