National

યમુના એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 5ના મોત

નવી દિલ્હીઃ યુપીના અલીગઢમાં યમુના એક્સપ્રેસ વે પર એક ભીષણ માર્ગ અકસ્માત થયો હતો, જ્યાં એક ટ્રક અને ડબલ ડેકર બસ વચ્ચેની અથડામણમાં પાંચ લોકોના મોત થયા હતા. આ ભયાનક અકસ્માતમાં એક ડઝનથી વધુ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.

બસનો એક બાજુથી કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસને માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યારે મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

આ ઘટના અલીગઢના ટપ્પલ પોલીસ સ્ટેશન વિસ્તારના યમુના એક્સપ્રેસ વે નંબર 56 પર બની હતી. ડબલ ડેકર બસ પાછળથી બિયરની બોટલોના ભંગાર ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે બસ પાટા પરથી ઉતરી ગઈ હતી. અથડામણ બાદ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા અને લગભગ 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ખાનગી બસ દિલ્હીથી આઝમગઢ જઈ રહી હતી.

બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં પાંચ મહિનાના બાળક, એક મહિલા, ત્રણ પુરૂષો સહિત પાંચ લોકોના મોત થયા છે. તે જ સમયે, 11 મહિનાની બાળકી, એક નાની છોકરી, 5 વર્ષનો છોકરો, 3 મહિલાઓ અને 9 પુરૂષો સહિત 15 લોકો ઘાયલ થયા હતા.

ટ્રક સાથે અથડાયા બાદ બસમાં બેઠેલા પેસેન્જરો અંદર ફસાઈ ગયા હતા. બસમાં મુસાફરી કરી રહેલા લોકોએ બહાર નીકળવા માટે બારીના કાચ તોડવા પડ્યા હતા.

માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને બચાવીને હોસ્પિટલ લઈ ગયા હતા. ઘાયલોને જેવરની કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાંચ મૃતકોના મૃતદેહને કબજે કરીને શબઘરમાં મોકલવામાં આવ્યા હતા.

Most Popular

To Top