ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરારનાં રહસ્ય પરથી આખરે પડદો ઊઠી ગયો છે. સંયુક્ત નિવેદન દ્વારા આ કરારની વિગતો જાહેર કરવામાં આવી છે પણ તેનાથી ભારતનાં કિસાન સંગઠનો ભડકી ગયાં છે. આ કરારમાં ભારત દ્વારા અનેક ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો પર ટેરિફ દૂર કરવાના અહેવાલો વચ્ચે ખેડૂત સંગઠનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂત સંગઠનોના સંગઠન સંયુક્ત કિસાન મોરચા (SKM) એ આ સોદાને ભારત સરકારની સંપૂર્ણ શરણાગતિ ગણાવી છે અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના તાત્કાલિક રાજીનામાની માંગણી કરી છે. કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર આ વેપાર સોદા દ્વારા લોકો સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના આ વેપાર સોદાને કારણે ભારત અમેરિકા માટે ડમ્પિંગ ગ્રાઉન્ડ બની ગયું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે પ્રધાન મંત્રીના નેતૃત્વમાં ભારત-અમેરિકા વેપાર કરારમાં ખેડૂતોનાં હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે.
અમેરિકા-ભારત વેપાર કરારની શરતો અંગે કૃષિનિષ્ણાત દેવેન્દ્ર શર્મા માને છે કે પહેલી વાર અમેરિકન કૃષિ ઉત્પાદનોને ભારતીય બજારમાં તે સ્થાન મળશે, જે તેમને અત્યાર સુધી મળ્યું ન હતું. જ્યારે જગજીવનરામ કૃષિ મંત્રી હતા, ત્યારે અમેરિકાની કૃષિ લોબી તરફથી ભારતનું બજાર ખોલવા માટે દબાણ હતું. એ વાત સાચી છે કે ભારતે અત્યાર સુધી ખેડૂતોનાં હિતોનું રક્ષણ કર્યું છે, પરંતુ એ વાત સમજી શકાય તેવી નથી કે અમેરિકાના કૃષિ મંત્રીએ શા માટે કહ્યું કે આ કરારથી વિશ્વનું સૌથી મોટું બજાર ખુલ્યું છે અને તેનાથી અમેરિકન ગ્રામીણ અર્થતંત્રમાં રોકડ વધશે.
ભારત સરકારે છેલ્લા કેટલાક મહિનામાં કેટલાંક પગલાં લીધાં છે, જેમ કે અમેરિકાથી કરવામાં આવતી કપાસની આયાત પર ટેરિફ ઘટાડવામાં આવ્યો છે. વચગાળાના કરારના માળખા મુજબ ભારત આગામી પાંચ વર્ષમાં ૫૦૦ અબજ ડોલરની આયાત કરશે. આનું કારણ એ છે કે અમેરિકા ભારત સાથે વેપાર ખાધનો સામનો કરી રહ્યું છે. આમાં ભારતનો શું વાંક છે? દેવેન્દ્ર શર્મા કપાસનું ઉદાહરણ આપીને સમજાવે છે કે ભારતીય અને અમેરિકન ખેડૂતો વચ્ચે સ્પર્ધામાં કોઈ સમાન ક્ષેત્ર નથી. અમેરિકામાં આઠ હજાર કપાસ ઉત્પાદક ખેડૂતો છે, જ્યારે ભારતમાં ૯૮ લાખ કપાસ ઉત્પાદક ખેડૂતો છે. અમેરિકામાં કપાસનાં ખેતરોનું સરેરાશ કદ ૬૦૦ હેક્ટર છે. ભારતમાં તે એકથી ત્રણ એકર છે. અમેરિકા તેના કપાસ ઉગાડનારા ખેડૂતોને દર વર્ષે એક લાખ ડોલરની સબસિડી આપે છે.
