Columns

વક્ફના કાયદા બાબતમાં જાણી જોઈને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે

દેશમાં નવો વકફ સુધારા કાયદો અમલમાં આવતાંની સાથે જ પશ્ચિમ બંગાળમાં વક્ફવિરોધી તોફાનો ચાલુ થઈ ગયાં છે. આ કાયદા બાબતમાં સરકાર અને વિપક્ષ આમનેસામને આવી ગયા છે. વિપક્ષે આ કાયદાને ગેરબંધારણીય અને મુસ્લિમોની સંપત્તિ હડપ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. સરકાર કહે છે કે નવો કાયદો વક્ફ બોર્ડમાં સુધારા અને પારદર્શિતા સુનિશ્ચિત કરશે, પરંતુ વિપક્ષે સરકારના આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ભારતમાં ઘણી બધી મિલકતો વક્ફની છે, જેમાં મસ્જિદો, ઇદગાહ, કબ્રસ્તાન, હોસ્પિટલો, શાળાઓ અને યુનિવર્સિટીઓ છે.

દરેક રાજ્યમાં એક વક્ફ બોર્ડ છે, જે વક્ફ મિલકતનું સંચાલન કરે છે. કેન્દ્રમાં લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ એક વક્ફ કાઉન્સિલ પણ છે. વર્ષ ૧૯૯૫માં, વક્ફ મિલકત અને વ્યવસ્થાપન સંબંધિત ઘણી નવી જોગવાઈઓ વક્ફ કાયદામાં સામેલ કરવામાં આવી હતી. પછી વર્ષ ૨૦૧૩ માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. હવે ૨૦૨૫માં કેન્દ્ર સરકારે તેમાં મોટા ફેરફારો કર્યા છે, એટલું જ નહીં પરંતુ આ કાયદાનું નામ પણ બદલી નાખ્યું છે. સરકાર કહેતી આવી છે કે વક્ફ એક્ટ ૧૯૯૫ અને ૨૦૧૩ ના સુધારામાં કેટલીક ખામીઓ હતી. આ કારણોસર વક્ફની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો થઈ રહ્યો હતો. આ ખામીઓ નવા કાયદામાં દૂર કરવામાં આવી છે.

વક્ફ મિલકત વિશે મિડિયામાં ઘણા દાવા કરવામાં આવી રહ્યા હતા, જેમ કે વક્ફ પાસે રેલવે અને સેના કરતાં પણ વધુ જમીન છે. આવા દાવાઓની સચ્ચાઈ તપાસવી જરૂરી છે. સરકારી માહિતી અનુસાર વક્ફના કેન્દ્રીય બોર્ડ પાસે આશરે ૯.૪ લાખ એકર જમીન છે. જો આપણે તેની સરખામણી સંરક્ષણ મંત્રાલય અને રેલવે સાથે કરીએ, તો વક્ફ જમીનની દૃષ્ટિએ તે ભારતમાં પહેલા નહીં પણ ત્રીજા સ્થાને છે. સંરક્ષણ મંત્રાલય પાસે ૧૭.૯૫ લાખ એકર જમીન છે, જ્યારે રેલવે પાસે લગભગ ૧૨ લાખ એકર જમીન છે. વક્ફની ૮,૭૨,૮૦૫ સ્થાવર મિલકતો અને ૧૬,૭૧૬ જંગમ મિલકતો ઓળખવામાં આવી હતી. આમાંથી ૯૭ ટકા મિલકતો ફક્ત ૧૫ રાજ્યોમાં છે. તેમાંની ૫૮,૮૯૦ જમીન પર અતિક્રમણ થયેલ છે, જ્યારે ૪,૩૬,૧૭૯ જમીન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ૧૩,૦૦૦ થી વધુ મિલકતો પર મુકદ્દમા ચાલી રહ્યા છે.

કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં વક્ફ પાસે કેટલી મિલકત છે તેની સંપૂર્ણ યાદી આપી છે. આ મુજબ વક્ફ પાસે તમામ રાજ્યોમાં કુલ ૩૮ લાખ એકર જમીન છે. વક્ફ જમીનના મુદ્દા પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ૧૯૧૩ થી ૨૦૧૩ સુધી વક્ફ બોર્ડની કુલ જમીન ૧૮ લાખ એકર હતી, જે ૨૦૧૩ થી ૨૦૨૫ દરમિયાન ૨૧ લાખ એકર વધી છે. ઓડિશા રાજ્યની વાત કરીએ તો, અહીં વક્ફ બોર્ડ પાસે ૨૮,૭૧૪ એકર જમીન છે, જ્યારે ઓડિશાના ૨૪ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથના નામે ૬૦,૪૨૬ એકર જમીન છે. આમાંથી ૯૭૪ મિલકતો ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવી છે. આ માહિતી વર્ષ ૨૦૨૩ માં ઓડિશા વિધાનસભામાં તત્કાલીન કાયદા મંત્રી જગન્નાથ સરકારે પોતે આપી હતી. આ ઉપરાંત ઓડિશામાં ઘણાં મંદિરોની જમીન છે. તમિલનાડુમાં વક્ફ પાસે ૬ લાખ ૫૫ હજાર એકર જમીન છે, જ્યારે રાજ્યમાં ૫ લાખ ૨૫ હજાર એકર જમીન મંદિરોની છે. આ પૈકી ૪૭ હજાર એકર જમીનના રેકોર્ડ ગાયબ થઈ ગયા છે.

આંધ્રપ્રદેશ વક્ફ પાસે ૭૮,૨૨૯ એકર જમીન છે. તેની સરખામણીમાં આંધ્રપ્રદેશનાં મંદિરો પાસે ૪ લાખ ૬ હજાર એકર જમીન છે. તેમાંથી ૮૭ હજાર એકર જમીન ગેરકાયદેસર કબજા હેઠળ છે. આનો અર્થ એ થયો કે મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ અને વકફ પાસે નોંધપાત્ર પ્રમાણમાં જમીન છે અને આ જમીનો પર ગેરકાયદેસર કબજો પણ છે. આ જમીનોના કબજા સંબંધિત વિવાદો કોર્ટમાં આવી રહ્યા છે. ૨૦૨૩માં અલ્હાબાદ હાઈકોર્ટમાં આવેલા એક કેસ અનુસાર ૧૯૭૦માં ઉત્તર પ્રદેશના મહેસૂલ વિભાગે મથુરામાં જમીનના ટુકડાને ગ્રામસભાની જમીન તરીકે જાહેર કર્યો હતો. પછી ૧૯૯૧ માં તેને તળાવ જાહેર કરવામાં આવ્યું. કોર્ટે મહેસૂલ વિભાગના આ નિર્ણયોને ફગાવી દીધા કારણ કે આ જમીન મથુરાના બિહારીજી મંદિરની હતી. આ એકમાત્ર કેસ નથી જ્યાં મંદિરની જમીન અને સરકાર વચ્ચે વિવાદ છે. મંદિર, ચર્ચ, મસ્જિદ કે ગુરુદ્વારાની જમીન પર પણ વિવાદો થયા છે. લોકો કહે છે કે સરકારે આ અતિક્રમણ પર પણ ધ્યાન આપવું જોઈએ.

એવું પણ કહેવામાં આવ્યું છે કે ફક્ત ધર્મનિષ્ઠ મુસ્લિમો જ તેમની મિલકત વક્ફને દાન કરી શકે છે. પ્રશ્ન એ છે કે જો વકફ ધાર્મિક નથી પણ માત્ર એક સામાજિક સેવા છે, તો પછી આ શરત શા માટે લાદવામાં આવી? આ શરતો લાદવાનો હેતુ બિનમુસ્લિમોને મુસ્લિમ સંસ્થામાં દાન કરતા રોકવાનો છે. શું આવો કાયદો જૈન, બૌદ્ધ, પારસી કે શીખ સંસ્થાઓ માટે ઘડવામાં આવ્યો છે? નવા વક્ફ કાયદામાં જણાવાયું છે કે વક્ફ બોર્ડમાં બે બિનમુસ્લિમ સભ્યો હોવા જોઈએ. જો તે ધર્મ સાથે સંબંધિત છે તો પછી તેમાં બિનમુસ્લિમોને સામેલ કરવાનું ફરજિયાત કેમ બનાવવામાં આવ્યું? જ્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ૧૫ સભ્યો માટે હિંદુ ધર્મમાં માનનારા હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં બિનહિંદુ સભ્ય ન બની શકે તો વક્ફમાં બિનમુસ્લિમોને સભ્ય બનાવવાની કલમ સમાનતાના સિદ્ધાંતનો ભંગ કરે છે.

