Business

ફોલ્સ પોઝિટિવ અને ફોલ્સ નેગેટિવ

રોજિંદા જીવનમાં ક્યારેક એવું બનતું હશે ને કે બજાર ગયા હોઈએ અને આપણે કોઈ વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરીએ! કોઈ ઓળખીતાને પાછળથી બૂમ પાડીએ અને ખબર પડે કે કોક બીજું નીકળ્યું. આપણે કહીએ કે ભૂલ થઈ ગઈ! તો આજે આવી જ વાત આપણે મેડિકલી કરવાના છીએ. ક્યારેક ગર્ભાવસ્થા ટેસ્ટ માટે કે પછી હાલ કોરોનાકાળમાં આપણે આ ફોલ્સ નેગેટિવ અને ફોલ્સ પોઝિટિવ શબ્દો ઘણી વાર સાંભળ્યા હશે. ટેકનિકલી જોઈએ તો આવી ભૂલો દ્વિસંગી વર્ગીકરણ હેઠળ આવે છે. દ્વિસંગી વર્ગીકરણમાં મેડિકલ ટેસ્ટ અને ક્વોલિટી કન્ટ્રોલ અર્થાત તબીબી પરીક્ષણ અને ગુણવત્તા નિયંત્રણનો સમાવેશ થાય છે. ગુણવત્તા નિયંત્રણ ઉદ્યોગોમાં વપરાશ હેઠળ છે. આપણે આજે તબીબી પરીક્ષણમાં દ્વિસંગી વર્ગીકરણ હેઠળ થતી ભૂલો વિશે સમજીશું. જેથી ક્યારેક એક સામાન્ય વ્યક્તિ આનો શિકાર બને તો શાંતિથી સમજી શકે કે પરિવારના સભ્યોને સમજાવી શકે.

શું છે ફોલ્સ પોઝિટિવ?

ગુજરાતીમાં ખોટું હકારાત્મક પરીક્ષણ, રાઈટ! અહીં, ફોલ્સ પોઝિટિવમાં પરીક્ષણનું પરિણામ ખોટી રીતે રોગ હોવાનું સૂચન કરે છે. જ્યારે ખરેખરમાં એ રોગ જેતે વ્યક્તિમાં હોતો નથી. મતલબ કે પરિણામ સૂચવે છે કે આપેલ સ્થિતિ અસ્તિત્વમાં છે જ્યારે કે તે હોતી નથી. ઉદાહરણ તરીકે પ્રેગ્નન્સી ટેસ્ટ જે સૂચવે છે કે સ્ત્રી પ્રેગ્નન્ટ છે પરંતુ તેણી હોતી નથી.

શું છે છે ફોલ્સ નેગેટિવ?

ખોટું નકારાત્મક પરિણામ, આ ભૂલ ફોલ્સ પોઝિટિવ કરતાં તદ્દન વિપરીત! અહીં પરીક્ષણ સૂચવે છે કે ટેસ્ટ નેગેટિવ છે એટલે કે રોગ અથવા જે તે સ્થિતિ ગેરહાજર છે પરંતુ ખરેખર તે દર્દીમાં રહેલી છે. આમ આ ટેસ્ટ રિઝલ્ટ રોગ કે સ્થિતિને સમજવામાં નિષ્ફળ જતા એવું સૂચવે છે કે જેતે વ્યક્તિને એ નથી. ઉદાહરણ તરીકે પ્રેગ્નન્સી ટેસ્ટ એવું સૂચવે કે સ્ત્રી ગર્ભવતી નથી પરંતુ ખરેખરમાં તેણી છે. બીજું ઉદાહરણ જોઇએ તો કોરોનામાં થતો RTPCR. એમાં પણ અમુક વખત શક્યતા છે કે તમને કોરોના છે પણ ટેસ્ટ નેગેટિવ આવે છે અને આથી વિપરીત પણ શક્ય છે જે આપણે પહેલાં જોયું એમ કે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય પણ ખરેખર તમને કોરોના હોય જ નહીં. આવી ભૂલોની ટકાવારી વાસ્તવિકમાં ઘણી ઓછી છે

કારણ શું હોઈ શકે?

વિવિધ ટેસ્ટ અને રોગોમાં આ કારણો જુદાં-જુદાં હોઈ શકે. જેમ કે ખોટો પ્રેગ્નન્સી ટેસ્ટ કે ખોટો કોરોના ટેસ્ટ અને એ મુજબ અન્ય વિવિધ રોગોમાં આવાં પરિણામ પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જે વિસ્તૃત વિષય છે. કોઇ જ ટેસ્ટ પરફેક્ટ ના હોય અને તેથી જેતે ટેસ્ટનાં હકારાત્મક પાસાંઓ જોઈ તે અમલમાં હોય છે.

કયું પરિણામ વધુ ખતરનાક?

આમ તો બંને જ પ્રકારનાં ખોટાં પરિણામો જોખમી છે. પરંતુ ફોલ્સ નેગેટિવ આમાં કદાચ સહેજ વધુ ખતરનાક છે એમ કહી શકીએ. વિચારો કે એક સ્ત્રીને પ્રેગ્નન્સી ટેસ્ટ ખોટી રીતે નેગેટિવ આવ્યો છે (જ્યારે કે તે ખરેખર છે) અને અજાણતામાં તે મદિરાપાનથી લઇને અમુક દવાઓ કે જે ગર્ભાવસ્થા દરમિયાન નથી લેવાની છતાં તેનું સેવન કરે છે તો પરિણામ શું હોઈ શકે?  કલ્પના કરો કે તમારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય પણ તમને ખરેખર જો એ હોય અને પાછળથી તબિયત એટલી ખરાબ થાય કે તેની સારવારમાં ઘણી મુશ્કેલી આવે તથા ત્યાં સુધી અન્ય કેટલાય લોકોને પણ એ પ્રસરી જવાની શક્યતા નકારી શકાય નહીં. આથી જ હંમેશાં જે-તે ચિહ્નોને ધ્યાનમાં લઇ તબીબી પરામર્શ હેઠળ અન્ય કન્ફર્મેટ્રી (પુષ્ટિ કરનાર) ટેસ્ટ જો ઉપલબ્ધ હોય તો એ કરાવી જરૂરી સારવાર લો એ હિતાવહ છે.

  • ઈત્તેફાક :

ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ?
અંધારાં જેની જિન્દગીને વીંટળાય છે,
વેધે છે લક્ષ્ય એ જ સફળ થાય છે.
– જલન માતરી

Most Popular

To Top