Madhya Gujarat

બોરસદમાં પિતા – પુત્રએ 55 લાખની છેતરપિંડી આચરી

આણંદ : બોરસદના વહેરા ગામમાં રહેતા વ્યક્તિને ગેસ સર્વિસ, ફુટ કોર્ટ અને પેટ્રોલીયમના વેપારમાં ભાગીદારીની લાલચ આપી મહાઠગ એવા કેયુર શાહ અને તેના પિતા પિયુષ શાહે રૂ.55 લાખ ઉપરાંતની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બોરસદના વહેરા ગામની સહજાનંદ શરણમ્ સોસાયટીમાં રહેતા સિવેન્દ્રકુમાર ભરતભાઈ પટેલે ગ્રામ્ય પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, બોરસદ શહેરની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા કેયુર પિયુષ શાહ અને તેના પિતા પિયુષ ચંદ્રવર્ધન શાહને છેલ્લા ત્રણેક વર્ષથી ઓળખીએ છીએ. આ બન્ને પિતા – પુત્રએ 2019ના અરસામાં ગેસ સર્વિસ, ફુટ કોર્ટ, પેટ્રોલીયમના વેપાર ધંધામાં સારી ફાવટ છે અને અમારી ઉપર કક્ષાએ ઘણી ઓળખાણ છે.

તેથી આ કંપનીઓ આપણે કંપની એક્ટ હેઠળ રજીસ્ટર કરાવી ભાગીદારીમાં વેપાર કરીશું. તો સારી એવી આવક મળશે. તેમ જણાવ્યું હતું. તેમની વાતમાં આવી ગયેલા શિવેન્દ્રકુમાર પટેલે હા પાડી હતી. બાદમાં પિતા – પુત્રની બેલડીએ તિર્થ ગેસ સર્વિસ, આવો ફુડ કોર્ટ અને તિર્થ પેટ્રોલીયમ સર્વિસસના નામથી મેમોરેન્ડમ તૈયાર કરાવ્યું હતું. જેમાં ભાગીદાર તરીકે હેમલતાબહેન પટેલને ભાગીદાર તરીકે સમાવેશ કર્યો હતો. આ સમયે કંપનીની જમીન બોદાલ મુકામે ખરીદવા સને 2019ની સાલમાં બાનાપેટે રૂા.21 હજાર ખેડૂતને અપાવ્યાં હતાં.

બાદમાં કંપનીની શરૂઆત કરવા, જમીનની કિંમત ચૂકવવા, બાંધકામ તેમજ ફુડનું રો મટિરિયલ, ફર્નિચર વિગેરે ખરીદવા માટે કટકે કટકે રૂ.55 લાખ પુરા લઇ ગયાં હતાં. આ ઉપરાંત બોદાલ ગામે ખરીદેલી જમીનના બાના પેટે ખેડૂતને પણ રૂ.10 લાખ આપ્યાં હતાં. જોકે, લાંબો સમય થવા છતાં કોઇ હલચલ જોવા મળી નહતી. જમીન પર કોઇ બાંધકામ જોવા મળતું નહતું. બીજી તરફ કેયુર અને પિયુષ દ્વારા નાણાની માગણી ચાલુ હતી. આથી, શિવેન્દ્રકુમારને શંકા જતા નાણા આપવાનું બંધ કરી દીધું હતું. બીજી તરફ કોરોનાની મહામારી પણ શરૂ થઇ ગઇ હતી. જેના બહાના હેઠળ આ પિતા – પુત્રની બેલડી મહામારી પછી આપણી કંપનીના વેપાર – ધંધા શરૂ થશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો.

પરંતુ હજુ સુધી આવો કોઇ વેપાર શરૂ કર્યો નહતો. આથી, નાણા પરત માંગતા બહાના બતાવતા હતા. આથી, ફોજદારી ફરિયાદ કરવાનું કહેતાં કેયુર અને પિયુશ શાહે ખેડૂતને આપેલા નાણા ખેડૂત પાસેથી પરત જમા અપાવ્યાં હતાં. બાદમાં બે લાખ રૂપિયા તમારા ભાગે ખર્ચ આવે છે, તે કાપી તમને રૂ.53 લાખ થોડા સમયમાં પરત આપી દઇશું. તેમ જણાવ્યું હતું. પરંતુ નાણા ન આપતા ફરી ઉઘરાણી કરી હતી. આથી, બન્ને શખસે અમારી ઉપર સુધી પહોંચ છે. મુંબઇથી ગુંડાઓ બોલાવી તારા અને તારા પરિવારનું ખૂન કરાવી દઇશું. તેવી ગંભીર પ્રકારની ધમકી આપવા લાગ્યાં હતાં. હવે પૈસાની માગણી કરશો નહીં, નહીં તો ખેલ ખતમ થઇ જશે. તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત બોદાલ સીમમાં ખરીદેલી જમીન છળકપટ કરી કેયુરે તેના નામે વેચાણ દસ્તાવેજ કરી લીધો છે. આ અરજી આધારે બોરસદ ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Most Popular

To Top