કેન્દ્ર સરકારની દલીલ એવી હતી કે વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી શકાય નહીં. એટલા માટે તેણે તે કાયદો બદલ્યો છે. ભાજપના ઘણા મોટા નેતાઓ આ વાતનું પુનરાવર્તન કરતા જોવા મળ્યા હતા. હકીકતમાં ૧૯૯૫ના વક્ફ કાયદામાં શું લખ્યું છે? ૧૯૯૫ના કાયદામાં લખેલું છે કે ટ્રિબ્યુનલ સિવિલ કોર્ટની જેમ કાર્ય કરશે અને તેનો નિર્ણય અંતિમ રહેશે, જેને બંને પક્ષોએ સ્વીકારવાનો રહેશે, પરંતુ તેમાં એવું પણ લખ્યું છે કે હાઈકોર્ટ પોતાની રીતે અથવા બોર્ડ અથવા કોઈ પણ પક્ષ પર અરજીની સુનાવણી કરી શકે છે અને ટ્રિબ્યુનલના નિર્ણયને બદલી શકે છે.

૨૦૧૩ ના સુધારામાં આ કલમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. ટ્રિબ્યુનલ પછી, હાઇકોર્ટ છે અને કોઈ પણ નાગરિક આ અંગે હાઇકોર્ટમાં પણ જઈ શકે છે. વક્ફે મેરિયટ હોટેલ પર અધિકારોનો દાવો કર્યો હતો, જેને હાઇકોર્ટે ફગાવી દીધો હતો. આનો અર્થ એ થયો કે હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ પહેલાં પણ હતો અને હજુ પણ હાઈકોર્ટમાં જઈ શકાય છે. તેલંગાણા ચેરિટેબલ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અધિનિયમ એ પણ જણાવે છે કે ટ્રિબ્યુનલના નિર્ણયને અંતિમ નિર્ણય માનવામાં આવે છે. અન્ય રાજ્યોમાં પણ ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ જો તેઓ હાઈકોર્ટમાં જઈ શકતા ન હતા, તો પછી આ ચુકાદો કેવી રીતે આવ્યો?

અગાઉના વક્ફ કાયદાની કલમ ૪૦ માં બોર્ડ પાસે કોઈ પણ મિલકતને વક્ફ મિલકત તરીકે જાહેર કરવાની સત્તા હતી. વિશ્લેષકો માને છે કે આ કલમનો ક્યાંક દુરુપયોગ થયો છે અને નવા કાયદામાં આ કલમ દૂર કરવામાં આવી છે. પરંતુ નવા કાયદામાં પણ એક સમસ્યા છે. જૂના કાયદામાં મિલકતના સર્વેક્ષણની જવાબદારી સર્વે કમિશનરની હતી, પરંતુ નવા કાયદામાં આ જવાબદારી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને આપવામાં આવી છે. એટલે કે હવે ડીએમ કહેશે કે મિલકત વક્ફ છે કે નહીં. પરંતુ શું ડીએમ પાસે સર્વે કરવાની કુશળતા છે? જે કિસ્સાઓમાં વિવાદ વક્ફ અને સરકાર વચ્ચે હોય ત્યાં શું થશે? આવા કિસ્સામાં સરકારી અધિકારી સરકાર વિરુદ્ધ જઈને નિર્ણય કેવી રીતે આપી શકશે? સરકારે નવા કાયદામાં જોગવાઈ કરી છે કે જો કોઈ સરકારી મિલકત વક્ફ હોય, તો કલેક્ટર તેની માલિકી અંગેના વિવાદનો ઉકેલ લાવશે અને રાજ્ય સરકારને પોતાનો અહેવાલ આપશે.

તો શું એ શક્ય છે કે કલેક્ટર સરકાર વિરુદ્ધ નિર્ણય લઈ શકશે? તેથી, આ જોગવાઈઓમાં હજુ પણ સુધારાની જરૂર છે. સારી વાત એ છે કે ટ્રિબ્યુનલને હવે છ મહિનાની અંદર પોતાનો નિર્ણય આપવો પડશે. બીજો સુધારો એ છે કે જો વકફ મિલકતના સંચાલન માટે નિયુક્ત કરાયેલ મુતવલ્લી કોઈ પણ કારણ વગર એક વર્ષ સુધી મિલકતના હિસાબ યોગ્ય રીતે નહીં રાખે, તો તેને દૂર કરવામાં આવશે. આ ઉપરાંત, હવે કેન્દ્ર સરકાર વકફના હિસાબોનું પણ CAG દ્વારા ઓડિટ કરાવી શકે છે. આ જોગવાઈઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. હવે આ નવા ફેરફારોને સુપ્રીમ કોર્ટની ચકાસણીમાંથી પસાર થવું પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top