Madhya Gujarat

ઠાસરા પંથકમાં નીલગાયોનાે ત્રાસ ઉભાે પાક ચરી જતા ખેડૂતાે ત્રસ્ત

નડિયાદ: ઠાસરા તાલુકાની મોટાભાગની પ્રજા ખેતી ઉપર નિર્ભર છે. તાલુકાના ખેડૂતોએ હાલની રવી સીઝનમાં ઘઉં, ટામેટી, રાજગરો, તમાકુ સહિતના વિવિધ પાકોની ખેતી કરી છે. જોકે, ખેતરોમાં નીલગાયો (રોઝ) ઘુસી જતી હોવાથી ખેતપાકને ભારે નુકશાન પહોંચી રહ્યું છે. જેથી ખેડુતોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. ખાસ કરીને આગરવા અને તેની આસપાસના ગામોમાં નીલગાયોનો ત્રાસ ખુબ જ વધી ગયો છે. નીલગાયોએ  આ વિસ્તારના ખેતરોમાં લહેરાતાં ૨૦ થી ૩૦ ટકા જેટલાં ઉભા પાકને નુકશાન પહોંચાડ્યું હોવાનો અંદાજ છે. ત્યારે તાલુકામાં સતત વધી રહેલાં નીલગાયોના ત્રાસને દુર કરવા માટે વનવિભાગ આગળ આવે તેવી ખેડુતોએ માંગ ઉચ્ચારી છે. આ મામલે નીલગાયોના ત્રાસથી નુકશાની વેઠનાર ખેડુતો જણાવે છે કે, મોટા ખેતરોની ફરતે કાંટાળી વાડ બનાવવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. પરંતુ, અમુક વિઘા કરતાં નાના ખેતરો ધરાવતાં ગરીબ ખેડુતો સરકારની આ યોજનાથી વંચિત રહી જાય છે. સરકાર આ મામલે નાના ખેતર ધરાવતાં ખેડુતોને પણ વાડ બનાવવા સબસીડી આપે તેવી માંગ ખેડુતોમાં ઉઠી છે.

Most Popular

To Top