સંતરામપુર : સંતરામપુરના સરસવાપુર્વ ગવાડુંગરા રોડનું કામ બે વર્ષથી કોન્ટ્રાક્ટર દ્વારા અધુરૂં છોડી દેવામાં આવ્યું છે. જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની જાણે મીલીભગત હોય તેમ જવાબદારો સામે કોઇ પગલાં ભરવામાં આવી રહ્યાં નથી. જેના કારણે રોષની લાગણી ભભૂકી છે. ફતેપુરા તાલુકામાં મુખ્ય મંત્રી ગ્રામસડક યોજના હેઠળ વિવિધ રસ્તાની રીસરફેસીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં સરસવાપુર્વ ગવાડુંગરા રોડનું કામ વર્ષ 2019-2020 માં મંજુર થયું હતું. આ કામ શરું કરાયું હતું, પરંતુ આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા નાળાની કામગીરી બરાબર કરાયેલી નથી. જ્યારે થયેલી કામગીરી પણ હલકી કક્ષાની અને હલકી ગુણવતતાવાળી કરતા ઉચ્ચસ્તરીય રીતે તપાસ થાય તે માટેની પણ માંગ ઉઠી છે.
આ સરસવારપુર્વ ગવાડુંગરા રોડનું કામ આજદિન સુધી પુરું થયું નથી અને આ રોડ પર મોટી કપચી પાથરીને તેની પર રોલીંગ પણ કરાયું ન હોવાથી આ રોડ પર ટુ વ્હીલર અને ફોરવહીલર લઈને જવામાં ભારે તકલીફ ઊભી થાય છે. આ રસ્તા પર થયેલા નાળાઓની કામગીરી બરાબર કરાયેલી ન હોઈ આ કામગીરીની નિષ્પક્ષ તટસ્થ તપાસ કરાય તો કેટલીક ચોકાવનારી હકીકતો અને ગેરરીતિઓ બહાર આવે તેમ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ગવાડુંગરા ગામે 12મી ફેબ્રુઆરી, 22ના રોજ ગ્રામપંચાયતના નવીન બનેલા પંચાયત ઘરના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારોને ગ્રામજનો દ્વારા આ રોડની અને નાળાની કામગીરી બરાબર કરાયેલી ન હોવાથી આ રોડની બાકી રહેલા કામો વહેલી તકે કરવાની માંગણીૈ કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ રોડની અને નાળાની કામગીરી આજસુધી પુરી થઈ ન હોવાથી રોષની લાગણી જન્મી છે. આ રોડની કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરે આ રોડ ઉપરાંત સંજેલી વિસતારના અન્ય કેટલાક રસ્તાઓ પણ હલકી કક્ષાની અને ગુણવત્તાયુકત કર્યાં નથી. આ રસ્તાઓની કામગીરી પુરી કરવાની સમયમર્યાદા પણ પુરી થઈ ગયેલ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર સામે વિભાગ દ્વારા તેને જરુરી નોટીસો આપી હોવા છતાં પણ કરારમુકત કેમ કરાતો નથી ? અને આ કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટમાં કેમ મુકવામાં આવતો નથી ? તે પ્રશ્નાર્થ ઉભો થયો છે.