CHANDIGADH: હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર (MANOHATLAL KHATTAR) ના કાર્યક્રમનો ખેડુતોએ વિરોધ કર્યો છે. તે દરમિયાન કરનાલ (KARNAL) માં ખેડુતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને બગડતી જોતાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ટીઅર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. પોલીસે ખેડુતોને પહેલા પીછેહઠ કરવા જણાવ્યું હતું. વિરોધ કરનારા ખેડુતોએ તેમની વાત માની નહીં, તો પોલીસે પાણીનો મારો ચલાવી ખેડૂતોને ત્યાંથી દૂર કર્યા હતા. દરમિયાન મુખ્યમંત્રીને કાળા ઝંડા પણ બતાવવામાં આવ્યા હતા.
રાજ્યમાં શાસક પક્ષ ભાજપની મહાપંચાયત હતી. આના વિરોધમાં કરનાલના ખેડુતોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સરકારને આરપારની લડત ચલાવવાની ચેતવણી આપી હતી. કર્નાલમાં પોલીસ અને ખેડૂતો વચ્ચેના મુકાબલાને કારણે સ્થિતિ તંગ બની છે.
વહીવટીતંત્રે કૈમલા ગામમાં સીએમ મનોહર લાલ ખટ્ટરની ખેડૂત મહાપંચાયત માટે આખા ગામને છાવણીમાં ફેરવી દીધું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ ફોર્સ મંગાવવામાં આવી હતી. તે જ સમયે ગામને જોડતા તમામ માર્ગો પર કુલ સાત સ્થળોને અવરોધિત કરવામાં આવ્યા હતા.
આ ઘટના માટે પણ કોંગ્રેસે ભાજપને જવાબદાર માની હતી. દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ભાજપની આ મહાપંચાયતને નિશાન બનાવ્યું હતું. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે પંચાયતના આવા આયોજનો દ્વારા ભાજપ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે.
જો કે કાયદો રદ કરવાની માંગ કરી વિરોધ કરી રહેલા ખેડૂતોએ ‘કિસાન મહાપંચાયત’નો વિરોધ કરવાની જાહેરાત કરી દીધી હતી.કૈમલા ગામ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે ખેડુતો ભાજપ આગેવાની હેઠળની સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ખેડુતોને સ્થળે પહોંચતા અટકાવવા પોલીસે ગામના એન્ટ્રી પોઇન્ટ પર બેરીકેટ લગાવ્યા હતા.
કૃષિ કાયદાના વિરોધમાં હાલ ખેડૂતો ભાજપ સરકારથી નારાજ ચાલી રહ્યા છે. સરકાર ખેડૂતોની માંગણીઓનો સ્વીકાર નથી કરી રહી અને બીજી બાજુ ભાજપના નેતાઓ લોકોને સમજાવવા જતાં કરનાલના ખેડૂતોએ વિરોધ બતાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો.