પલસાણા: પલસાણાના (Palsana) મલેકપોર ગામે ખેડૂતોના (Farmer) પાકને નુકસાન કરવાનો સિલસિલો બંધ થતો નથી. અગાઉ પણ કેળાંના પાકને મોટું નુકસાન કર્યા બાદ ફરી ગામના પાંચ ખેડૂતોની શેરડીના પાકને કોઇ અસામાજિક તત્ત્વોએ સળગાવી દેતાં હવે આવાં તત્ત્વોને પોલીસનો (Police) પણ ભય રહ્યો નથી.
પલસાણા તાલુકાના મલેકપોર ગામે છેલ્લા ઘણા મહિનાઓથી વારંવાર ખેડૂતોના પાકને નુકસાન થઇ રહ્યું છે. અગાઉ પણ બે વાર કેળાંના પાકને લાખો રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું હતું. ફરી આજ ગામમાં ચાર જેટલા ખેડૂતોના શેરડીના ઊભા પાકને કોઇ અસામાજિક તત્ત્વો દ્વારા ૧૦ વીઘાંથી વધારે શેરડીના પાકને સળગાવી દેવામાં આવ્યો છે. જેમાં એક મુસ્લિમ ટ્રસ્ટની ખેતીની જમીન હોવાથી અબ્દુલ્લ રસીદ પટેલ તેમજ ખેડૂત કાદરભાઇ મલેકભાઇ દ્વારા આ અંગે પલસાણા પોલીસમથકે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે. અને આવાં અસામાજિક તત્ત્વો ઝડપથી પકડાય તેવી માંગણી ક૨વામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મલેકપોર ગામે વારંવાર આવી ઘટનાઓ બનવાથી ખેડૂતો પણ પાયમાલ થઇ રહ્યા છે. અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે પલસાણા પોલીસ આવાં તત્ત્વોની સામે તાત્કાલિક પગલાં લે તેવી ગામ લોકોમાં માંગ પણ ઊઠી છે.
ચીખલી તાલુકાના રાનકૂવા પંથકમાં કડાકા-ભડાકા સાથે વરસાજ તૂટી પડતા ડાંગરના પાકને મોટા પાયે નુકશાન થયું
સાપુતારા, ઘેજ : રાજ્યમાં હવામાન વિભાગની આગાહીનાં સંદર્ભે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે પણ વરસાદી મહેરે ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ઉપરાંત ચીખલી તાલુકાના રાનકૂવા પંથકમાં કડાકા-ભડાકા સાથે વરસાજ તૂટી પડતા ડાંગરના પાકને મોટા પાયે નુકશાન થયું હતું.
ડાંગ જિલ્લાના આહવા, બોરખલ, ગલકુંડ, ચીંચલી, સુબિર, સાપુતારા, શામગહાન, વઘઇ, સાકરપાતળ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં મંગળવારે સાંજનાં અરસામાં વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પડેલ પાછોતરા વરસાદનાં પગલે ખેડૂતોનાં ડાંગરનાં પાકોને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલમાં જોવાલાયક સ્થળોનું વાતાવરણ ખુશનુમામય બની જવા પામ્યુ હતુ.
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 14 મિમી, સાપુતારા પંથકમાં 22 મિમી, વઘઇ પંથકમાં 35 મિમી અર્થાત 1.4 ઈંચ, જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 38 મિમી અર્થાત 1.52 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ચીખલી તાલુકાના રાનકૂવા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ડાંગરના પાકને મોટુ નુકશાન થયુ હતું. કેટલાક ખેડૂતોએ કાપણી પણ શરૂ કરી દીધી હતી. રાનકૂવા, કૂકેરી સહિતના વિસ્તારમાં ખેતરમાં પાણી ભરાતા ડાંગરનો ઉભો પાક લપેટાઇ જવા સાથે કપાયેલા પાકને પણ મોટુ નુકશાન થવાની સ્થિતિ સર્જાવા પામી છે.