Comments

ફાસ્ટ ફર્નિચર સસ્તું છે, પણ ટાળવા જેવું છે

મનુષ્ય સુસંસ્કૃત થતો ગયો એમ તેની જરૂરિયાત વધતી ચાલી. એક યા બીજા પરિબળથી વર્ગ વિભાજન થતું ચાલ્યું. કાળક્રમે એટલી બધી ચીજોનો ઉપયોગ તે કરવા લાગ્યો કે ભાગ્યે જ તેના દ્વારા વપરાતી કોઈ ચીજ એવી હશે જે કુદરતને નુકસાન ન કરતી હોય. તેના ઉપયોગની ચીજો વધતી ગઈ, કુદરત સાથેનો તેનો સંપર્ક છૂટતો ગયો, આથી કુદરત સાથેનું સંતુલન ખોરવાતું ચાલ્યું. પર્યાવરણ ક્ષેત્રે આજે જે સ્થિતિ છે એ ક્યારથી થઈ એનો ખાસ કશા અભ્યાસ વિના અંદાજ માંડીએ તો પણ ખ્યાલ આવશે કે એ બધું છેલ્લા ચારસો-પાંચસો વરસ દરમિયાન થયું છે, અને હવે એની ઝડપ વધી છે.

કુદરતને નુકસાન કરતી આપણા દ્વારા ઉપયોગમાં લેવાતી હોય એવી અવનવી ચીજોની યાદી દિન-બ-દિન વધી રહી છે. આવી એક વધુ ચીજ એટલે ‘ફાસ્ટ ફર્નિચર’. નામ જ સૂચવે છે એમ આ ફર્નિચર ‘ઝડપી’ છે, એટલે કે ઝડપી બને છે, સસ્તું પડે છે અને ઝડપથી નકામું બની જાય છે. મકાનના આંતરિક સુશોભનનો મહિમા હવે અતિશય વધ્યો છે અને અનેક કિસ્સામાં ફર્નિચરનું બજેટ મકાન બાંધકામના બજેટ જેટલું કે એથી વધુ હોવાની નવાઈ રહી નથી. મકાનમાલિક એ આંકડો ગૌરવભેર ટાંકતા ફરે છે.

આ પ્રકારનું ફર્નિચર જથ્થાબંધ બને છે, ઝડપથી તેમ જ ઓછા ખર્ચે તૈયાર થાય છે અને મોટી બ્રાન્‍ડનેમ હેઠળ ઑનલાઈન મળતું જોવા મળે છે. આ પ્રકારનું ફર્નિચર ઘણાખરા કિસ્સે ઊતરતી ગુણવત્તાવાળું, ભાંગીતૂટી શકે એવું હોય છે, જેની વારેવારે મરમ્મત કરવી પડે છે અને અમુક વાર એ પણ શક્ય બનતું નથી. દેખીતું છે કે આ પ્રકારના ફર્નિચરમાં ઓછી ટકાઉ હોય એવી સામગ્રી વપરાય છે. એમાં ફોર્માલ્ડિહાઈડ, બેન્‍ઝિન અને વિનાઈલ એસિટેટ જેવાં હાનિકારક રસાયણો કે કેન્‍સરકારકો હોઈ શકે છે, જે માનવ માટે જોખમી છે. આવું સસ્તું ફર્નિચર લાંબું ચાલતું નથી. પાંચ-સાત વર્ષ બહુ થઈ ગયાં! એ પછી ઘણાખરા મામલે તે લેન્‍ડફીલમાં ઠલવાય છે.

હવે જોવા મળતાં ફર્નિચરમાં ટકાઉપણું ઓછું અને બાહ્ય ચમકદમક વધુ જોવા મળે છે. કારણ એ કે માંગ એવી છે. લોકોનાં રસરુચિ એટલી ઝડપથી બદલાઈ રહ્યાં છે કે તેઓ સતત નવિનતા ઝંખે છે. પહેલાંના સમયની જેમ ત્રણ ત્રણ ચાર ચાર પેઢી સુધી ચાલતું ફર્નિચર હવે તેમને કંટાળો નીપજાવે છે. ગ્રાહકોની આ માનસિકતાનો બરાબર લાભ ફાસ્ટ ફર્નિચરના ઉત્પાદકો ઉઠાવે છે. ઓછી કિંમત અને ચમકદમક તેમ જ આકર્ષક દેખાવને તેઓ આગળ ધરે છે, જેનાથી ગ્રાહકો મોહિત થયા વિના રહેતા નથી. તેમાં વિકલ્પો પણ અનેક મળે છે. ખર્ચેલા નાણાં અનુસાર તે થોડો સમય કામ આપે એટલે બહુ થયું એમ ગ્રાહકો માને છે.

