SURAT

મેટ્રોની ક્રેઈન જે બંગલા પર પડી તેમાં રહેતો પરિવાર છતાં ઘરે રઝળતો થયો, કહ્યું- કોઈ મળવા આવ્યું નથી

સુરત: ‘બે દિવસ પહેલા સંતાનોને વિદેશ મોકલ્યા બાદ અમે ગુરૂવારે સવારે 9 વાગ્યે જ સુરતથી વડોદરા થઈને ડાકોર જવા માટે નીકળ્યા હતા. જ્યારે અમારા ભાડુઆત ઘરની બહાર નીકળ્યા હતા. જોકે, ઘર પર ક્રેઈન તૂટી પડ્યાની જાણ થતાં અડધે રસ્તેથી જ પાછા ફર્યા. સવારે સુરત પહોંચ્યા બાદ અમને કોઈ જ મળવા આવ્યું નથી.

  • અમે 3 વર્ષની મહેનતે ઘર બનાવ્યું હતું, અમારૂં ઘર રિપેર કરી આપવા પરિવારની માંગણી
  • ઘરને નુકસાન થયાની જાણ થતાં જ અમે તાબડતોડ પરત આવ્યા પણ સાંજ સુધી મેટ્રોના અધિકારીથી માંડીને કોઈ નેતા અમને મળવા આવ્યા નથી: મકાન માલિક મહેશ દેસાઈ
  • મકાનમાલિક મહેશ દેસાઈએ સરથાણા પોલીસમાં ક્રેઈન તૂટવા માટે જવાબદારો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

હું આખો દિવસ સ્થળ પર હાજર રહ્યો પરંતુ કોઈ મેટ્રોના અધિકારી કે સ્થાનિક નેતા કે સ્થાનિક કોર્પોરેટરો, પદાધિકારીઓ સહિત કોઈ જ અમને મળવા આવ્યું નથી. મકાનને ભારે નુકસાન થયું હોવા છતાં અમને હજુ સુધી કોઈપણ વળતરની જાહેરાત કરવામાં આવી નથી.અમે 3 વર્ષની મહેનતથી આ ઘર બનાવ્યું હતું’ તેમ દુખી હ્રદયે મેટ્રોની ક્રેઈન તૂટી પડવામાં જેમના ઘરને નુકસાન થયું તેના માલિક મહેશ દેસાઈએ જણાવી મકાનને મેટ્રોના અધિકારીઓ રિપેર કરાવી આપે તેવી માંગ કરી હતી. મહેશ દેસાઈએ શુક્રવારે સાંજે આ ઘટના અંગે સરથાણા પોલીસમાં જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મેટ્રોએ કોઈ દરકાર લીધી નહીં પણ ક્રેઈન હટાવવા આવેલાએ અમે એનઓસી આપ્યું કે કેમ? તે પુછ્યું હતું: મહેશ દેસાઈ
મકાન માલિક મહેશ દેસાઈએ જણાવ્યું હતું કે, મેટ્રો અધિકારીએ તાબડતોબ ક્રેઈન દુર કરવા માટે કોઈ 2 ક્રેઈન મોકલી હતી. પરંતુ જે ક્રેઈન હટાવવા આવ્યા તેઓ ભલા માણસ કહેવાય કે તેઓ મને પુછવા આવ્યા કે તમે ક્રેઈન હટાવવાની પરમીશન આપી છે કે તમારી પાસે કોઈ પરમીશન લેવાઈ છે? ત્યારે મહેશભાઈએ જણાવ્યું કે, ના મેટ્રોના અધિકારીઓએ કોઈ પરમીશન માંગી નથી અને તેઓએ (મહેશ દેસાઈ) એ કોઈ પરમીશન આપી પણ નથી. જેથી તેઓ ક્રેઈન હટાવ્યા વિના જતા રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, મકાનમાલિક એન.ઓ.સી આપે પછી જ ક્રેઈન હટાવવી જોઈએ.

મેટ્રોના અધિકારીઓની બેદરકારીને કારણે ગુરૂવારની રાત અમારે સગાસંબંધીઓને ત્યાં વિતાવવી પડી: મહેશ દેસાઈ
મહેશ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે અમે રાત્રે 9 વાગ્યે પહોંચ્યા તો અમને ઘરમાં જવાની પરમિશન નહોતી, જેથી અમે રાતે અમારાં સગાં-સંબંધીઓને ત્યાં પહોંચી ગયાં હતાં અને રાત વિતાવી હતી, પરંતુ સવારે અમે ઘર છોડીને ગયા હતા અને સાંજે આવ્યા ત્યારે ઘર ઘર જેવું હતું નહીં, આનો અમને જે આઘાત છે એ અમે શબ્દોમાં વર્ણવી શકીએ એમ નથી. આ અમારા સપનાનું ઘર હતું. અમને સધિયારો આપવા કે કોઈ ખભા પર હાથ મુકવા પણ આવતું નથી તે વાતનું ભારે દુખ છે.

પતિ મને બળજબરીથી ડાકોર લઈ ગયા નહીં હોત તો હું આજે બચી નહી હોત: રીટા દેસાઈ
મકાનમાલિક રીટા દેસાઈએ જણાવ્યું હતું કે, અમે એક દિવસ માટે બહાર ગયા હતા, એટલે કોઈપણ વસ્તુઓ અમારી પાસે નથી. આજુબાજુના લોકો પાસેથી વસ્તુઓ લઈ અમે આજે અહીં પહોંચ્યા છીએ. આખો દિવસ આમતેમ લોકોએ જ ચા-પાણી નાસ્તો કરાવ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારા પતિ મને બળજબરીથી ડાકોર લઈને ગયા હતા. તેમણે કહ્યું કે તું ઘરે એકલી રહીને શું કરીશ? ચાલ, મારી સાથે. જો હું ઘરે હોત તો આજે બચી ના હોત.

ભાડુઆત નીચે કામગીરી જોવા ગયા એટલે બચી ગયા
અમે તો ઘરે નહોતા, પરંતુ અમારા ભાડૂઆત નીચે રહે છે અને તેઓ ઘરે હતા અને અમારા કામવાળાં બેન અને તેમના પતિ પણ ઘરે હતાં. ત્યારે ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ સોસાયટીના ગેટ પર આ કામગીરી જોવા ગયાં હતાં અને અચાનક આ ઘટના બની. જો તેઓ જોવા ના ગયાં હોત તો તેમનો જીવ ના બચત. ભાડુઆતે હવે સામાન કાઢી ઘર ખાલી કરી રહ્યા છે તેમ મહેશ દેસાઈએ જણાવ્યું હતું.

ક્રેઈને દિવાલ તોડી નાખી હોવાથી સોસાયટીમાં જવા માટે પાછળની દિવાલ તોડવી પડી
મેટ્રોની ક્રેઈન તૂટીને દિવાલ પર પડી હોવાથી સોસાયટીમાં જવાનો રસ્તો પણ બંધ થઈ જતા સોસાયટીવાસીઓએ પાછળની દિવાલ તોડવાનો વારો આવ્યો હતો. જેના કારણે લોકો સરળતાથી સોસાયટીમાં આવી જઇ શકે.

Most Popular

To Top