ખેડૂત સંગઠનોએ બુધવારે 26 માર્ચે ભારત બંધનું એલાન કર્યું હતું. કારણ કે, તે દિવસે કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર વિરોધના ચાર મહિના પૂર્ણ થાય છે.ખેડૂત નેતા બૂટા સિંહ બુર્જગિલે કહ્યું હતું કે, તેઓ ટ્રેડ યુનિયનો સાથે મળીને ખેડૂતો 15 માર્ચે ઇંધણના ભાવ વધારા અને રેલવેના ખાનગીકરણનો પણ વિરોધ કરશે.
તેમણે સિંઘુ બોર્ડર પર કહ્યું કે, અમે 26 માર્ચે સંપૂર્ણ ભારત બંધનું પાલન કરીશું, જ્યારે ત્રણ કૃષિ કાયદા સામે અમારા વિરોધના ચાર મહિના પૂર્ણ થાય છે. શાંતિપૂર્ણ રીતે ભારત બંધ સવારથી સાંજ સુધી ચાલશે. ત્યારબાદ તેમણે કહ્યું કે, 19 માર્ચે ખેડૂતો ‘મંડી બચાવો-ખેતી બચાવો’ દિવસની ઉજવણી કરશે. બુર્જગિલ ઉમેર્યું હતું કે, ખેડૂત સંઘોએ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના ‘શહીદી દિવસ’ ઉજવવાનું પણ નક્કી કર્યું છે. ખેડૂત આગેવાનોએ કહ્યું હતું કે, 28 માર્ચે ‘હોલિકા દહન’ દરમિયાન નવા કૃષિ કાયદાની નકલો સળગાવવામાં આવશે.
મોટાભાગે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતો દિલ્હી સરહદ સ્થળો- સિંઘુ, ટિકરી અને ગાઝીપુર પર છેલ્લા ચાર મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમજ કૃષિ કાયદાને રદ કરવાની અને તેમના પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવ અંગે કાનૂની બાંયધરીની માંગ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી છે કે, આ કાયદાઓ એમએસપી સિસ્ટમના નાશનો માર્ગ મોકળો કરશે. પરંતુ, સરકારનું કહેવું છે કે, નવા કાયદાથી ખેડૂતોને વધુ સારી તકો મળશે અને ખેતીમાં નવી તકનીકીઓ આવશે.