અહીં, કપાસ ઉગાડનારા ખેડૂતોને ફક્ત ૨૭ ડોલરની સબસિડી મળે છે. ગયા વર્ષે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ભારતે અમેરિકાથી કપાસની આયાત પરની ડ્યુટી ૧૧ ટકાથી ઘટાડીને શૂન્ય કરી હતી. આ ત્રણ મહિનામાં ૩૦ લાખ ગાંસડી કપાસની આયાત કરવામાં આવી હતી, જે જરૂરિયાત કરતાં ઘણી વધારે છે. વધુ પુરવઠાને કારણે ભારતીય કપાસ ઉત્પાદક ખેડૂતોને ૧,૦૦૦ થી ૧,૫૦૦ રૂપિયા ઓછા ભાવ મળ્યા હતા. આ ફક્ત ત્રણ મહિનાની વાત છે. આગળ શું થશે તે અનુમાન લગાવવું મુશ્કેલ નથી.
ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ વેપાર ૮ અબજ ડોલરનો છે, જેમાં ભારત ચોખા, ઝીંગા અને મસાલાની નિકાસ કરે છે અને અમેરિકા બદામ, સફરજન અને કઠોળ મોકલે છે. અમેરિકાના એગ્રીકલ્ચર સેક્રેટરી બ્રુક રોલિન્સ કહે છે કે ભારત સાથે અમેરિકાની એગ્રીકલ્ચર ટ્રેડ ડેફિસિટ ૧.૩ અબજ ડોલર છે અને આ ટ્રેડ ડીલથી આ ડેફિસિટ ઓછી થવાની અપેક્ષા છે. અમેરિકા પહેલાંથી જ માંગણી કરી રહ્યું છે કે ભારત મકાઈ, સોયાબીન અને કપાસની મુખ્ય કૃષિ નિકાસ માટે પ્રવેશ ખોલે, જેથી ભારત સાથે તેની ૪૫ અબજ ડોલરની વેપાર ખાધ ઓછી થાય. દેવેન્દ્ર શર્મા આ સોદા સામે વાંધો ઉઠાવતા કહે છે કે આ કેવી રીતે પારસ્પરિક ટેરિફ છે, એક તરફ તે શૂન્ય ટકા છે અને બીજી તરફ તે ૧૮ ટકા છે. અમેરિકન સરકાર દર વર્ષે ખેડૂત દીઠ સરેરાશ ૬૪,૦૦૦ ડોલરની સબસિડી આપે છે. જ્યારે ભારતમાં આ સબસિડી પ્રતિ ખેડૂત ૬૪ ડોલરની આસપાસ છે.
સંયુક્ત કિસાન મોરચાએ શનિવારે એક વિસ્તૃત નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે વચગાળાના વેપાર સોદાનાં માળખાંની મુખ્ય શરતો પોતે જ પીયૂષ ગોયલના દાવાઓનું ખંડન કરે છે. ડેરી ઉત્પાદનો પહેલાંથી જ બ્રિટન, ન્યુઝીલેન્ડ અને યુરોપિયન યુનિયન સાથે હસ્તાક્ષર કરાયેલા મુક્ત વેપાર કરારોનો ભાગ છે અને જાહેર થયેલી નવીનતમ માહિતીએ નિર્વિવાદપણે સાબિત કર્યું છે કે વાણિજ્ય પ્રધાન જાણી જોઈને ખોટું બોલી રહ્યા છે. SKM એ વડા પ્રધાનને ભારત-અમેરિકા મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર ન કરવાની માંગણી કરી છે અને જો તેઓ આમ નહીં કરે તો દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપી છે. ફોરમે ૧૨ ફેબ્રુઆરીએ ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી સામાન્ય હડતાળમાં જોડાવાનું આહ્વાન કર્યું છે.
