બેંગલુરૂ :ભારતીય ઝડપી બોલર (Fast bowler) જસપ્રીત બુમરાહને (Jaspreet Bumrah ) ઇજાને (injured) કારણે એશિયા કપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ઈજાઓ ગંભીર હોવાના અહેવાલો આવ્યા
બુમરાહને થયેલી ઇજા ગંભીર છે અને આ સ્થિતિમાં તે ઓસ્ટ્રેલિયામાં રમાનારો ટી-20 વર્લ્ડકપ પણ ગુમાવે તેવી સંભાવના છે. ટી-20 વર્લ્ડકપ ઓક્ટોબરમાં રમાવાનો છે અને તેના આડે હજુ બે મહિના જેવો સમય છે. જો કે બુમરાહની ઇજા બાબતે હજુ સુધી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા સત્તાવાર કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી.
બુમરાહને રિહેબ માટે બેંગલુરૂ મોકલ્યો
બીસીસીઆઇએ બુમરાહને રિહેબ માટે બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં જવા માટે કહેવાયું છે. મીડિયા અહેવાલો અનુસાર બુમરાહને થયેલી ઇજા ગંભીર છે અને તેને ફિટ થવા આડે લાંબો સમય લાગી શકે છે. બીસીસીઆઇ પણ તેની ઇજા પર નજર રાખી રહ્યું છે. એવું કહેવાઇ રહ્યું છે કે બુમરાહની જૂની ઇજા જ ફરી ઊભરી આવી છે. બીસીસીઆઇના એક સૂત્રએ કહ્યું હતું કે બુમરાહની જૂની ઇજા ફરી સામે આવી છે અને તે ચિંતાનો વિષય છે.
તેની આ ઇજા મુશ્કેલી ઊભી કરી શકે છે
તેમણે કહ્યું હતું કે રિહેબમાં તેને ઉપલબ્ધ સર્વોચ્ચ હેલ્થ એડવાઇઝરી મળી રહેશે, પણ સમસ્યા એ છે કે તેની જૂની ઇજા છે અને એ ચિંતાનો મોટો વિષય છે. બીસીસીઆઇના સૂત્રએ કહ્યું હતું કે અમારી પાસે ટી-20 વર્લ્ડકપ માટે માત્ર બે મહિનાનો સમય છે. આ સમયે તેની આ ઇજા મુશ્કેલી ઊભી કરી શકે છે. અમે તેની સ્થિતિ પર બારીકાઇથી નજર રાખી રહ્યા છીએ, તે શ્રેષ્ઠતમ બોલર છે અને હાલમાં સાવધાનીથી સ્થિતિને સંભાળવાની જરૂર છે.
T-20 ફોર્મેટ પછી ખેલાડીઓમાં ઈજા થવાનું પ્રમાણ વધ્યું છે
હાલના સમયમાં T-20 મેચ વધુ રમાય છે. તેવામાં આ ફોર્મેટમાં રમ્યા પછી ખેલાડીઓમાં ઈજા થવાનું પ્રમાણ પણ વધ્યું છે. એક અહેવાલ અનુસાર T-20 ફોર્મેટ આવ્યા પછી ખેલાડીઓમાં ઈજા થવાનું પ્રમાણ 10 % વધ્યું છે, જેમાં સૌથી વધુ ઈજા ફાસ્ટ બોલરોને પહોંચી છે. એમાં 18% ઈજાનું થવાનું પ્રમાણ વધ્યું છે. અત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28 ખેલાડી ઈજાને કારણે મેદાનથી બહાર છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સ્ટડી મુજબ ફાસ્ટ બોલરોમાં ઈજા થવાનું પ્રમાણ અન્ય ખેલાડીઓ કરતાં 2.5થી 6 ટકા સુધી વધુ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે જણાવ્યું હતું કે ગોઠણમાં ઈજા પહોંચવાને કારણે તેનું કરિયર જલદી ખતમ થયું હતું, બાકી તે 4-5 વર્ષ હજુ વધુ રમી શકે એમ હોત.