એક વડીલ હતા તેઓ હંમેશાં સતત કામમાં રહે, કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહે. એક દિવસ તેઓ પોતાના નાનકડા પૌત્ર માટે નાનકડી નૌકા બનાવી રહ્યા હતા. વડીલને એમના મિત્ર મળવા આવ્યા ત્યારે નૌકા બનાવવાનું કામ ચાલુ હતું. નૌકા બનાવવામાં તેઓ એટલા વ્યસ્ત હતા કે મિત્રએ ખાસ પાસે જઈ ખભા પર હાથ રાખી બોલાવા પડ્યા અને કહ્યું, ‘દોસ્ત શું કરે છે? હું ક્યારનો આવ્યો છું અને તારું ધ્યાન નથી.’ ચમકીને વડીલે તેની સામે જોયું ત્યારે તેઓ એકદમ પરસેવે રેબઝેબ હતા અને ખૂબ જ થાકેલા લાગતા હતા. મિત્રએ કહ્યું, ‘દોસ્ત, શું કામ આટલું બધું કામ કરે છે? જરાક આરામ કરી લે, થોડીવાર આરામ કર્યા બાદ કામ કરીશ તો શું થઈ જશે.’
વડીલે અદાથી સૂત્રોચ્ચાર કરતા હોય એ રીતે કહ્યું, ‘આરામ હરામ હૈ!’ મિત્રએ કહ્યું, ‘દોસ્ત આટલું બધું જોશ અને તાકાત ક્યાંથી લાવે છે?’ વડીલે કહ્યું, ‘જો દોસ્ત જીવનનું સત્ય છે ‘મૃત્યુ’ અને ક્યારે મરી જવાય તે નક્કી નથી અને મેં મારા નાનકડા પૌત્રને વચન આપ્યું છે કે હું તેને એક નાનકડી નૌકા બનાવીને આપીશ હવે તેને માટે નૌકા બનાવવા પહેલા તો મરાય નહીં વચનભંગ કહેવાયને એટલે હું તો એક કલાક જ જીવવાનું છે એમ સમજીને યુદ્ધના ધોરણે જ દરેક કામ કરવા માટે મંડી પડું છું!’
દોસ્ત બોલ્યા, ‘અરે આવું શું બોલે છે મરવાની વાત શું કામ કરે છે?’ વડીલે કહ્યું, ‘જો ભાઈ જીવનમાં બધા કામ પુરા કરવાનું અને સફળતા મેળવવા માટે સતત કામમાં યુદ્ધના ધોરણે મંડી પડવું જરૂરી છે. આપણે બધા જિંદગીને પ્રેમ કરીએ છીએ એટલે આવી મૃત્યુની કલ્પના ન ગમે પરંતુ ધારો કે આપણે એક કલાક પછી મરી જવાનું હોય આવું ધારવું અઘરું છે અને અણગમતું છે, પણ ધાર જો એમ થાય આપણી પાસે જીવવા માટે એક કલાક જ હોય તો રૂપિયા પૈસાનો હિસાબ કિતાબ તો સમજ્યા પણ બીજા કેટલાય હિસાબ ચૂકવવાના બાકી રહી જાય. સ્નેહ સંબંધોના તાણાવાણા અને કેટલાય ઉપકારનો આભાર. કેટલાયને માફી. આવા ઘણા બધા કામ કરવાના બાકી રહી ગયા હોય તે યાદ આવે. મહત્વના કાર્યો બાકીના રહી જાય માટે નાનું કે મોટું દરેક કામ કરવા માટે આજે જ અત્યારે જ યુદ્ધના ધોરણે મંડી પડવું જોઈએ.’ વડીલ પાછા નૌકા બનાવવા લાગ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.