Columns

ફોલન ફ્લાવર્સ

એક દિવસ લેખિકા દીનાબહેન પોતાના વિદેશથી આવેલા નાના પુત્રને લઈને ગાર્ડનમાં ગયા.ગાર્ડનમાં ઘણાં બધાં ફૂલો નીચે જમીન પર પડ્યાં હતાં.નાનો દેવ બોલ્યો, ‘દાદી આપણે ફ્લાવર પલ્ક [તોડી] ન શકીએ, પણ આ ફોલન ફ્લાવર્સ તો લઇ શકીએ ને.’ દાદી પૌત્રની વાત સાંભળી ખુશ થયાં અને બોલ્યાં, ‘યેસ બેટા,’ અને પોતે પણ દેવ સાથે નીચે પડેલાં ફૂલો ભેગાં કરવા લાગ્યાં.ફૂલો ઘણાં બધાં ભેગાં કર્યા, તેમાં અમુક અધખીલેલાં અને કળી સ્વરૂપનાં ફૂલો પણ હતાં. તે જોઈને એક કળી હાથમાં લઈને દેવે પૂછ્યું, ‘દાદી,આ બડ [કળી]માંથી ફૂલ ખીલશે?’ દીનાબહેન બોલ્યાં, ‘ના બેટા, હવે આ કળી ખીલી નહિ શકે.એક વાર છોડ પરથી તૂટીને નીચે પડી જાય, પછી તે ખીલી ન શકે.’ દેવ બોલ્યો, ‘એટલે દાદી, આ બધાં ફોલન ફ્લાવર વેસ્ટ થઈ ગયાં તે તો હવે ખીલી નહિ શકે.’ આટલું બોલી નાનકડો દેવ ઉદાસ થઇ ગયો.

દાદીએ કહ્યું, ‘જો બેટા, ફોલન ફ્લાવર્સ ફરી ખીલી ન શકે, પણ આ પ્લાન્ટ્સના રૂટ્સમાંથી પોષણ મળશે.વરસાદ આવશે.માળી ખાતર નાખશે તો આ છોડ પર નવાં ફૂલો જરૂર ઊગશે અને સારસંભાળ રાખશે તો નવાં નવાં ફૂલો ઊગતાં જ રહેશે.’ દેવ બોલ્યો, ‘ગુડ, પણ દાદી આ ફોલન ફ્લાવર્સ વેસ્ટ..’ દાદી બોલ્યાં, ‘જો આ ફોલન ફ્લાવર્સ પણ નકામાં નથી. તેં જોઈ તે ભેગાં કર્યાં, તને ખુશી મળી.આ ફૂલ હજી ઘણાં ઉપયોગી છે. તેમાંથી હાર કે તોરણ બની શકે.અત્તર પણ બની શકે.સૂકવીને ડેકોરેશનમાં વાપરી શકાય અને સાવ કરમાઈ ગયા પછી પણ તેમાંથી કમ્પોસ્ટ [ખાતર] બની શકે.’

બધાં ફૂલો ભેગાં કરી દેવે એક થેલીમાં ભર્યાં અને દાદીને કહ્યું, ‘દાદી, આપણે માળા બનાવીશું.’ દીનાબહેન નાના પૌત્ર સાથે માળા બનાવતાં બનાવતાં વિચારવા લાગ્યાં, ‘કે જીવનમાં પણ આવું જ થાય છે.આ ફોલન ફ્લાવર્સની જેમ ઘણું હાથમાંથી છૂટી જાય છે.ખોવાઈ જાય છે.વેડફાઈ જાય છે, પણ હકીકત એ પણ છે કે તે નકામું નથી જતું. આપણને કૈંક શીખવાડી જાય છે.અનુભવ આપે છે અને જો આપણે જે ગુમાવ્યું તેની પર ધ્યાન ન આપીએ અને સતત મહેનત કરતાં રહીએ તો જીવનમાં ઘણાં નવાં ફૂલો ઊગી શકે છે.’ આ વિચારને વાર્તા રૂપે લખવા તરત દીનાબહેને ડાયરી ખોલી અને વાર્તાનું શીર્ષક લખ્યું – ‘ફોલન ફ્લાવર્સ.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top