બહુ સ્તરીય આડશો, રસ્તા પર લોખંડના ખીલાઓ અને કાંટાળી વાડો, સિમેન્ટના બેરિયરો વચ્ચે લોખંડના સળિયાઓ અને ડીટીસી બસોના ખડકલા તથા વધુ પ્રમાણમાં સુરક્ષા કર્મચારીઓની તૈનાતીએ હવે ખેડૂતોના ધરણાના સ્થળોને અસાધારણ આકર્ષણના કેન્દ્રો બનાવ્યા છે.
દિલ્હીના બોર્ડરો પર આંદોલનના સ્થળોએ મજબૂત બનાવાયેલી સુરક્ષા વ્યવસ્થા પ્રજાસત્તાક દિને યોજાયેલ ખેડૂતોની ટ્રેકટર પરેડ દરમ્યાન થયેલી હિંસા પછી આવી છે જે હિંસામાં ૩૯૪ સુરક્ષા કર્મચારીઓને ઇજા થઇ હતી. હવે મીડિયા કર્મચારીઓને પણ આંદોલનનું કવરેજ કરવા માટે સ્થળ પર જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે તેમણે પહેલા તો ચેકિંગમાંથી પસાર થવું પડે છે અને ત્યારબાદ બેરિકેડિંગના અનેક સ્તર વટાવવા પડે છે.
ગાઝીપુર બોર્ડર પર ભારતીય કિસાન યુનિયનના એક હોદ્દેદારે જણાવ્યું હતું કે મુશ્કેલીઓ છતાં દૂર દૂરના સ્થળોએથી ટેકેદારો ધરણાના સ્થળે ખેડૂતોની સાથે ઐક્ય વ્યક્ત કરવા આવી રહ્યા છે. આંદોલન તો હોતા હી હૈ મુશ્કીલ મેં, આરામ સે કૌન સા આંદોલન હોતા હૈ? એમ બીકેયુના ઉત્તર પ્રદેશ એકમના પ્રવકતા પવન ખટાણાએ પીટીઆઇને કહ્યું હતું.
ગઇકાલે સિંઘુ બોર્ડર પર હાઇવે સાથેની હદ પર પોલીસની દેખરેખ હેઠળ કામદારો સિમેન્ટના બેરિયરોની બે હરોળની વચ્ચે લોખંડના ખીલાઓ ઠોકતા દેખાયા હતા. તો દિલ્હી-હરિયાણા હાઇવેના અન્ય એક ભાગ પર સિમેન્ટની કામચલાઉ દિવાલ ઉભી કરીને આંશિક અવરોધ ઉભો કરવામાં આવ્યો છે. આંદોલનકારીઓ પર નજર રાખવા ડ્રોન વિમાનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.