કોરોના મહામારીના એક વર્ષ દરમિયાન ભારતીય પરિવારો પર દેવાનો ભાર વધ્યો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના તાજેતરના આંકડાઓ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પરિવારોનું દેવું કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 37.1 ટકા થઈ ગયું છે. ત્યારી, આ સમયગાળા દરમિયાન પરિવારોની બચતમાં મોટો ઘટાડો થઈને તે જીડીપીના 10.4 ટકા થઈ છે.
મહામારી દરમિયાન લાખો લોકો બેરોજગાર બન્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં લોકોએ તેમનો પગાર ગુમાવ્યો હતો. જેના કારણે લોકોને બચતથી ખર્ચ કરવાની જરૂરત સર્જાઈ હતી. આ આંકડાઓ અનુસાર, બીજા ક્વાર્ટરમાં કુલ લોન માર્કેટમાં પરિવારની હિસ્સેદારી વાર્ષિક ધોરણે 1.30 ટકા વધીને 51.5 ટકા થઈ ગઈ છે.
રિઝર્વ બેંકના માર્ચ મહિનાના બુલેટિન અનુસાર મહામારીની શરૂઆતમાં લોકોનો જુકાવ બચત તરફ હતો. જેના કારણે, 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પરિવારની બચત જીડીપીના 21 ટકા સુધી પહોંચી, પરંતુ બીજા ત્રિમાસિક ગાળામાં તે 10.4 ટકા થઈ ગઈ હતી. જે, 2019-20ના બીજા ક્વાર્ટરમાં 9.8 ટકાથી વધુ હતી.
રિઝર્વ બેંકના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, સામાન્ય રીતે જ્યારે અર્થવ્યવસ્થા સ્થિર થાય છે અથવા ઘટે છે ત્યારે પરિવારની બચતમાં વધારો થાય છે. તેમજ જ્યારે અર્થતંત્ર સુધરે છે ત્યારે બચત ઓછી થાય છે. કારણ કે લોકોનો ખર્ચ માટે ભરોસો વધે છે. આ મામલે પ્રથમ ક્વાર્ટરમાં પરિવારની બચત જીડીપીના 21 ટકા સુધી પહોંચી હતી. ત્યારે જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો થયો હતો. ત્યારબાદ, બીજા ક્વાર્ટરમાં જીડીપીનો ઘટાડો 7.5 ટકા થયો હતો. તે જ સમયે, લોકોની બચત 10.4 ટકા પર પહોંચી હતી.
બુલેટિન જણાવવામાં આવ્યું છે કે, પરિવારનું જીડીપી રેશિયો માટેનું દેવું વર્ષ 2018-19ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી સતત વધી રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પરિવારનું દેવું જીડીપીના 37.1 ટકા પર પહોંચ્યું હતું. જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં 35.4 ટકા હતું. કુલ દેવા બજારમાં પરિવારના દેવાનો હિસ્સો પણ બીજા ક્વાર્ટરમાં 1.3 ટકા વધીને 51.5 ટકાએ પહોંચી ગયો છે.