પંજાબમાં ખેડૂતોનો વિરોધ ફરી તેજ થયો છે. કિસાન મજૂર મોરચા (KMM)ના આહ્વાન પર આજે 5 ડિસેમ્બર 2025એ રાજ્યના 19 જિલ્લાઓમાં કુલ 26 સ્થળોએ રેલવે ટ્રેક બ્લોક કરવામાં આવશે. બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી બે કલાક રેલ રોકો આંદોલન ચાલશે. જેના કારણે રાજ્યમાં રેલવે ટ્રાફિક અસરગ્રસ્ત થશે.
સંગઠન અનુસાર આ વિરોધ મુખ્યત્વે લુધિયાણા, જલંધર, અમૃતસર, ભટિંડા, ફિરોઝપુર, હોશિયારપુર, પટિયાલા, સંગરુર, મોગા, માનસા, રોપર અને અન્ય મોટા જિલ્લાઓના રેલવે સ્ટેશનો અને લેવલ ક્રોસિંગ પર થશે. ખેડૂતો મોટા જૂથોમાં એકત્ર થઈ રેલ્વે લાઇન પર બેસી સરકાર સામે અવાજ ઉઠાવશે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ શું?
કિસાન મજૂર મોરચાએ સરકાર સામે કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે, જેમાં મુખ્યત્વે
- વીજળી સુધારા બિલ 2025 નો ડ્રાફ્ટ રદ કરવો
- પ્રીપેડ વીજળી મીટરો હટાવવી
- જૂની મીટરિંગ સિસ્ટમ પુનઃસ્થાપિત કરવી
- સરકાર દ્વારા જાહેર સંપત્તિ વેચવાની નીતિનો વિરોધ
ખેડૂત નેતાઓનું કહેવું છે કે નવા નિયમો લોકો વિરોધી છે અને ખેડૂતો, ખેતમજૂરો અને સામાન્ય નાગરિકો પર વધારાનો આર્થિક બોજ મૂકે છે. પ્રીપેડ મીટરોને કારણે વીજળી ખર્ચ વધશે અને નાના ખેડૂત માટે ખેતી કરવી મુશ્કેલ બની જશે.
આંદોલન વધુ તીવ્ર થશે એવી ચેતવણી
KMMએ સ્પષ્ટ કર્યું છે કે આજનું રેલ રોકો પ્રદર્શન માત્ર પ્રતીકાત્મક છે પરંતુ જો સરકાર માંગણીઓને ગંભીરતાથી નહીં લે, તો આંદોલન વધારવામાં આવશે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરેએ કહ્યું કે સરકાર તેમની વાત સાંભળતી નથી એટ્લે ખેડૂતોને ફરી રેલ રોકો કરવા મજબૂર થવું પડ્યું છે.
તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જો સરકાર હજી પણ અવગણશે તો મોટા અને લાંબા સમયના આંદોલનો કરવામાં આવશે જેની જવાબદારી સંપૂર્ણપણે સરકારની રહેશે.
આજના વિરોધને કારણે પંજાબમાં અનેક ટ્રેનોની અવરજવર બે કલાક માટે પ્રભાવિત થવાની સંભાવના છે.