Columns

ફેમિલી મેડિસિન vs જનરલ/ઇન્ટરનલ મેડિસિન

રોજબરોજની જિંદગીમાં આપણને કંઈ પણ નાનું – મોટું થયું નથી કે આપણા ફેમિલી ડૉક્ટરને યાદ કર્યા નથી! બરાબર ને? સૌ સાથે આમ બનતું હશે. ઘણી બધી સ્પેશ્યાલિટી વિશે આપણે જાણતા હોઈશું. મેડિકલમાં MBBS બાદ 100થી વધુ સ્પેશ્યાલિટી અને સુપર સ્પેશ્યાલિટી છે. હાલમાં 19 મે, 2022ના રોજ ‘’વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે’’ની ઉજવણી થઈ. સામાન્ય વ્યક્તિ શું ક્યારેક અમુક શિક્ષિત વ્યક્તિને પણ એ ખ્યાલ ન હોય કે કોને ફિઝિશ્યન કહેવાય, કોને ફેમિલી ફિઝિશ્યન કે કોને ઇન્ટર્નિસ્ટ કહેવાય. આજે પહેલાં આવી જ કંઈક મજાની મેડિકલની યોગ્ય રીતે ઉચ્ચાર ન થતી ટર્મ અને સાચી ટર્મ શું છે એ વિશે વાત કરીશું અને ત્યાર બાદ સમજીશું તફાવત ફેમિલી મેડિસિન અને જનરલ મેડિસિન વચ્ચેનો…

ફિઝિશ્યન એટલે?

કોઈ પણ તબીબ જે મેડિકલમાં પાયાની MBBSની ડિગ્રી ધરાવે છે. એક મેડિકલ ડૉક્ટર આમ સામાન્યપણે ફિઝિશ્યન તરીકે ઓળખાય છે. તો સૌથી પહેલા પ્રશ્ન થાય કે જેઓએ MD જનરલ મેડિસિનનો અભ્યાસ કરેલ છે અને કન્સલ્ટન્ટ ફિઝિશ્યન તરીકે ઓળખાય છે તેઓને શું કહેવાય? ભારતમાં MD જનરલ/ઇન્ટર્નલ મેડિસિન માટે કન્સલ્ટન્ટ ફિઝિશ્યન ટર્મ ચાલે છે પણ ખરેખર સાચી ટર્મ ઇન્ટર્નિસ્ટ (ઇન્ટરનિસ્ટ) છે. આ તબીબો જે દર્દીઓ વયસ્ક એટલે કે 18થી વધુ ઉંમરના છે એ લોકોનાં શરીરની અંદરનાં તમામ અંગો વિશે વિશેષ જ્ઞાન ધરાવે છે.

મુંઝવણમાં ના મુકાશો કેમ કે સ્નાતક MBBSની ડિગ્રી બાદ જેઓ ઇન્ટર્નશીપ કરે છે એને ઇન્ટરની અથવા હાઉસ સર્જન કહેવાય. વાત કરીએ ફેમિલી ફિઝિશ્યનની તો તમામ MBBS આમ તો ફેમિલી ફિઝિશ્યન ગણાય. પરંતુ હવે MBBS બાદ બે તથા ત્રણ વર્ષના ડિપ્લોમા અને ડિગ્રી MD ફેમિલી મેડિસિન કોર્સ ઉપલબ્ધ છે અને જેઓને ફેમિલી મેડિસિન ફિઝિશ્યન કે કન્સલ્ટન્ટ ફેમિલી ફિઝિશ્યન કહેવાય છે. આ ડિગ્રીને કારણે હવે ફેમિલી મેડિસિનમાં સ્પેશ્યલાઇઝેશનનો વિકલ્પ વિકસી રહ્યો છે. આ સ્પેશ્યાલિસ્ટ અન્ય MD મેડિસિનની જેમ અમુક ચોક્કસ શાખામાં આગળ ફરી સુપર સ્પેશ્યાલિટી પણ કરી શકે છે એવો વિકલ્પ આ સાથે ઉપલબ્ધ થયો છે.

ફેમિલી મેડિસિન ક્ષેત્રે ફેમિલી ફિઝિશ્યન શેમાં કાર્યરત છે?

 એના નામની જેમ આ ક્ષેત્ર સમગ્ર ફેમિલીને મેડિકલ સેવા પૂરી પાડે છે. ઘણી વાર આ તબીબ એક જ કુટુંબની ઘણી પેઢીઓને સારવાર આપતા હોય છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી આ ક્ષેત્ર એટલું બધું સર્વગ્રાહી છે કે તબીબ એક ફેમિલી ફિઝિશ્યન તરીકે એ વ્યક્તિ અને એના પરિવારની પેઢીઓ સાથે ગાઢ સંબંધ બનાવતા હોય છે. અભિગમ હંમેશાં વ્યક્તિલક્ષી રહે છે અને નહીં કે દર્દીલક્ષી. અર્થાત રોગને નહીં દર્દીને જોવાનો છે અને એક વ્યક્તિ તરીકે એને પહેલા સાજો કરવાનો છે નહીં કે એકમાત્ર રોગને. આ તબીબો કોઈ પણ તબક્કે જીવનમાં તેમની સારવાર કરી શકે છે.

આ તબીબો તમને સારા રહેવા તથા રોગોને રોકવા વિવિધ પ્રકારની તમામ સ્પેશ્યાલિટીમાં પ્રાથમિક રોગોની સારવારમાં મદદરૂપ બને છે. તેઓ આપને સ્પેશ્યાલિસ્ટના રેફરન્સની જ્યારે જરૂર હોય ત્યારે જ એમની પાસે મોકલે છે. આ તબીબો મોટાભાગે OPD જ પ્રેક્ટિસ કરતા હોય છે. સમાજમાં વિવિધ પ્રકારના પરિબળો અને નિર્ણાયકોને સમજવાથી લઈ દર્દીના આરોગ્યની ચિંતા માટે પ્રથમ સંપર્ક તરીકે સેવા આપે છે.

