સંતરામપુર : મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલા સહકારી ડેપોમાં યુરિયા ખાતરની અછત સર્જાઇ છે. છેલ્લા કેટલાક દિવસથી યુરિયા માટે ખેડૂતોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. દિવસભર લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ યુરિયા હાથમાં ન આવતા ઉભા પાકને પણ નુકશાન પહોંચી રહ્યું છે. આ અંગે તાત્કાલિક યુરિયા ખાતરનો જથ્થો ફાળવવા માટે ખેડૂતોએ માંગ કરી છે. લુણાવાડા ખાતે સહકારી ડેપોમાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. યુરિયા ખાતરની ગાડી આવતાની સાથે જ ખાલી થઈ જતી હોય છે. જિલ્લામાં અલગ અલગ જગ્યાએ થી લોકો ખાતર લેવા માટે કડકડતી ઠંડીમાં વહેલી સવારથી લાંબી લાઈનો લગાવીને બેઠા હોય છે. પરંતુ ગણતરીની મિનિટમાં જ ગાડી ખાલી થઈ જતા કેટલાય ખેડૂતોને ખાલી હાથે પાછું ફરવું પડે છે. યુરિયા ખાતર ન મળવાને લીધે ખેડૂતોનો સમય અને પાક બંને નિષ્ફળ જાય છે. ખેડૂતોને ખાતર ન મળવાથી ખેડૂતોનો મુખ્ય શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતો હાલ યોગ્ય સમયે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળે તોજ પોતાનો પાક બચાવી શકે તેમ છે. જેથી ખેડૂતો હાલ ખાતર વહેલી તકે મળે તેવી માંગ કરી રહ્યા છે.
સેવાલિયામાં 15 દિવસથી સ્ટોક જ નથી
ગળતેશ્વર તાલુકાના વડામથક સેવાલિયા ખાતે સરદાર જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર ખાતે યુરીયા ખાતરનો છેલ્લા 15 દિવસથી સ્ટોક ન હોવાનું જ હોય છે. જ્યારે ખેડૂતો યુરિયા ખાતર વગર રોજેરોજ સેવાલિયાના ધર્મ ધક્કા ખાવા પડતા હોય છે. જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર ઉપર જે તે કર્મચારીઓના બહારની સાઈડ મોબાઈલ નંબર ન લખવાથી ખેડૂતોને ભાડા ખર્ચી રોજે રોજ પૂછવા આવું પડે તો હોય છે. આ બાબતે સત્વરે સરકાર દ્વારા તેમજ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર ઉપર સત્વરે યુરીયા ખાતર સ્ટોક પહોંચાડવામાં આવે તેવું ખેડૂતોની માગ ઉઠી છે.