કેન્દ્રના કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે ખેડૂતો શનિવારે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં ચક્કાજામ કરશે. ખેડૂત સંગઠનોએ શુક્રવારે કહ્યું હતું કે, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડને છોડીને આખા દેશના રાજમાર્ગો પર ચક્કાજામ કરવામાં આવશે. ખેડૂત નેતા દર્શનપાલ સિંહે કહ્યું કે, અમે આવતીકાલે દિલ્હીમાં ચક્કાજામ નહીં કરીશું. અમે બધા બોર્ડર પર શાંતિથી બેઠા છીએ.
અમે દિલ્હીને છોડીને દેશ આખામાં રાષ્ટ્રીય અને રાજ્ય હાઇવે બંધ કરીશું. બપોરે 12થી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરવામાં આવશે. ખેડૂત નેતા બલબીર સિંહ રાજોવાલ અને રાકેશ ટિકૈત વચ્ચે બેઠક થઇ હતી. બેઠક બાદ રાકેશ ટિકૈતે કહ્યું કે, યુપી અને ઉત્તરાખંડમાં પણ આવતીકાલે ચક્કાજામ થશે નહીં. કૉંગ્રેસે ચક્કાજામને ટેકો જાહેર કરતા કહ્યું કે પાર્ટીના કાર્યકરો ખેડૂતો સાથે ખભેખભા મિલાવી ઉભા રહેશે.
ખેડૂત નેતાએ કહ્યું કે, અમે સિંધુ અને ટિકરી બોર્ડર પર શાંતિથી બેસીશું. બપોરે 3 વાગ્યે જ્યારે ચક્કાજામ ખતમ થશે ત્યારે અમે એકસાથે એક મિનિટ પોતાની ગાડીના હોર્ન વગાડીશું. તેમણે કહ્યું કે, ઇન્ટરનેટ બંધ હોવાને લીધે ઘણી સમસ્યા થઇ રહી છે. આખું સંયુક્ત કિસાન મોર્ચો અહીંથી જ ચક્કાજામ કોર્ડિનેટ કરશે. ચક્કાજામને લઇને દિલ્હી પોલીસ તંત્ર પણ સાબદું થયું છે. બીજી તરફ, દેશનું નામ આખાં વિશ્વામાં ચમકાવનાર મેડલિસ્ટોએ સિંધુ બોર્ડર પર ખેડૂતોને શાંતિ રાખવા અપીલ કરી છે.
દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત પાલ સિંહ સંધુ અને પદ્મશ્રી પહેલવાન કરતારસિંહ ખેડૂતોને ત્રિરંગાનું મહત્ત્વ સમજાવવા સિંધુ બોર્ડર પર પહોંચ્યા હતા. સમાચાર એજન્સી મુજબ, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે જે લોકો અહીં આવી શકે તેમ નથી તેમણે પોતપોતાના ઘરેથી આવતીકાલે ચક્કાજામનું સમર્થન કરવાનું છે. આ જામ દિલ્હીમાં નહીં થાય.