સુરત : રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને (KanuBhai Desai) કરવામાં આવેલી રજૂઆતોને પગલે ડીજીવીસીએલ (DGVCL) દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત (Surat) , તાપી, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લાના ખેતીના ફિડરો થકી ખેડૂતોને (Farmer) 8 કલાક વીજળી (Electricity) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોના વિરોધ બાદ 8 કલાક વીજળી આપવાનો નિર્ણય સરકારે લીધો છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોના કુલ 522 વીજ ફીડરોમાં આજે વીજ સપ્લાય ચાલુ કરવામાં આવી છે. એને લીધે શેરડી, ડાંગર, શાકભાજીનો મબલખ પાક થશે. ડીજીવીસીએલ દ્વારા એક સપ્તાહ સવારે 03-45 થી બપોરે 04:00 વાગ્યા સુધી અને બીજા સપ્તાહે બપોરે 12:14 થી રાતે 12:00 વાગ્યા સુધી રોટેશનથી વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ખેડૂત આગેવાન જયેશ એન. પટેલ (દેલાડ)એ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરાતથી રાહત થશે. ઉર્જા વિભાગ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ખેડૂતોના હિતમાં જે નિર્ણય કર્યો છે. તે આવકાર્ય છે. ખેડૂતને હવે છ કલાકને બદલે 8 કલાક વીજપુરવઠો મળવાનો શરૂ થયો છે. તેનાથી ઉનાળુ પાકને ખૂબ જ મોટી રાહત થઇ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા આ અંગે રજુઆતો કરવામાં આવી હતી. ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા પણ આ નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં બે લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતોને આઠ કલાક વીજળી મળે તો ઉનાળુ પાક, શાકભાજી અને શેરડીનો મબલક પાક મળી શકે છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
દક્ષિણ ગુજરાતના ડાંગર, શેરડી પકવતા ખેડૂતોને મોટો લાભ થશે : મુકેશ પટેલ
ગુજરાતના ઉર્જા મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ઉનાળુ પાક માટે અવિરત 8 કલાક ખેતીના ફિડરોથી મોટાભાગે દિવસે વીજળી મળે એવી રજુઆત ખેડૂતો તરફથી મળી હતી. ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેના માટે સરકાર મહત્વના નિર્ણય લેતી આવી છે. ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી અને વીજ પુરવઠો મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. ઉનાળામાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વીજ પુરવઠાના સમયમાં વધારો કરવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખીને ડીજીવીસીએલને આદેશ આપવામાં આવ્યો છે. ઉનાળુ પાક ડાંગર, શેરડી સહિતના અન્ય શાકભાજીના પાકોને નુકસાન ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે.