સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં એક ટ્રકે કચડી નાંખતા 55 વર્ષીય આધેડનું મોત નિપજ્યું છે. કરૂણતાની વાત એ છે કે આધેડ પોતાની દીકરીના લગ્નની ખરીદી માટે સુરત આવ્યા હતા. સંબંધીના ઘરની બહાર ઉભા હતા ત્યારે ધસમસતી ટ્રકે આવી તેમને કચડી નાંખ્યા હતા. દીકરીના લગ્નના દોઢ મહિના પહેલાં જ પિતાનું મોત નિપજતા પરિવાર પર જાણે વ્રજઘાત થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના ધુલિયા ખાતે રહેતા અને કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા 45 વર્ષીય શરદ હરચંદ પાટીલને પરિવારમાં પત્ની, દીકરો અને બે દીકરી છે. દીકરી દામિનીના દોઢ મહિના બાદ લગ્ન હોય તેઓ ખરીદી માટે સુરત સંબંધીના ઘરે આવ્યા હતા.
તેઓ ગઈકાલે રવિવારે લિંબાયતના સંજયનગર ખાતે આવેલા સંબંધીના ઘરની બહાર ઉભા હતા. ત્યારે આઈસર ટ્રકના ચાલકે ફૂલસ્પીડમાં રિવર્સમાં ટ્રક દોડાવી શરદભાઈને ટક્કર મારી હતી. શરદભાઈને કચડી નાંખ્યા હતા. આ અકસ્માતમાં શરદભાઈને માથા સહિત શરીરના અલગ અલગ ભાગમાં ગંભીર ઈજા થઈ હતી.
પરિવારજનો દોડી આવ્યા હતા. 108માં સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. દીકરીના લગ્નના દોઢ મહિના પહેલાં પિતાનું મોત થતા પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.