Business

ખોટી આશા

ઇમિગ્રેશનના કાયદામાં બદલાવ લાવતો, અમેરિકામાં નવી સ્ટાર્ટઅપ કંપનીઓ શરૂ કરનાર પરદેશીઓને અમેરિકામાં પ્રવેશી ત્યાં નવો બિઝનેસ શરૂ કરવાની તક આપતો અને એ માટે અમેરિકામાં અમુક સમય સુધી રહેવાની પરવાનગી આપતો, એ સમય પૂરો થતાં અમુક પરિસ્થિતિનું જો એમણે નિર્માણ કર્યું હોય તો ત્યાં રહેવાનો અને બિઝનેસ કરવાનો સમય વધારી આપતો એક ‘ખરડો’ એટલે કે ‘બિલ’ હાલમાં અમેરિકાની સેનેટમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ‘ખરડો’ અર્થાત્ ‘બિલ’ વિશે ભારતનાં લગભગ બધાં જ નાનાંમોટાં, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી તેમ જ સ્થાનિક ભાષાનાં અખબારોએ એમનાં અખબારોમાં મોટાં મોટાં મથાળાંઓ બાંધીને એમના વાચકોને જાણ કરી છે.

આ ફકત એક ‘ખરડો’ છે, ‘બિલ’ છે. એ હજુ તો ફકત અમેરિકાના બે હાઉસમાંના એક હાઉસમાં દાખલ કરવામાં આવ્યો છે. એ ખરડા ઉપર ચર્ચાવિચારણા ક્યારે કરવામાં આવશે, બન્ને હાઉસ એને ક્યારે મંજૂર કરશે, પ્રેસિડન્ટ એને ક્યારે સ્વીકારશે? આ બધું નિશ્ચિત નથી. અમેરિકાની ઈમિગ્રેશનની નીતિ અને અમેરિકાની વેપાર- વાણિજ્યની પોલીસી, આ બન્નેને નજર સમક્ષ રાખતા મોટાભાગના અમેરિકાના લોકો તેમ જ ઈમિગ્રેશનના કાયદાના જાણકારોનું એવું માનવું છે કે આ ‘ખરડો’ પાસ નહીં થાય. એ કાયદો નહીં બને. એમાં અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં જે સુધારાઓ સૂચવ્યા છે એ અમલમાં નહીં આવે. આમ છતાં ભારતીય વેપારીઓ, જેઓ અમેરિકામાં બિઝનેસ કરવાની ઈચ્છા ધરાવે છે તેઓ ગેલમાં આવી ગયા છે.

આ ફકત એક ‘ખરડો’ છે, કાયદો નથી એવું વિચાર્યા સિવાય તેઓ હવે અમેરિકામાં સ્ટાર્ટઅપ બિઝનેસ કરવાનાં સ્વપ્નાં જોવા લાગી ગયાં છે. અનેકો જેઓ EB-5 પ્રોગ્રામ હેઠળ ખૂબ મોટું રોકાણ કરીને અમેરિકામાં પ્રવેશવા, ત્યાંનું ગ્રીનકાર્ડ મેળવવા ઈચ્છતા હતા, આંતરકંપની ટ્રાન્સફરી L-1 મેનેજર, એક્ઝિક્યુટીવ અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ વિઝા મેળવવા માટે, અમેરિકામાં પોતાના ભારતના બિઝનેસની શાખા ખોલવાનો વિચાર કરતા હતા, ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ એમના લાભ માટે દાખલ કરાયેલ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન કરન્ટ થાય એની કાગડોળે રાહ જોતા હતા, આ સર્વે લોકોએ  EB-5  પ્રોગ્રામ, L-1 વિઝા કે ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળના ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના વિચારો છોડી દઈને આ ખરડામાં જે સ્ટાર્ટઅપ કંપનીને આપવાની સગવડો વિશે જણાવ્યું છે એ જાણે કે અમલમાં આવી ગઈ હોય એવું માનવા લાગ્યા છે. આ એમની ભૂલ છે. એક ખોટી આશા છે.

