નડિયાદ: કપડવંજ તાલુકાના નાની સુલતાનપુરમાં રહેતાં પિતા-પુત્રએ ખોટા વેચાણ બાનાખતના આધારે જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. જોકે, જમીનના મુળ માલિકે તપાસ કરતાં પિતા-પુત્રએ વાંધા અરજીમાં રજુ કરેલ સ્ટેમ્પની તારીખ અને તેમાં લખાણ કર્યાંની તારીખમાં વિરોધાભાસથી સમગ્ર ભાંડો ફુટ્યો હતો. આ મામલે જમીનના મુળ માલિકની ફરીયાદને આધારે કપડવંજ રૂરલ પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કપડવંજ તાલુકાના નાની સુલતાનપુર ગામની સીમમાં ખાતા નં 151, સર્વે નં 91 વાળી જમીન ધનજીભાઈ વણકર, પરષોત્તમભાઈ પટેલ અને બાબુભાઈ પટેલ (રહે.નવાગામ તાબે શેલગઢ, તા.કપડવંજ) ની સંયુક્ત માલિકીની હતી. જે પૈકી આઠ ગુંઠા જમીન આ ત્રણેય ભાગીદારોએ પ્રાથમિક શાળા માટે દાનમાં આપી હતી. જ્યારે, 89 ગુંઠા જમીન ગુલુમીયાં રમજાનમીયાં સીંધીને વેચી હતી.
જે બાદ જમીનમાંથી પરષોત્તમભાઈ અને બાબુભાઈનો ભાગ નીકળી ગયો હતો. જમીનમાં એકમાત્ર ધનજીભાઈનો જ ભાગ બાકી રહ્યો હતો. જે પૈકી ધનજીભાઈએ 72 ગુંઠા જમીન રહીમ નન્નુભાઈ સીંધીને તેમજ 89 ગુંઠા જમીન હનીશ શેખને વેચી હતી. જે બાદ ફેબ્રુઆરી 2022 માં ધનજીભાઈનું અવસાન થયું હતું. જેથી તેમના વારસદારોના નામ આ જમીનમાં દાખલ થયાં હતાં. જે બાદ ધનજીભાઈના વારસદારોએ આ જમીન દાસલવાડાના અકબરમીયાં મલેકને વેચાણ કરી, ફેરફાર નોંધ માટે અરજી કરી હતી.
જેની સામે મહેબુબમીયાં ગુલુમીયાં સીંધીએ વાંધા અરજી દાખલ કરી હતી. જોકે, આ જમીનમાં મહેબુબમીયાંનો કોઈ હક્ક કે હિસ્સો આવેલ ન હોવાછતાં તેણે વાંધા અરજી કરી હોવાથી જમીનના મુળ માલિક ધનજીભાઈના પુત્ર વાલજીભાઈએ અરજીની નકલો મેળવી તપાસ કરી હતી. જેમાં 50 રૂપિયાનો સ્ટેમ્પ વાંધા અરજીમાં રજુ કરેલ હતો. આ સ્ટેમ્પમાં ગુલુમીયાં અને તેના પુત્ર સિકંદરમીયાંએ વેચાણ બાનાખત કરાર કરાવેલ હતો.
જોકે, આ સ્ટેમ્પ 28-9-2005 માં ખરીદ કરાયો હતો અને તેમાં લખાણ કર્યાંની તારીખ 30-5-2005 હતી. એટલે કે સ્ટેમ્પ ખરીદ્યા પહેલાં લખાણ લખ્યાની હકીકત સામે આવી હતી. આમ ગુલુમીયાં સીંધી અને તેના પુત્ર સિકંદરમીયાંએ ખોટા સ્ટેમ્પનો ઉપયોગ કરી જમીન પડાવી લેવાનું કાવતરૂ રચ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. આ મામલે વાલજીભાઈ ધનજીભાઈ વણકરની ફરીયાદને આધારે કપજવંજ ટાઉન પોલીસે ગુલુમીયાં રમજાનમીયાં સીંધી અને તેના પુત્ર સિકંદરમીયાં સામે આઈ.પી.સી કલમ 467, 468, 471 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.