રસિકલાલ અને તેમનાં પત્ની રસીલાબહેન,એક પરણેલો પુત્ર રોહન તેની પત્ની રીમા અને અપરિણીત દીકરી ઋતા સાથે જોઈન્ટ ફેમિલીમાં થ્રી બેડરૂમના ઘરમાં શાંતિથી રહેતાં હતાં.રસિકભાઈએ શરૂ કરેલો બિઝનેસ હવે રોહન સંભાળતો હતો છતાં રસિકભાઈ પણ રોજ ઓફિસે જતા.બિઝનેસ સારો ચાલતો હતો.ઘરમાં પણ સરસ ખુશીભર્યું વાતાવરણ હતું.દીકરી ઋતાનાં લગ્ન લેવાયાં હતાં અને તૈયારીઓ ચાલુ હતી. થોડા વખતથી રસિકભાઈ જોઈ રહ્યા હતા કે તેમના ઓરમાન ભાઈનો દીકરો રમેશ થોડા થોડા દિવસે ઓફિસે આવતો અને રોહન સાથે કેબીનમાં ઘણી વાતો કરતો અને તેના ગયા બાદ રોહનનું વર્તન થોડું થોડું બદલાયેલું લાગતું.
ઘરમાં પણ તે ઉખડેલો રહેતો અને ઋતાના લગ્નના ખર્ચની વાતમાં પણ ખીજાઈ જતો. અનુભવી રસિક્ભાઈએ એક નિયમ કર્યો.તેઓ રોજ ઓફિસમાં સાંજે પોતાની કેબિનની ડસ્ટબીનનો કચરો જઈને રોહનની કેબિનના ડસ્ટબીનમાં નાખી આવતા.રોહન આ રોજ જોતો પણ કંઈ બોલતો નહિ.આમ થોડા દિવસ થયા અને ભૂલ્યા વિના રસિકભાઈ રોજ જ પોતાની કેબિનના ડસ્ટબીનનો કચરો જઈને રોહનની કેબિનના ડસ્ટબીનમાં નાખતા.રોહનને ગમતું નહિ પણ તે આંખ આડા કાન કરતો.
રસિકભાઈ સાંજે પોતાના કેબીનનું ડસ્ટબિન લઈને કચરો નાખવા રોહનની કેબીનમાં આવ્યા.આજે રોહનની ધીરજનો અંત આવ્યો. તેણે કહ્યું, ‘પપ્પા, તમે રોજ આ શું કરો છો? શું કામ તમારી કેબિનનો કચરો મારી કેબિનમાં આવીને નાખો છો? પ્યુન લઇ લેશે તમારી કેબિનમાંથી.’ રસિકભાઈ તો રાહ જ જોતા હતા કે રોહન કંઇક બોલે. તેઓ હસ્યા અને બોલ્યા, ‘અરે વાહ, પોતાના પિતાની કેબિનનો કચરો તારી કેબિનના ડસ્ટબીનમાં નાખવામાં આવે તો તને વાંધો પડે છે અને પેલો રમેશ આવીને પોતાના મનનો અને શબ્દોનો કચરો તારા મગજમાં નાખીને જાય છે તો તને તેનો કોઈ વાંધો નથી. વાહ બહુ હોશિયાર થઇ ગયો છે તું.’ આટલું બોલીને રસિકભાઈ તો પોતાના હાથમાં રહેલા ડસ્ટબીનનો કચરો પાછો લઈને પોતાની કેબીનમાં જતા રહ્યા.રોહન પિતાની વાત સાંભળીને અવાચક ત્યાં જ ઊભો રહ્યો.
થોડી પળો બાદ પપ્પા શું બોલી ગયા તે સમજાતાં તે તેમની કેબીનમાં ગયો અને પૂછ્યું, ‘પપ્પા તમે આ શું બોલ્યા, મારી શું ભૂલ થઈ છે?’ રસિકભાઈએ કહ્યું, ‘દીકરા, જમાનો જોયો છે મેં ,પેલો રમેશ જયારે ઓફિસમાં આવે છે ત્યારે તને આપણા ઘરની શાંતિ ભંગ કરવા માટે ઘરના વિરુદ્ધ ભડકાવે છે.ઋતાનાં લગ્ન પાછળ અમે ઘણો ખર્ચો કરીશું તે અટકાવ એમ ચઢાવે છે તે બધી જ મને તમારી કોઈ વાત સાંભળ્યા વિના જ ખબર છે.તે તારા મગજમાં ઘરના વિરુદ્ધ કચરો ભરી જાય છે તેનો તને વાંધો નથી. શું તારું મગજ લોકોની ઈર્ષ્યા, નિંદા વગેરે કચરા નાખવાનું ડસ્ટબિન છે?’ રસિકભાઈએ રોહનની આંખો ખોલી નાંખી અને થોડાં વાક્યોમાં ઘણું સમજાવી દીધું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે