સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ- લખતર રોડ પર આજે રવિવારે બે કાર સામ-સામે ધડાકાભેર ટકરાઈ હતી. જેના પગલે ગોળ ચકરી ખાઈ ગયેલી એક કાર સળગી ઉઠી હતી. જેમાં સવાર એકજ પરિવારના 8 લોકોનું મૃત્યુ થયું છે. અકસ્માત બાદ કાર રોડની સાઈડમાં ખાબકીને અચાનક સળગી ઉઠી હતી અને સળગેલી કારમાં બેઠેલા પરિવારના સભ્યો જીવતા જ ભસ્મીભૂત થઈ ગયા હતા.
કડું ગામથી એક પરિવાર પોતાના વાહનમાં સુરેન્દ્રનગર આવી રહ્યા હતા. તે દરમિયાન વઢવાણ-લખતર રોડ પર ઝમર અને દેદાદરા ગામની વચ્ચે બે કાર વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ બાદ એક કાર રોડની સાઈડમાં ખાબકી ગઈ અને થોડા જ ક્ષણોમાં કારમાં આગ લાગી ગઈ. આગ એટલી ઝડપથી ફાટી નીકળી કે અંદર બેઠેલા લોકોને બહાર નીકળવાનો મોકો જ ના મળ્યો નહોતો. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકો અને નજરે જોનાર સાક્ષીઓએ જણાવ્યું હતું કે કારમાં આગ લાગતા ત્યાં જતાં લોકો ચીસો પાડી રહ્યા હતા પરંતુ આગ એટલી વિકરાળ હતી કે કોઈને બચાવવું મુશ્કેલ બની ગયું હતું. અકસ્માત જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે કારના દરવાજા ખોલીને અંદરના લોકોને બહાર કાઢવામાં સ્થાનિકો તથા અન્ય વાહનચાલકો સફળ થઈ શક્યા ન હતા. અંતે આગમાં સળગીને તમામના મોત થયા હતા.
સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર ઝમર અને દેદાદરા ગામ વચ્ચે આ અકસ્માત થયો હતો. બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામનારાઓમાં 6 મહિલાઓ, 1 પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનાને કારણે ઘટનાસ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ મીનાબા વિરેન્દ્રસિંહ રાણા, કૈલાબા જગદીશસિંહ ચુડાસમા (55 વર્ષ), રાજેશ્રીબા નરેન્દ્રસિંહ રાણા (47 વર્ષ),દિવ્યાબા હરદેવસિંહ જાડેજા (32 વર્ષ),નીતાબા ભગીરથસિંહ જાડેજા (53 વર્ષ),પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (35 વર્ષ),રિદ્ધિબા પ્રતિપાલસિંહ (ઉંમર 13) અને દિવ્યેશ્રીબા પ્રતિપાલસિંહ (ઉંમર 10 માસ)નું મૃત્યુ થયુ હતું.