આપણી વચ્ચેથી નીલમબહેન પરીખે પહેલી એપ્રિલે વિદાય લીધી. તેમની ઓળખ આપવી પડે તેમાં એક સામાજિક તરીકે આપણું ગૌરવ નથી પણ એવા ગૌરવખંડનના તો અનેક ઉપક્રમો આપણે જીવનવ્યવહારમાં અપનાવી લીધા છે એટલે કહેવાનું કે જેને આપણે મહાત્મા ગાંધી તરીકે ઓળખતા આવ્યા છીએ તેમના મોટા પુત્ર હરિલાલ ગાંધી અને ગુલાબબહેન ગાંધીનાં પાંચ સંતાનોમાં મોટાં એવાં રામીબહેનનાં દીકરી તે નીલમબહેન ગાંધી. યોગેન્દ્રભાઈ પરીખને પરણેલાં એટલે નીલમબહેન પરીખ. આ નીલમબહેન પરીખ ઝીણાભાઈ દરજીના આગ્રહથી વ્યારા વિસ્તારમાં આવ્યાં. તે પહેલાં તેઓ વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં જોડાયેલાં રહેલાં અને ઓરિસ્સાના એક ગામમાં રહેતાં હતાં. 1962થી તેઓ વ્યારા વિસ્તારનાં થયાં. ગામિત લોકોનાં ભણતર અને કૌશલ્ય વિકાસનું કામ કર્યું. ‘દક્ષિણાપથ’ નામની સંસ્થા શરૂ કરી આ કામને એ વિસ્તારમાં વ્યાપક બનાવતાં ગયાં. આર્થિક સ્વાવલંબન કેળવવું તે પણ સ્વતંત્રતાપ્રાપ્તિનું એક કાર્ય છે. વ્યક્તિગત સ્વાતંત્ર્યનો એક સાદો ઉપક્રમ નીલમબહેને અપનાવ્યો. આ ઉપક્રમ કોઇ જાહેર ઉપક્રમ બને અને પ્રચાર વડે મોટો થાય તેવું તેમણે ક્યારેય કશું ન કર્યું. બાકી આવ્યાં તો હતાં મુંબઇથી જ્યાં બધી સગવડ હોય, વ્યવસ્થા હોય, વ્યારાનાં ગામોમાં તો વીજળીનાં ય પૂરતાં અજવાળાં નહીં પણ આદિવાસી વચ્ચે કામ શરૂ કર્યું અને તેમનામાં રહેલા કૌશલ્યને કેળવવાનું કામ કર્યું. ગાંધીજી વર્ષો પહેલાં આ જ કરતા હતા. પોતાની પાસે કોઇ આવે અને કહે કે અમને કોઇ કાર્ય ચીંધો તો ગાંધીજી તેમને કોઇ ગામડામાં કામ કરવા મોકલતા.
નીલમબહેન 1962થી દક્ષિણ ગુજરાતમાં રહ્યાં અને વિત્યાં 30 વર્ષથી તો નવસારી તેમનું નિવાસસ્થાન હતું પણ બહુ ઓછાને ખબર પડી કે તેઓ ગાંધીજીના વંશજ છે. તેમણે રચનાત્મક કાર્યને જ જીવન બનાવેલું. ગાંધીજીના જે આદર્શો તેઓ સમજ્યા તેને જીવ્યા. અન્યો તો ઠીક પોતાનાં સંતાન યા પુત્રવધૂ યા પૌત્ર-પૌત્રી પણ ગાંધીજીના આદર્શ પાળે એવો આગ્રહ ન રાખ્યો. આ વલણ બહુ અનોખું કહેવાય અને ગાંધીજીને જેઓ સમજે છે તેમને મન સહજ પર કહેવાય. ગાંધીજીના આદર્શ કાર્યબોધ રૂપે પ્રગટ થવા જોઇએ.
નવસારીમાં તેમને જે વર્ષો મળ્યાં તેમાં તેઓ લેખન તરફ વધુ સક્રિય રહ્યાં અને તે પણ ગાંધી વિનોબા કેન્દ્રી લેખન જ છે. દિનકર જોશીની નવલકથા ‘પ્રકાશનો પડછાયો’ પ્રગટ થઇ અને પિતા ગાંધીજી અને પુત્ર હરિલાલ ગાંધી વચ્ચેના સંબંધ વિશે જાહેર ચર્ચાઓ જાગી. આ નવલકથાના આધારે મરાઠીમાં ગાંધી વિરુદ્ધ ગાંધી નાટક ભજવાયું અને ચર્ચા વધારે વ્યાપક બની. એ ચર્ચા ગાંધીની મર્યાદાને મુદ્દા બનાવનારી હતી. સ્વતંત્રતાપ્રાપ્તિ પછીના સમયમાં ધીરે ધીરે ગાંધીજીની મર્યાદાઓ કેવી કેવી હતી તેને જાહેર જીવનમાં ચર્ચવાનું શરૂ થયું હતું. આ એક અપમાનજનક વલણ હતું પણ જાહેર જીવનની વ્યક્તિ તેનાથી બાદ પણ ન રહી શકે. ભલે ન રહે. નીલમબહેન પરીખ સામાન્યપણે ગાંધીજી વિશે જાહેર પ્રતિક્રિયા આપનાર વ્યક્તિ નહીં. તેમણે તે વખતે ‘ગાંધીનું ખોવાયેલું ધન: હરિલાલ ગાંધી’ પુસ્તક લખ્યું. અત્યંત સ્વસ્થ રહી ગાંધી-હરિલાલના જીવનક્રમની ઘટનાઓમાં રહી નાની નાની વિગતો અને વ્યવહારના સંદર્ભ સાથે કુટુંબ સંસ્કાર અને ભારતીય મન સાથે નીલમબહેન જે આલેખન કર્યું છે તે ઉદાહરણરૂપ છે. હરિલાલ તો તેમના દાદા અને ગાંધીજી પરદાદા. જાહેરજીવનની વિશ્વવિભૂતિ અને તેમની સામે વગોવાયેલા, જાહેરમાં ચર્ચા કરવી ન ગમે તેવી કુટેવોમાં જીવેલા દાદા. આ બે ઓળખને પિતા-પુત્ર સંબંધે ઊંડી નિસ્બતથી આલેખવામાં કસોટી થઇ જાય પણ તમે જોશો તો થશે કે એ પુસ્તકમાં હરિલાલ ગાંધી એક વિશેષ માનવીય સંજોગોને પૂરી તીવ્રતાથી ક્રિયા-પ્રતિક્રિયામાં રહી જીવવા મથે છે. –
-બકુલ ટેલર

