મોડાસા: હજુતો આખો ઉનાળો બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છેવાડાના ગામ હઠીપુરાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, ત્યારે તે વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન બે તળાવો ખારી તળાવ અને નારસેલા તળાવમાં તંત્ર દ્વારા ફક્ત તળિયું ઢંકાય તેટલુંજ પાણી ભરવામાં આવતાં અને હઠીપુરા સ્મશાન પાસે આવેલો ચેકડેમ પાણી વગર બિલકુલ ખાલી રહેતાં તે વિસ્તારના પશુપાલકો તેમજ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે…. ખારી તળાવ વિસ્તાર નજીક રહેતાં ગામવાસીઓના જણાવ્યા પ્રમાણે તળાવ આમ પણ માટી ભરાવાથી છીછરૂ થઈ ગયું છે.
તળાવને ઉંડું કરવા તેમજ ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાને લઇ ત્યાં આવેલા હનુમાનજીના મંદિર પાસે બોર કરી આપવા સ્થાનિક પંચાયતના સરપંચને વારંવાર રજૂઆતો કરી પરંતુ સરપંચ દ્વારા એવું જણાવવામાં આવે છે કે તમારા વિસ્તારના પંદર વીસ મકાન માટે નાણાંના ખર્ચાય,આમ એવું લાગેછે કે લોકો દ્વારા ચૂંટાઈને આવેલા સરપંચને ગામના નાગરિકોની ચિંતા નથી. પણ વિકાસના કામ માટે વપરાતા સરકારી નાણાં ની ચિંતા છે.
હઠીપુરા પંચાયત વિસ્તારમાં રહેતાં જાગૃત નાગરિકો અભેસિંહ ઝાલા ,જશવંતસિંહ મથુરસિંહ સોલંકી સહિત દ્વારા આ વિસ્તારની પાણીની સમસ્યા હલ કરવા બે મહિના અગાઉ જિલ્લા કલેકટરને ગામના ખેડૂતોની સહીઓ સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે,
પરંતુ હજી સુધી પાણીની સમસ્યાને લઈ કોઈ નિકાલ થવો તો ઠીક પણ કોઈ સ્થળ નિરીક્ષણ માટે પણ આવ્યું નથી ત્યારે વહીવટી તંત્ર દ્વારા હઠીપુરા ગામની પાણીની સમસ્યા સત્વરે હલ કરવામાં આવે તેવી પશુપાલકો અને ખેડૂતોની
માંગ છે.