કિસાન સંગઠનોની દલીલ છે કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારમાં મકાઈને સૂકા નિસ્યંદિત અનાજ (DDG) તરીકે અને જુવાર સાથે પશુ આહાર તરીકે વેચવામાં આવશે, જેનાથી અમેરિકન કંપનીઓને પશુ આહાર બજાર પર એકાધિકાર મળશે. અમેરિકા પહેલાંથી જ ભારતમાં મકાઈ, સોયાબીન અને કપાસ જેવા પાકની નિકાસ કરી રહ્યું છે. અમેરિકન ઘઉં ૧૮.૫૦ રૂપિયા પ્રતિ કિલોના દરે નિકાસ થઈ રહ્યા છે, જો તેને ભારતીય બજારો માટે ખુલ્લું મૂકવામાં આવે તો ભારતીય ખેડૂતો બરબાદ થઈ જશે.
જીએમ ખોરાક અને જીએમ બીજની મફત આયાતને મંજૂરી આપવાથી કુદરતી ફળદ્રુપતાનો નાશ થશે અને અનાજ, કઠોળ અને તેલીબિયાંને પણ નુકસાન થશે. સોયાબીન તેલની આયાતનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઇથેનોલની પણ મુક્તપણે આયાત કરવામાં આવશે. અમેરિકા દ્વારા ૧૮ ટકા ટેરિફ લાદવામાં આવે છે અને ભારત દ્વારા શૂન્ય ટેરિફ લાદવામાં આવે છે તે મુક્ત વેપાર નથી. ભારત પરના ટેરિફ ૨૦૨૩-૨૪માં શૂન્યથી ૩ ટકા અને પછી ૧૮ ટકા કરવામાં આવ્યા છે, જ્યારે અમેરિકાનાં કૃષિ ઉત્પાદનો પરના આપણા ટેરિફ, જે ૩૦ ટકાથી ૧૫૦ ટકા સુધીના હતા, તે હવે શૂન્ય કરવામાં આવ્યા છે.
આનાથી ભારતીય કૃષિ બજાર અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપનીઓની જાળમાં ફસાઈ જશે. આપણા વડા પ્રધાને ૧૫ ઓગસ્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે આપણા ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. આનાથી કૃષિ ક્ષેત્રના એક મોટા વર્ગને રાહત મળી કે અમેરિકન કંપનીઓ હવે પ્રભુત્વ નહીં રાખે અને નાના ખેડૂતોની આજીવિકા સુરક્ષિત રહેશે. આ ચિંતા આપણા દેશની ખાદ્ય-સુરક્ષા વિશે પણ છે. ૧૯૬૦ના દાયકામાં અમેરિકા આપણા પર રાજ કરતું હતું, કારણ કે આપણે અમેરિકાથી થતી અનાજની આયાત પર નિર્ભર હતા. ત્યારથી એવી પરિસ્થિતિ વિકસી છે કે આજે આપણે ગર્વથી કહીએ છીએ કે આપણે આત્મનિર્ભર છીએ. હવે તે આત્મનિર્ભરતા જોખમમાં હોય તેવું લાગે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકન તેલની ખરીદી વધારવા માટે સંમત થયું છે. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે ભારત વેનેઝુએલા પાસેથી પણ તેલ ખરીદી શકે છે. પરંતુ ભારતીય પક્ષે આ નિવેદનોની કોઈ સ્પષ્ટ પુષ્ટિ આપી નથી. આપણી સરકારનું સત્તાવાર વલણ એવું હતું કે આપણે આપણી ઊર્જા સુરક્ષા જાતે નક્કી કરીશું. તેમાં સ્પષ્ટપણે સૂચવવામાં આવ્યું હતું કે જો આપણે રશિયા પાસેથી સસ્તું ખનિજ તેલ મેળવી શકીએ, તો આપણે તે ત્યાંથી ખરીદીશું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે જે કહ્યું છે કે આપણે રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદીશું નહીં, તે ભારત સરકારે અગાઉ અપનાવેલા વલણની વિરુદ્ધ છે. અમેરિકા હવે આપણને આપણી ઊર્જા સુરક્ષા કેવી રીતે પ્રાપ્ત કરવી તે નક્કી કરી રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.