અનાવલ: મહુવા તાલુકાના કઢૈયા ગામે ખેતરે પાણી મૂકવા ગયેલા ખેડૂતને (Farmer) લસણ જેવા આકારનો પદાર્થ મળી આવ્યો હતો. આથી તેને દબાવતાં હાથમાં વિસ્ફોટ (Explosion) થયો હતો. આ બનાવમાં ખેડૂતની આંગળીઓ (Fingers) ફાટી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ મહુવાના કઢૈયા ગામે હનુમાન ફળિયામાં રહેતા દિનેશ બુધા નાયકા રાત્રે ખેતરે પાણી જોવા માટે ગયા હતા. એ દરમિયાન ખેતરમાં જમીન પર પડેલો ચમકતો પદાર્થ નજરે પડતાં ખેડૂતે ત્યાં નજીક જઈ જોતાં લસણ જેવા આકારનો પદાર્થ ચમકી રહ્યો હતો. આથી તેને પકડી દબાવતાં અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો અને ખેડૂતના હાથની આંગળીઓ ફાટી ગઈ હતી.
- ખેતરે પાણી મૂકવા ગયેલા ખેડૂતને લસણ જેવા આકારનો પદાર્થ મળી આવ્યો
- તેને દબાવતાં હાથમાં વિસ્ફોટ થયો હતો
- આ બનાવમાં ખેડૂતની આંગળીઓ ફાટી ગઈ હતી
જંગલી ભૂંડ તેમજ સસલાં પકડવા માટે રાત્રિ દરમિયાન આવતી ગેંગ વિરુદ્ધ લોકોમાં પ્રચંડ રોષ
ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતે બૂમાબૂમ કરતાં ત્વરિત સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં તેમને ખાનગી વાહનમાં સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગ્રામજનોમાં જંગલી ભૂંડ તેમજ સસલાં પકડવા માટે રાત્રિ દરમિયાન આવતી ગેંગ વિરુદ્ધ પ્રચંડ રોષ ભભૂકી ઊઠ્યો હતો. સસલાં તેમજ ભૂંડને મારવા માટે વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે મહુવા તાલુકામાં આ જાનલેવા વિસ્ફોટક પદાર્થ આવ્યો ક્યાંથી એ દિશામાં મહુવા પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે એ અત્યંત જરૂરી છે.
વાલોડમાં આધેડ ઉપર ચપ્પુથી હુમલો
વ્યારા: વાલોડ ચાર રસ્તા ખાતે વેડછી રોડ ઉપર આવેલી શીવા મારવાડીની કરિયાણાની દુકાનમાં તા.૦૨/૦૨/૨૦૨૩ના રોજ સાંજે ૭:૩૦ વાગે શૈલેષ ભાઇલાલ પટેલ (રહે.,વાલોડ ચાર રસ્તા, વેડછી રોડ, તા.વાલોડ, જિ.તાપી)એ સુભાષ લાલપત મલ્લાહ (ઉં.વ.૫૦)(રહે., વાલોડ, મારુતિધામ સોસાયટી, તા.વાલોડ, જિ.તાપી)ને કલર કામનો કોન્ટ્રાક્ટ આપ્યો નહીં હોય એ માટે તેની વાલોડ વિસ્તારમાં બદનામી કરે છે, તેવું સમજી તેની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. મામલો ઉગ્ર બનતાં શૈલેષ પટેલ ચપ્પુથી મારવા જતા સુભાષ મલ્લાહે ચપ્પુ પકડી લીધું હતું. જેથી તેના ડાબા હાથના વચલી બંને આંગળીના ભાગે ઇજા થઈ હતી. વધુમાં જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં સુભાષની ફરિયાદને આધારે પોલીસે શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.