ખરડો રજૂ કરવામાં આવે ત્યાર બાદ બન્ને હાઉસમાં એના ઉપર ચર્ચાવિચારણા કરવામાં આવે છે. સૌ પ્રથમ તો જે કોઈ પણ હાઉસમાં ખરડો રજૂ કરવામાં આવ્યો હોય, એ હાઉસ એ ખરડા ઉપર ચર્ચાવિચારણા કરવા ક્યારે હાથમાં લે એ કહેવું મુશ્કેલ હોય છે. અમેરિકાના બન્ને હાઉસમાં રોજના બે-ચાર ખરડાઓ રજૂ કરવામાં આવે છે. એ ખરડાને ચર્ચાવિચારણા માટે ક્યારે હાથમાં લેવામાં આવે એ નક્કી નથી હોતું.

અનેક વાર અનેક ખરડાઓ રજૂ કરવામાં આવ્યા હોય છે પણ એના ઉપર ચર્ચાવિચારણા કરવામાં આવતી જ નથી. એ ખરડો ખોરંભે પડી જાય છે. અનેક ખરડાઓ ઉપર મહિનાઓ સુધી ચર્ચાવિચારણા થતી નથી. ખરડાને ચર્ચાવિચારણા માટે હાથમાં લેવામાં આવે ત્યારે એના ઉપર ઉગ્ર ચર્ચા થાય છે. અનેક સભ્યો એની વિરુદ્ધમાં અને અનેક એની તરફેણમાં હોય છે. અનેક વાર ખરડાને ફરીથી ઘડવા માટે મોકલવામાં આવે છે. નવા સુધારાવધારા સાથેના ખરડા ઉપર પાછી ચર્ચા થાય છે. એ બહુમતીથી પસાર થાય પછી એને બીજા હાઉસમાં મોકલવામાં આવે છે. ત્યાં પણ ખરડાની એવી જ હાલત હોય છે.

એ બીજું હાઉસ એમની સગવડતા પ્રમાણે અને ખરડો જે વિષય માટે ઘડવામાં આવ્યો હોય છે એની અગત્યતા અને જરૂરિયાત પ્રમાણે ચર્ચાવિચારણા માટે હાથમાં લે છે. બીજું હાઉસ પણ અનેક વાર ખરડામાં સુધારાવધારા કરવા મોકલે છે. અંતે એના ઉપર ચર્ચાવિચારણા થાય છે અને જો બહુમતી હોય તો જ એ ખરડો પ્રેસિડન્ટને મોકલવામાં આવે છે. આમ બન્ને હાઉસની બહુમતી મેળવ્યા બાદ જ ખરડાને કાયદાનું સ્વરૂપ મળે એ માટે પ્રેસિડન્ટ પાસે મોકલવામાં આવે છે. પ્રેસિડન્ટે બન્ને હાઉસે બહુમતીથી પસાર કરેલ ખરડા ઉપર જાતે વિચારણા કરવાની હોય છે.

તેઓ પણ જો એમને યોગ્ય લાગે તો ખરડામાં સુધારાવધારા કરવાનું સૂચન આપે છે. જો અમુક નિયત કરેલા દિવસોમાં પ્રેસિડન્ટ એ ખરડાને નકારે નહીં, એમાં સુધારાવધારા કરવાનું સૂચવે નહીં અને એ ખરડાને કાયદાનું સ્વરૂપ આપતો પોતાનો ઓર્ડર પણ કરે નહીં તો એ નિયત કરેલા દિવસો પૂરા થતા એ ખરડો આપોઆપ પસાર થયેલો ગણાય છે અને પછી  એ ખરડો કાયદો બને છે.

