વડોદરા: ગોરવા વિસ્તારની સોસયટીમાં રહેતો યુવક પોતાના ભાઇને લેવા પંચવટી સર્કલ પાસે ઉભો હતો. તે દરમિયાન પિતા અને બે પુત્રો યુવકને અહી કે ઉભો છે તેમ કહી માર માર્યો હતો. જેમાં પિતાએ મોઢા મુક્કો મારતા બે દાત પડી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઈજાગ્રસ્ત યુવકે કંટ્રોલમાં ફોન કરી જાણ કરતા ગોરવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના ગોરવા પંચવટી વિસ્તારની સંગીતા ટેનામેન્ટ વિભાગ-2માં રહેતા વિજયકુમાર નારણભાઇ પટેલ (ઉં.વ. 47) ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે.
રવિવાર સવારે તેઓ તેમની બાઇક લઇને તેમના ભાઇ સંજને પંચવટી સર્કલ રવિ ટેનામેન્ટ પાસે રોડ પર લેવા માટે ઉભો હતો. તે દરમિયાન ત્યાં રહેતો ભરત પગાર તેમની પાસે આવી કેમ અહિયા ઉભો છે અહી ઉભા નહી રહેવાનું તેમ કહીને તેમની સાથે ગાળા ગાળી કરી ઝઘડો કર્યો હતો. તે દરમિયાન તેમના ભાઇ ગૌરાંગ અને પિતા ગોપાલ પગારે આવી યુવક સાથે મારમારી કરવા લાગ્યા હતા. જેમાં ગોપાલ પગારે મોઢા મુક્કો મારતા બે દાંત પડી ગયા હતા. તેણે એમ જણાવ્યું હતું કે ફરીથી અહિયા ઉભો રહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી વિજય પટેલે 100 નંબર ફોન કરી જાણ કરી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેની વરદી ગોરવા પોલીસને મળતા પોલીસે યુવકની ફરિયાદના આધારે હુમલો કરનાર પિતા અને બે પુત્રો સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.