અર્થાત્ ફર્સ્ટ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ તરીકે આ તબીબો ઓળખાય છે. આ તબીબો વિવિધ શાખામાં કુશળતા ધરાવે છે તથા દર્દીના હિમાયતી અને સમસ્યા હલ કરનારા બની રહે છે. ઘણામાં મેડિકલ લીડર તરીકે પણ કુશળતા નિખરી આવે છે. આ તબીબો પિડિયાટ્રીક્સ તથા ઓબ્સટેટ્રીક્સ અને ગાયનેકોલોજી જેવી શાખામાં એમના MBBS બાદના સ્પેશ્યલાઇઝેશનના બે કે ત્રણ વર્ષના શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન ખાસ તાલીમ પણ મેળવતા હોય છે. દર્દી તરીકે એક સામાન્ય માણસ આ તબીબો પર સૌથી વધુ વિશ્વાસ ધરાવે છે. તબીબો એમની સાથે લાગણીસભર વર્તાવ કરતા જોવા મળે છે જે દર્દીનું અડધું દુઃખ ત્યાં જ ઘટાડી દે છે.

જનરલ અથવા ઇન્ટરનલ મેડિસિન ક્ષેત્રે ફિઝિશ્યન અર્થાત ઇન્ટર્નિસ્ટ શેમાં કાર્યરત છે?

 સૌથી પહેલું આ તબીબો 18 વર્ષથી ઉપરના જ દર્દીઓને તપાસે છે. (એ સિવાયના જેઓ વયસ્ક નથી તેઓએ પીડિયાટ્રિશ્યનને કન્સલ્ટ કરવાનું રહે છે.) તેઓ જનરલ અને ઇન્ટરનલ મેડિસિન ક્ષેત્રે વ્યાપક અને ઊંડી તાલીમ ધરાવે છે. જે તેઓને પુખ્ત વયની વ્યક્તિમાં વિવિધ પ્રકારના જટિલ રોગો અને તબીબી રીતે જટિલ/ક્રિટિકલ પરિસ્થિતિઓના નિદાન અને સારવારમાં કુશળતા વિકસાવવામાં મદદ કરે છે. જ્યારે વિવિધ પરિસ્થિતિઓ કે એકથી વધુ તકલીફ એક જ વ્યક્તિને ઘેરી વળે છે ત્યારે એક ચોક્કસ નિદાન માટે તેમની કુશળતા અગત્યનો ભાગ ભજવે છે. તેઓ મહત્ત્વનાં અંગો મગજ, હૃદય, કિડની, યકૃત વગેરેના રોગોમાં ખાસ રસ ધરાવે છે અને એ અંગે એમના MBBS બાદના અનુસ્નાતક ત્રણ વર્ષના કોર્સમાં શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન ચોક્કસ તાલીમ પ્રાપ્ત કરતા હોય છે.

આ તબીબો OPD તથા IPD બંનેમાં તપાસ તથા સારવાર કરતા હોય છે. આ બંને ક્ષેત્રો આમ તો ખૂબ જ વિસ્તૃત છે એટલે આટલો ટૂંકો પરિચય આ બંને સ્પેશ્યાલિટી માટે આપવો એ અન્યાય જ કહેવાય. બંનેની સરખામણી તો ક્યારેય ન થાય. બસ આપણી યોગ્ય સમજ માટે આપણે એમની વચ્ચેનો ખાસ તફાવત શું છે એ જાણવાનો પ્રયત્ન કર્યો. ટૂંકમાં કહીએ તો ઇન્ટર્નિસ્ટ/ કન્સલ્ટન્ટ ફિઝિશ્યનનો અભિગમ વિવિધ અંગો અને શરીરના આંતરિક તંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને પુખ્ત વયના લોકોમાં બીમારીઓને અટકાવવા, વેળાસર નિદાન અને સારવાર કરવા તરફ હોય છે. તેઓની પ્રેક્ટીસ પુખ્ત વયની વ્યક્તિને અસર કરતા વિવિધ રોગોનું નિદાન કરવામાં નિપુણતા અને જટિલ પરિસ્થિતિઓનું સંચાલન કરવા તરફ કેન્દ્રિત હોય છે.

જ્યારે ફેમિલી ફિઝિશ્યનનો અભિગમ તમામ ઉંમરના લોકોમાં તબીબી સમસ્યાઓના સમગ્ર પ્રકારના પ્રશ્નો હલ કરવા તથા સંચાલન કરવા તરફ હોય છે. તેઓની પ્રેક્ટીસ OPDના દર્દીઓની દવા, કાળજી પ્રત્યે સાતત્ય, આરોગ્ય નિરંતર જળવાયેલું રહે અને રોગ થાય કે એ આવે એ પહેલા એના નિવારણ અને રોકવા પર ભાર મૂકવા સાથે તમામ ઉંમરની સંપૂર્ણ વ્યક્તિની કાળજી અને સારવાર તરફ કેન્દ્રિત હોય છે. ફેમિલી મેડિસિન અંગે ખૂબ જ ઓછી જાગૃતતા છે અને એથી ઓછી ઈમરજન્સી મેડિસિન માટે છે કે જેઓને ‘’જેક ઓફ ઓલ ટ્રેડર્સ બટ માસ્ટર ઓફ નન’’ તરીકે સમાજ ઓળખે છે એ બંને વિષય પર વિસ્તૃત ચર્ચા ફરી કોઈ વાર!

Most Popular

To Top