એ હકીકત છે કે હવે ફર્નિચર આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. આમ છતાં જૂજ લોકો એ અંગે પોતાની પસંદગી બાબતે એકદમ સ્પષ્ટ હોય છે. મોટે ભાગે તેમની જરૂરિયાત ‘ઊભી’ કરવામાં આવે છે યા એને અમુક તૈયાર ચોકઠામાં ‘બેસાડવામાં’ આવે છે. એક વાર તેને ગ્રાહક મંજૂરી આપી દે એ પછી આખી કવાયત એ જરૂરિયાતને યોગ્ય ઠેરવવાની હોય છે. આનો ઉપાય ખરો? પર્યાવરણ સાથે સંકળાયેલી કોઈ પણ બાબતનો ઉકેલ ન હોય એમ બને નહીં. સવાલ એ છે કે ઉપભોક્તા તરીકે આપણને એવો ઉકેલ વિચારવો જરૂરી લાગે છે કે કેમ. એક વાતે સૌ લગભગ એકમત હશે કે જૂના જમાનાનું ફર્નિચર ખૂબ ટકાઉ આવતું હતું. જૂનાં ફર્નિચરમાં ટકાઉપણાની સાથેસાથે કારીગરી પણ જોવા મળતી. એ ફર્નિચર પણ લાકડામાંથી જ બનતું હતું, પણ એ પેઢી દર પેઢી વપરાતું રહે તો નવું લાકડું એટલું ઓછું વપરાય.

કશા કારણ વિના ઘણા લોકો નવું ફર્નિચર વસાવવા માટે જૂના ફર્નિચરને કાઢી નાખે છે. આવા ફર્નિચરનું નવસર્જન આસાનીથી કરાવી શકાય. સારો કારીગર મળે તો સાવ ઓછા ખર્ચે તેને એ સરખું કરી આપી શકે. આ બધું કરતાં પહેલાં મનોમન એ વિચારી લેવા જેવું છે કે ફર્નિચરનો અસલી ઉપયોગ પોતાની સધ્ધર આર્થિક સ્થિતિના પ્રદર્શનનો છે કે તેના સુયોગ્ય વપરાશનો? ખરેખર તો પર્યાવરણને પોતે કરેલા નુકસાન બદલ શરમ અનુભવવાને બદલે ફાસ્ટ ફર્નિચર થકી પોતે બહુ મોટો વાઘ માર્યો હોવાનું ગૌરવ લેનારા લોકો બહુમતીમાં છે. ખરેખર તેઓ પર્યાવરણરૂપી વાઘને મારી જ રહ્યા છે, પણ તેને માટે તેમને કશો અફસોસ નથી.

‘કશુંક નવું’, ‘કશુંક હટકે’, ‘કશુંક યુનિક’ કરીને બીજાઓને દેખાડી દેવાની લ્હાયમાં પર્યાવરણનો એવો સોથ વળી રહ્યો છે કે એ કયા તબક્કે અટકશે એ અંદાજ આવવો મુશ્કેલ છે. એના વિશેની સભાનતા પ્રગટશે એ પહેલાં ઘણું નુકસાન થઈ ચૂક્યું હશે. આપણે વ્યક્તિગત સ્તરે એટલું કરી શકીએ કે કોઈ પણ ફર્નિચર કેવળ સસ્તું મળે છે એટલા માટે તેને ખરીદી ન લઈએ. ખરીદી જરૂરિયાત મુજબ જ કરીએ. જો કે, આપણા એકલાની આ જવાબદારી નથી, પણ પર્યાવરણલક્ષી નીતિના ધોરણે કશું થાય ત્યાં સુધી રાહ જોઈને બેસી રહેવું વ્યર્થ છે. કશીક નીતિ બનશે તો પણ છેવટે એ કોઈક નવા કર કે કિંમતની વૃદ્ધિમાં પરિણમે એ શક્યતા વધુ છે. પર્યાવરણ વધુ ન બગડે એ કંઈ કેવળ સરકારની જવાબદારી નથી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top