નવી દિલ્હી (New Delhi): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ખેડૂત આંદોલન પર તેમનું મૌન સમાપ્ત કર્યુ અને સંવાદ ફરી શરૂ કરવા આમંત્રણ આપતાં તરત જ ત્રણ કૃષિ કાયદાઓનો (farm bills-2020) વિરોધ કરી રહેલા ખેડૂત સંઘોએ સરકાર સાથે મંત્રણાઓ કરવા સંમતિ આપી હતી. એટલું જ નહીં તેમણે સરકારને વાતચીતનાં આગામી તબક્કાની તારીખ નક્કી કરવા કહ્યુ છે. જો કે તેઓએ રાજ્યસભામાં વડા પ્રધાન મોદીની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો કે દેશમાં “આંદોલન જીવી” નામના આંદોલનકારીઓની નવી “જાતિ” ઉભરી આવી છે, અને કહ્યું હતું કે લોકશાહીમાં આંદોલનની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
ખેડૂત નેતા શિવકુમાર કક્કા કે જે સંયુક્ત કિસાન મોરચાના વરિષ્ઠ સભ્ય છે તેમણે કહ્યું કે તેઓ આગામી તબક્કાની વાટાઘાટો માટે તૈયાર છે અને સરકારે તેમને બેઠકની તારીખ અને સમય જણાવવો જોઈએ. તેમણે કહ્યુ કે, અમે ક્યારેય વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો નથી સરકાર જ્યારે પણ અમને વાતચીત માટે બોલાવશે ત્યારે અમે કેન્દ્રીય મંત્રીઓ સાથે ચર્ચા કરીશું. અમે તેમની (સરકાર) સાથે વાતચીત કરવા તૈયાર છીએ
વિવાદાસ્પદ કૃષિ કાયદા અંગે ખેડૂત પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે અગિયાર વખત વાટાઘાટો થઈ ચૂકી છે, પરંતુ ખેડૂત સંઘો તેમની માંગણીઓત્રણ કાયદાઓને રદ કરવા અને ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) માટેની કાનૂની ગેરંટી (legal guarantee) પર મક્કમ રહ્યા હોવાથી આ મડાગાંઠ ચાલુ છે.
વાતચીતના અંતિમ તબક્કામાં સરકારે કાયદાને 12-18 મહિના માટે સ્થગિત કરવાની ઓફર કરી હતી, પરંતુ ખેડૂત સંઘોએ તેને નકારી કાઢી હતી. મોટે ભાગે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો આંદોલનકારી ખેડુતો 73 દિવસોથી દિલ્હીની ત્રણ સરહદો- સિંઘુ, ટિકરી અને ગાઝીપુર પર નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પરની ચર્ચામાં જવાબ આપતા વડાપ્રધાન મોદીએ ખેડૂતોને ખાતરી આપી હતી કે મંડીઓનું આધુનિકીકરણ કરવામાં આવશે. ફક્ત આ જ નહીં એમએસપી હતી, છે અને રહેશે.