National

‘સૌની માફી માંગતા દીકરાને અંતિમ વિદાય’: AIIMSમાં હરીશ રાણાનું લાઈફ સપોર્ટ હટાવવાની પ્રક્રિયા શરૂ

દેશને ભાવુક કરી દેતો ઇચ્છામૃત્યુનો એક ઐતિહાસિક નિર્ણય થોડા દિવસ પહેલા સામે આવ્યો હતો. ગાઝિયાબાદના 32 વર્ષીય હરીશ રાણા, જે છેલ્લા લગભગ 13 વર્ષથી કોમામાં અને પથારીવશ સ્થિતિમાં હતા, તેમને કાનૂની રીતે પેસિવ યુથેનેશિયા (ઇચ્છામૃત્યુ)ની મંજૂરી આપવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય બાદ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમની જીવનરક્ષક સારવાર ધીમે ધીમે બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દિલ્હીની AIIMS હોસ્પિટલ, જે હજારો લોકોને નવજીવન આપવા માટે જાણીતી છે, ત્યાં હવે હરીશ રાણાનું લાઈફ સપોર્ટ સિસ્ટમ તબક્કાવાર દૂર કરવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી કોમામાં રહેલા હરીશ માટે આ નિર્ણય સર્વોચ્ચ અદાલતની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે અને ડોક્ટરોની વિશેષ ટીમ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહી છે.

હરીશ રાણા વર્ષ 2013માં પંજાબમાં એક ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. હોસ્ટેલની ઇમારત પરથી પડી જતા તેમના માથે ગંભીર ઈજા થઈ હતી અને ત્યારથી તેઓ કોમા જેવી સ્થિતિમાં હતા. લાંબા સમય સુધી કોઈ સુધારો ન થતાં ડોક્ટરોએ તેમના સંપૂર્ણ રીતે સાજા થવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. હરીશ રાણાના પરિવારજનો છેલ્લા ઘણા વર્ષોથી તેમની સારવાર માટે સતત સંઘર્ષ કરતા રહ્યા હતા. દીકરાને બચાવવા માટે પરિવારે પોતાની તમામ બચત ખર્ચી નાખી, ઘર અને જમીન પણ વેચી નાખી, છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો. આર્થિક અને માનસિક રીતે ભારે સંઘર્ષ બાદ પરિવારને અંતે આ કઠિન નિર્ણય લેવો પડ્યો. ત્યારબાદ હરીશના પિતા અશોક રાણાએ પુત્રની પીડાને ધ્યાનમાં રાખીને અદાલતમાં ઇચ્છામૃત્યુ માટે અરજી કરી હતી, જેને સર્વોચ્ચ અદાલતે મંજૂરી આપી.

ડોક્ટરોના જણાવ્યા મુજબ હરીશને પેલિએટિવ કેર હેઠળ પેઇન મેનેજમેન્ટ આપવામાં આવશે અને જીવનરક્ષક ઉપકરણો તેમજ ફીડિંગ સપોર્ટ ધીમે ધીમે દૂર કરવામાં આવશે, જેથી કુદરતી રીતે જીવનનો અંત આવી શકે. આ માટે 5થી 6 ડોક્ટરોની વિશેષ સમિતિ બનાવવામાં આવી છે. આ ઘટના વધુ ભાવુક બની છે કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં હોસ્પિટલના બેડ પર પડેલા હરીશ રાણાને પરિવારજનો અંતિમ વિદાય આપતા જોવા મળે છે. એક મહિલા તેમના માથા પર ચંદનનું તિલક લગાવી તેમને સૌને માફ કરીને શાંતિથી દુનિયાને અલવિદા કહેવાની વિનંતી કરતી જોવા મળે છે. હરીશ રાણાના પિતા અશોક રાણાએ ભાવુક બની જણાવ્યું હતું કે પોતાના પુત્ર માટે મૃત્યુ માંગવું કોઈ પણ માતા-પિતાને સહેલું નથી, પરંતુ વર્ષો સુધી તેની પીડા જોવી વધુ મુશ્કેલ બની ગયું હતું. પરિવારે હરીશ રાણાના અંગદાનની ઈચ્છા પણ વ્યક્ત કરી છે અને ડોક્ટરો તેમની તબીબી સ્થિતિ મુજબ શક્ય હોય તેવા અંગોના દાન અંગે નિર્ણય લેશે.

Most Popular

To Top