સુરતઃ સોશ્યલ મીડિયા પર એક કાર ચાલકે બે વર્ષની બાળકીને ખોળામાં ઊભી રાખી કારનું સ્ટિયરીંગ તેને આપી વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જે વિડિયો પાંડેસરા વિસ્તારનો હોવાનું માલુમ પડતાં પાંડેસરા પોલીસે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આરોપીને પકડી પાડ્યો છે.
પાંડેસરા પોલીસ પાસે મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં એક કારચાલક બીઆરટીએસમાં કાર ચલાવી છોકરીને ખોળામાં ઊભી રાખી કારનું સ્ટિયરીંગ તેના હાથમાં પકડાવી બેદરકારીપૂર્વક કાર ચલાવી રહ્યો હોવાનું માલમ પડ્યું હતું. વિડિયો કારચાલકે પાંચ મહિના પહેલા બનાવ્યો હતો, પણ બે દિવસ પહેલાં તેને ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો.
વિડીયો જોઈ શહેરભરમાં કાર ચાલકની ટીકાઓ થઈ રહી હતી. વિડિયો પાંડેસરા વિસ્તારનો હોવાનું માલુમ પડતાં પાંડેસરા પોલીસ હરકતમાં આવી હતી. વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી ફોર વ્હીલ ગાડી નંબર GJ -01-HZ-7112 પરથી વિડિયો વાયરલ કરનારની ઓળખ કરી લીધી હતી. પોલીસે વિડીયો બનાવી વાયરલ કરનાર વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે કારચાલક અમરીશ અશોકસિંગ રાજપુત (ઉ.29.,ગણેશ નગર પોલીસ કોલોની સામે,પાંડેસરા)ની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા તે સિક્યુરીટીની એજન્સી ચલાવતો હોવાનું જણાવ્યું હતું. આરોપી જે બાળકીને ખોળામાં બેસાડી હતી તે તેની જ બાળકી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.