ભારતીય મૂળના અબજપતિ ભાઇઓ મોહસિન અને ઝુબેર ઇસાએ એક લોકપ્રિય બ્રિટિશ ફાસ્ટ ફૂડ ચેઇન લિઓંની ખરીદી કરી લીધી છે, આ ખરીદી તેમણે બ્રિટનમાં તેમના ફૂડસર્વિસ ઓપરેશનોને વિસ્તારવાના તેમના લક્ષ્યના ભાગરૂપે કરી છે.
ઇસા ભાઇઓ, કે જેમના માતા-પિતા ૧૯૭૦ના દાયકામાં ગુજરાતથી યુકે ગયા હતા, તેઓ તેમના ઇજી ગ્રુપના બિઝનેસના ભાગરૂપે યુકેમાં પેટ્રોલ સ્ટેશનોની યુરો ગેરેજીસ નામની ચેઇન ધરાવે છે. ગય વર્ષે તેમણે તેમના નોન-ફ્યુઅલ ધંધાને વિસ્તારવાની વ્યુહરચનાના ભાગરૂપે યુકેની સુપરમાર્કેટ ચેઇન અસ્ડા તેના અમેરિકન માલિક વૉલમાર્ટ પાસેથી ખરીદી લીધી હતી.
લિઓંની સ્થાપના જોહન વિન્સેન્ટ, હેન્રી ડિમ્બલબડી અને શેફ એલેગ્રા મેકએવડીએ ૨૦૦૪માં કરી હતી, જે ફાસ્ટ ફૂડ ચેઇન પોતાને નેચરલી ફાસ્ટ ફૂડ કેટેગરીની ચેઇન તરીકે ઓળખાવે છે, તેમાં સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મેનુ પર ભાર આપવામાં આવે છે. ઇસા ભાઇઓએ આ ખરીદી અંદાજે ૧૦૦ મિલિયન પાઉન્ડમાં કરી હોવાનું કહેવામાં આવે છે.
આખા બ્રિટનમાં ૭૦ કરતા વધુ રેસ્ટોરાંઓ ધરાવતી લિઓં પાસે કંપનીની માલિકીની પરંતુ ભાડાપટાથી ચલાવવા આપેલી અન્ય ૪૨ રેસ્ટોરાંઓ પણ છે. તે લંડનમાં તથા યુકેના અન્ય મોટા શહેરોમાં મજબૂત હાજરી ધરાવે છે.
આ ઉપરાંત તેની પાસે વ્યુહાત્મક ટ્રાન્સપોર્ટ હબ્સ(મુખ્યત્વે એરપોર્ટો અને ટ્રેઇન સ્ટેશનો) પર તથા અનય પાંચ યુરોપિયન માર્કેટો, ખાસ કરીને નેધરલેન્ડ્સમાં ૨૯ ફ્રેન્ચાઇઝ્ડ સાઇટો પણ છે. આ ખરીદી પહેલા જ ઇજી ગ્રુપ યુકે તથા આયર્લેન્ડમાં ૭૦૦ ફૂડ સર્વિસ આઉટલેટ્સ ચલાવતું હતું.