Gujarat

મહેસાણામાં ખેતરમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ, લોકો પાસે શેરબજારમાં રોકાણ કરાવી ફ્રોડ કરતા હતા

ગાંધીનગર : ઉત્તર ગુજરાતના ખેતરોમાંથી કોલ સેન્ટર ચલાવવાના કૌભાંડનો પર્દાફાશ કરીને સ્ટેટ મોનીટરિંગ સેલના તપાસનીશ અધિકારીઓની ટીમે એક ગઠિયાની ધરપકડ કરી લીધી છે. જયારે બે ગઠિયાઓની ખેતરમાંથી ફરાર થઈ જતાં તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ખેતરોમાં બેસીને શેરબજારમાં કરોડોનો નફો થશે તેવી લાલચ આપીને નિર્દોષ લોકોને કરોડોનો ચૂનો લગાવતી ગેંગના સાગરિતની પ્રવૃત્તિ વિશે સ્ટેટ મોનીટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાયને માહિતી મળી હતી. જેના પગલે મહેસાણા તાલુકાના સતલાસણા ગામના ખેતરમાં વેશ પલ્ટો કરીને દરોડો પાડયો હતો. શંકા પડતા ત્રણ ગઠિયાઓ પૈકી બે ગઠિયાઓ વિજય વિનુજી ઠાકોર અને સંદીપ ઉદાજી ઠાકોર (બંને રહે. જસપુર ભાઠા, તા. સતલાસણા ) ખેતરમાંથી નાસી છૂટયા હતા. જ્યારે અજય સુરસંગરજી ઉર્ફે પકાજી ઠાકોર (રહે. જસપુર ભાઠા વિસ્તાર) ફોન અને એક કોન્ટેક્ટ લિસ્ટ સાથે ઝડપાઈ ગયો હતો.


સ્ટેટ મોનીટરિંગ સેલના પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા કરાયેલી કરાયેલી પ્રાથમિક પુછપરછમાં અજય ઠાકોરે જણાવ્યું હતું કે, તે કાકાના દિકરા વિજય વિનુજી ઠાકોર માટે કામ કરે છે. છેતરપિંડીનો શિકાર કરવા માટે લોકોના નામ અને સંપર્ક નંબર વડનગરનો વિપુલ ઠાકોર આપે છે. શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કરી આપવાની લાલચ આપીને રકમ વિજય ઠાકોરના બેંક ઑફ બરોડાના એકાઉન્ટમાં QR Code થી ઑનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી.

બાતમીના આધારે સ્ટેટ મોનીટરિંગ સેલના અધિકારીઓની ટીમે વડનગરના છાબલીયા ગામે દરોડો પાડયો હતો. જેના પગલે ત્રણ આરોપીઓ નાસી છૂટયા હતા. જયારે ખેતરમાંથી ઝડપાયેલા આરોપી વિષ્ણુ અરજણજી ઠાકોર (રહે. છાબલીયા તા. વડનગર) પાસેથી મળેલી બાઈકની ચાવીની તપાસ કરતા પાસેના ખેતરમાંથી બે બાઈક અને બે મોબાઈલ ફોન બીનવારસી મળી આવ્યા હતા. જયારે વિપુલ ઉદાજી ઠાકોર, શૈલેષ પ્રધાનજી ઠાકોર અને ગોંવિદ પથુજી ઠાકોરને વડનગર પોલીસ મથકે ભાગેડુ દર્શાવાયા છે. પ્રાથમિક પુછપરછમાં વિષ્ણુ ઠાકોરે જણાવ્યું હતું કે તે તેના પિતરાઈ ભાઇ વિપુલ ઉદાજી માટે કામ કરતો હતો. ફરાર શૈલેષ અને ગોવિંદ તેની સાથે પગાર-કમિશનથી કામ કરતા હતા. જ્યારે કલ્પેશ ફુલાજી ઠાકોર કોન્ટેકટ નંબરનો ડેટા પૂરો પાડતો હતો.

મહેસાણા જિલ્લાના સતલાસણા અને વડનગર તાલુકામાં દરોડા દરમિયાન પકડાયેલા આરોપીઓએ મહિને 5 હજારનો પગાર મળતો હોવાની કબૂલાત કરી છે. પગાર ઉપરાંત મળતા કમીશન માટે લબરમુછીયાઓ ઠગ ટોળકી પણ સંટડોવાયેલી હોવાની વિગતો બહાર આવી છે. શેરબજારમાં રોકાણ કરો અને કરોડોની કમાણી મેળવો તેવી ઠગાઈની રકમ પર 5 ટકાથી લઈને 20 ટકા સુધીનું કમિશન આપવામાં આવે છે.

Most Popular

To Top