અમેરિકામાં જેઓ બિઝનેસ કરવા ઈચ્છે છે એવા ભારતીય બિઝનેસમેનો માટે અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨’ હેઠળ જે નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના ‘L-1 વિઝા’ ઘડવામાં આવ્યા છે એ ખૂબ જ ઉપયોગી, ઝડપી અને શ્રેષ્ઠ માર્ગ છે. ભારતમાં બિઝનેસ કરતી એક કંપની, જો અમેરિકામાં એના ભારતીય બિઝનેસની શાખા ખોલે તો એ અમેરિકન કંપની જેની શાખા છે, એ ભારતીય કંપનીમાં છેલ્લાં ત્રણ વર્ષમાં જે વ્યક્તિએ ઓછામાં ઓછું એક વર્ષ મેનેજર, એક્ઝિક્યુટીવ યા ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે કામ કર્યું હોય એને પોતાને ત્યાં કામ કરવા ‘આંતરકંપની ટ્રાન્સફરી L-1 વિઝા’ ઉપર બોલાવી શકે છે.

L-1 વિઝા માટે અમેરિકામાં ઓછામાં ઓછું અમુક રોકાણ કરવું જોઈએ એવી કોઈ કાયદાકીય જરૂરિયાત નથી. ભારત અને અમેરિકાનો બિઝનેસ એક જ હોવો જોઈએ એવી પણ કોઈ શરત નથી. ફકત બિઝનેસ બેઉ જગ્યાએ ભારત અને અમેરિકામાં ચાલુ રહેવો જોઈએ.

અમેરિકન કંપનીએ ભારતીય વ્યક્તિ માટે અમેરિકામાં ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે પિટિશન દાખલ કરવાની રહે છે. સામાન્ય રીતે આવી પિટિશનને પ્રોસેસ થઈને અપ્રુવ થતાં છ-બાર મહિના યા તેથી થોડો વધુ સમય લાગે છે. જો ‘પ્રીમિયમ પ્રોસેસિંગ’ હેઠળ વધારાની ફી આપીને પિટિશન દાખલ કરવામાં આવી હોય તો એના ઉપર પંદર દિવસની અંદર ઈમિગ્રેશન ખાતાએ નિર્ણય લેવાનો હોય છે. સામાન્ય રીતે તેઓ પિટિશન એક્સેપ્ટ કે રીજેક્ટ  પંદર દિવસની અંદર નથી કરતા. પંદર દિવસની અંદર તેઓ વધુ દસ્તાવેજો, વધુ માહિતી માંગતો રીક્વેસ્ટ ફોર ફર્ધર એવિડન્સનો પત્ર મોકલાવે છે. એનો જવાબ મળતા પંદર દિવસ, મહિનાની અંદર પિટિશન ઉપરનો એમનો નિર્ણય તેઓ જણાવે છે.

પિટિશન જો મંજૂર થઈ હોય તો એ જેના લાભ માટે દાખલ કરવામાં આવી હોય એણે કોન્સ્યુલેટમાં જઈને ખાતરી કરાવી આપીને કે એ L-1 વિઝા માટે લાયક છે, એ વિઝા મેળવવાના રહે છે. L-1 વિઝા ઉપર મેનેજર્સ અને એક્ઝિક્યુટીવ્સ સાત વર્ષ અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ પાંચ વર્ષ રહીને કામ કરી શકે છે. એમની સાથે રહેવા માટે તેઓ એમની પત્ની/પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનો માટે L-2 વિઝા મેળવી શકે છે. પછીથી તેઓ ગ્રીનકાર્ડ પણ મેળવી શકે છે.

ભારતના વ્યાપારીઓ, આ લેખ તમને નિરાશ કરવા માટે નથી લખ્યો પણ તમે ખોટી આશા ન બાંધો એ માટે લખવામાં આવ્યો છે. જો તમે ભારતમાં બિઝનેસ કરતા હો અને અમેરિકામાં બિઝનેસ કરવાની ઈચ્છા ધરાવતા હો તો આ ‘સ્ટાર્ટઅપ વિઝા’ માટે જે ખરડો રજૂ કરવામાં આવ્યો છે એ કાયદો બને એની વાટ જોઈને બેસી ન રહેતા. આજે જ ‘L-1 વિઝા’ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેજો.

Most Popular

To Top