National

આજે દેશભરના ખેડૂતો ટ્રેન, બસ અને પગપાળા દિલ્હી કૂચ કરશે, રાજધાનીમાં સુરક્ષા વધારાઇ

નવી દિલ્હી: દેશભરના ખેડૂત (Farmer) સંગઠનો દિલ્હીના જંતર-મંતર (Jantar-Mantar) પર એકઠા થશે. પરંતુ પંજાબ-હરિયાણાની શંભુ અને ખનૌરી બોર્ડર પર ખેડૂતો છેલ્લા 23 દિવસથી દિલ્હી તરફ કૂચ કરશે નહીં. પરંતુ ખેડૂત નેતાઓ (Farmer Leader) સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલની આગેવાની હેઠળના સંગઠનોએ દેશભરના ખેડૂતોને દિલ્હી (Delhi) પહોંચવાની અપીલ કરી હતી. ત્યારબાદ ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે. ખેડૂત સંગઠનોએ ખેડૂતોને બસ અને ટ્રેન દ્વારા દિલ્હી પહોંચવા કહ્યું છે.

ખેડૂતોની માર્ચને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દિલ્હીની તમામ પ્રવેશ સરહદો પર વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છેમ તેમજ બેરિકેડ ફરીથી સ્થાપિત કરવામાં આવ્યા છે. આજે પંજાબ-હરિયાણા બોર્ડર પર બેઠેલા ખેડૂતો દિલ્હી તરફ કૂચ નહીં કરે. પરંતુ તેમની જગ્યાએ દેશભરના અન્ય ખેડૂત સંગઠનો દિલ્હી કૂચ કરશે. ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. દિલ્હીમાં કોઈપણ પ્રકારના પ્રદર્શન, રેલી કે સભા કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ વ્યક્તિ નવી દિલ્હીમાં પ્રદર્શન કરશે તો તેની અટકાયત થઈ શકે છે.

પોલીસને ડર છે કે ખેડૂતો બસ, ટ્રેન અને ખાનગી વાહનો દ્વારા દિલ્હી આવી શકે છે. દિલ્હી પોલીસે ટિકરી, સિંઘુ અને ગાઝીપુર બોર્ડર, રેલ્વે અને મેટ્રો સ્ટેશનો પર દેખરેખ વધારવાનો આદેશ આપ્યો છે. દરમિયાન ખેડૂત સંગઠનોએ આજથી આગામી 8 દિવસનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરી લીધો છે.

‘સરકાર ખેડૂતોનું સાંભળતી નથી’- આ છે પ્લાન
ખેડૂત સંગઠનો આજે દિલ્હીના જંતર-મંતર પહોંચશે ખેડૂતો આ માટે ટ્રેન અને બસનો ઉપયોગ કરી શકશે.
ખેડૂત સંગઠનો 10 માર્ચે 4 કલાક માટે ટ્રેન રોકશે.
જ્યારે 14 માર્ચે દિલ્હીમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે.
ખેડૂત સંગઠનો હજુ પણ તેમની માંગ પર અડગ છે. તેમનો આરોપ છે કે સરકાર તેમની માંગણીઓ પર કોઈ ધ્યાન આપી રહી નથી.

શું છે ખેડૂતોની માંગ?

  • પંજાબ અને હરિયાણાની સરહદ પર ખેડૂત સંગઠનો પોતાની એક ડઝન માંગણીઓ સાથે ઉભા છે, તેઓની માંગ છે કે
  • MSP પર તમામ પાકની ખરીદીની ખાતરી આપવા માટે કાયદો બનાવો
  • સ્વામીનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે પાકના ભાવ નક્કી કરવા જોઈએ
  • ખેડૂતો અને ખેતમજૂરોની લોન માફ કરવી જોઈએ
  • 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને 10,000 રૂપિયાનું પેન્શન મળવું જોઈએ
  • જમીન સંપાદન અધિનિયમ 2013નો ફરીથી અમલ થવો જોઈએ
  • લખીમપુર ખેરી ઘટનાના દોષિતોને સજા થવી જોઈએ
  • ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર અને સરકારી નોકરી મળવી જોઈએ

સરકાર મંત્રણા માટે તૈયાર, મુશ્કેલી ક્યાં છે?
હવે રાજસ્થાનના ખેડૂતો પણ ખેડૂત આંદોલનમાં જોડાવા લાગ્યા છે. ખેડૂતોએ 11 માર્ચે જયપુર કૂચનું આયોજન કર્યું છે. ખેડૂત સંગઠનો ટ્રેક્ટર સાથે જયપુર સુધી કૂચ કરશે. ખેડૂતોની માંગ છે કે સરકારે MSP ગેરંટી કાયદો બનાવવો જોઈએ. 4 રાઉન્ડની વાટાઘાટો બાદ હજુ સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સહમતિ થઈ શકી નથી. જો કે ચોથી બેઠકમાં સરકારે ચાર પાક પર એમએસપીની ગેરંટી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ ખેડૂત સંગઠનોએ સરકારના તે પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આજે ફરી એકવાર ખેડૂતો દિલ્હી કૂચ કરવા જઈ રહ્યા છે. એટલે કે ફરી એકવાર દિલ્હીવાસીઓને ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે.

Most Popular

To Top