Entertainment

ફરહાન અખ્તર ‘તુફાન’ મચાવશે

‘રાધે’ રજૂ થઇ ને હવે ‘તુફાન’ રજૂ થશે. સલમાન ખાન જેવા સ્ટાર પછી ફરહાન અખ્તરની ફિલ્મ છે. શું સફળ જશે? ફિલ્મ ટ્રેન્ડને ગંભીરતાથી જોનારાઓ માને છે કે ‘રાધે’ કરતાં ‘તુફાન’ની ઓડિયન્સ વેલ્યુ વધારે છે. ફરહાન ગમે તે વિષય પર હાથ નથી મારતો. રાકેશ ઓમપ્રકાશ મેહરા સાથે ‘ભાગ મિલ્ખા ભાગ’ પછી તે ‘તુફાન’માં કામ કરે છે ને આ ફિલ્મનો નિર્માતા પણ પોતે જ છે એટલે કોઇ કસર છોડે એવો નથી.

સ્ટાર વેલ્યુ નહિ પ્રોડકશન વેલ્યુથી આ ફિલ્મ તુફાન મચાવશે, ભલે ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહી હોય! ફરહાન અખ્તર પટકથા, સંવાદ અને અભિનય પર પૂરું ધ્યાન આપીને કામ કરે છે. પોતે દિગ્દર્શક છે પણ અન્ય દિગ્દર્શકો પર ભરોસો કરે છે. રાકેશ ઓમપ્રકાશ મેહરા ખૂબ શાંતિથી દરેક ફિલ્મ બનાવે છે. તે વિષયને જ સ્ટાર માને છે. ફરહાને અગાઉ તેની ફિલ્મમાં કામ કરવા દોડવીર તરીકે જબરદસ્ત પરસેવો પાડેલો અને આ વખતે બોકસર બનવા પરસેવો પાડયો છે. ફરહાન પોતાને હીરો તરીકે નહીં બલ્કે પાત્ર તરીકે જુએ છે. ‘ભાગ મિલખા ભાગ’ માં પણ તે રેગ્યુલર હીરો જેવો નહોતો. તે પોતે ય જાણે છે કે મારે સલમાનવેડા, શાહરૂખવેડા યા અક્ષયકુમાર કે અજય દેવગણવેડા નથી કરવાના.

‘તુફાન’ ફિલ્મ ગયા વર્ષે ઓકટોબરમાં ગાંધી જયંતીએ રજૂ થવાની હતી પણ લંબાતા લંબાતા હવે હમણાં રજૂ થશે. ફરહાન પોતે થિયેટર રિલીઝ ઇચ્છતો હતો પણ હવે લંબાવવામાં ફાયદો નથી. તે એક મેચ્યોર નિર્માતા છે અને છેલ્લે ‘મિર્ઝાપૂર’, ‘ઇન્સાઇડ એજ’, ‘મેડ ઇન હેવન’ સહિતની વેબ સિરીઝ સહિત કુલ 33 ફિલ્મનું નિર્માણ કરી ચૂકયો છે. ‘દિલ ચાહતા હૈ’, ‘લક્ષય’, ‘ડોન’, ‘રોક ઓન’, ‘કાર્તિક કોલિંગ કાર્તિક’, ‘તલાશ’, ‘ફુકરે’, ‘દિલ ધડકને દો’, ‘રઇસ’, ‘ગોલ્ડ’ અને ‘ગલી બોય’ જેવી ફિલ્મો તેણે બનાવી છે. અત્યારે તે ‘ડોગરી ટુ દૂબઇ’ વેબ સિરીઝ બનાવવામાં રોકાયેલો છે. ફરહાન તેના પિતા જાવેદ અખ્તર કરતાં પ્રોફેશનલી વધુ શકયતા તાગી શકયો છે. તેના જેવા નિર્માતા ફિલ્મ જગતમાં ઓછા છે. ‘તુફાન’ ઉપરાંત તે અમેરિકન ટેલિવીઝન સિરીઝ ‘મીસ માર્વેલ’માન કામ કરી રહયો છે.

ફરહાન અખ્તર બહુ રસપ્રદ જિંદગી જીવી રહયો છે. અધૂના ભાભાણી સાથે પરણ્યો અને બે દિકરીનો પિતા થયો. પણ અધૂના સાથે 16 વર્ષના સંબંધનો અંત આવ્યો અત્યારે વીજે શિવાની દાંડેકર સાથે સાડા ત્રણ ચાર વર્ષથી સંબંધમાં છે. બંને પરણશે કે નહિ તે ખબર નથી પણ ફિલ્મ જગતમાં હવે લગ્ન વિના સંબંધ રાખવાનો એક ટ્રેન્ડ છે. ફરહાનને તેના પિતા કોઇ આ બાબતે સલાહ આપી શકે તે શકય નથી. અમુક વર્ષ પછી સંતાનો મેચ્યોર હોય છે. અત્યારે સ્પોટસ ફિલ્મોનો દૌર ચાલે છે અને ક્રિકેટ તેમાં ફેવરિટ છે.

ફરહાન જરા જૂદો છે એટલે દોડવીર પછી બોકસર બન્યો છે. ડોંગરીનું બેક ગ્રાઉન્ડ રાખ્યું છે એટલે એક જૂદા પ્રકારના ડ્રામેટિક દ્રશ્યો જોવા મળશે. ડોંગરી અને ગેટવે ઓફ ઇન્ડિયાના રિયલ લોકેશન પર જ શૂટિંગ થયું છે. એટલે તેનાથી પણ ફિલ્મ ખાસ બની હોવાની ધારણા છે. ‘રાધે’ એવા પ્રેક્ષકો માટે હતી જે સલમાન ખાન ટાઇપ મનોરંજન ઇચ્છે છે જયારે ‘તુફાન’ તેના વિષય, અભિનય, લોકેશનના કારણે જામશે. અત્યારના સમયમાં પ્રેક્ષકોને તે આકર્ષશે.

Most Popular

To Top