Gujarat

કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવાશે, કેબિનેટે સરવેની મંજૂરી આપી

છેલ્લાં કેટલાંક દિવસોથી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેના લીધે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોની વ્હારે આવ્યા છે. મંત્રીઓને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જઈ નુકસાનીનો તાગ મેળવવા સૂચના આપી છે. મુખ્યમંત્રીની સૂચનાને પગલે મંત્રીઓ મેદાનમાં ઉતરી પડ્યા છે.

દરમિયાન આજે મળેલી કેબિનેટની બેઠકમાં નુકસાનીનો સરવે કરવા મંજૂરી અપાઈ છે. ગ્રામસેવકોએ અસરગ્રસ્ત જિલ્લામાં નુકસાનીનો સરવે કરી એક અઠવાડિયામાં રિપોર્ટ સબમીટ કરવાનો રહેશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. અગાઉ પણ બંને નેતા પ્રવક્તા મંત્રીની ફરજ નિભાવી ચૂક્યા છે. હવે નવી જવાબદારી હેઠળ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે.

માવઠાથી પાકને ભારે નુકસાન
નોંધનીય છે કે ભાઈ બીજના બીજે દિવસથી શરૂ થયેલા કમોસમી વરસાદે સતત ત્રણ દિવસ રાજ્યના વિવિધ જિલ્લાને ધમરોળ્યું છે. અમરેલીના રાજુલામાં પૂરની સ્થિતિ ઉદ્દભવી હતી. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા પાકને ભારે નુકસાન થયો હતો. ડાંગર બગડી ગયો હતો. હાંસોટમાં 90 હજાર હેક્ટર જમીનમાં વાવેલા પાકનું ધોવાણ થયું છે.

Most Popular

To Top