સુરતમાંથી નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીંના અડાજણ વિસ્તારમાં નકલી વિઝા બનાવતી ફેક્ટરી પકડાઈ છે. સુરત પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં આરોપી પ્રતિક શાહની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણમાં પ્રતિક શાહ નકલી વિઝા બનાવવાનું સ્કેમ આચરતો હતો. તે યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા બનાવી આપતો હતો. તેની પાસેથી આ દેશોના વિઝાના નકલી સ્ટીકરો મળી આવ્યા છે. પોલીસે કુલ 5 વિઝા સ્ટીકર જપ્ત કર્યા છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પ્રતિક શાહ નકલી સ્ટીકરની ફેક્ટરી ચલાવતો હતો. તે સ્ટીકર છાપી દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો. પ્રતિક સામે આ પહેલાં પણ અનેક ગુના નોંધાયા છે. 2017થી અત્યાર સુધીમાં તેની વિરુદ્ધ 12 ગુના દાખલ થયા છે.
યુકેના 9 લોકોનાં જયારે અન્ય ચાર દેશોના વિઝા સ્ટીકર પોલીસને હાથ લાગ્યા
પોલીસે ફ્લેટની જડતી લેતા અલગ અલગ દેશના કુલ પાંચ વિઝા સ્ટીકર મળી આવ્યા હતા. જેમાં બાબર ડેવિડના ચેક રિપબ્લિક તથા સિંગ સુમિત ના પણ ચેક રિપબ્લિક, નરેશ પટેલના યુકે, યોગ અનીલના જર્મની, સીધું શિવાનીના કેનેડાના સ્ટીકરો મળી આવ્યા હતા.

આ ઉપરાંત યુકે દેશના પટેલ ચિરાગકુમાર, બોખરીયા વિજય, પટેલ વૈદેહીના યુકેના વિઝા ના સ્ટીકર મળી આવ્યા હતા. આ ઉપરાંત નરેશ પટેલ નામના વ્યક્તિના યુકેના પાંચ સ્ટીકરો મળી આવ્યા હતા. જેથી પોલીસે આ તમામ ડુબલીકેટ વિઝાના સ્ટીકરો પણ કબ્જે કર્યા છે.
વોન્ટેડ ઇસમોનું કામ ગ્રાહકો લાવવાનું
પ્રતીકની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વોન્ટેડ કેતન દીપકભાઈ સરવૈયા (રહે.આણંદ) બેંગકોક થાઈલેન્ડમાં રહેતો હર્ષ, દિલ્હીમાં રહેતો પરમજીતસિંહ, દિલ્હીમાં રહેતો અફલાક અને સચિન શાહ નામના વ્યક્તિઓ લોકોને વિદેશ મોકલવા માટેના વિઝા આપવાનું કામકાજ કરતા હતા અને વિદેશ જવા માંગતા વ્યક્તિઓ પાસેથી મસમોટી રકમ લઈ તમામ ભેગા મળી બોગસ સ્ટીકર બનાવી વિદેશ જવા માંગતા લોકો સાથે છેતરપિંડી કરતા હતા.
અલગ અલગ દેશના ઢગલાબંધ સ્ટીકરો જપ્ત
પોલીસે ફ્લેટમાંથી અલગ અલગ દેશના વિઝા સ્ટીકર, ચેક રિપબ્લિક દેશનો સ્ટેમ્પ સિક્કો, પેપર કટર, યુવી લેઝર ટોર્ચ, એમ્બોઝ મશીન, કોર્નર કટર મશીન, સ્કેલ, અલગ અલગ ઇંકની 9 નંગ બોટલો, યુરોપ દેશના હોલમાર્ક વાળા મોટા 49 નંગ પેપર, કેનેડા દેશના હોલમાર્ક વાળા મોટા 73 નંગ પેપર, યુરોપ દેશના હોલમાર્ક વાળા નાના 107 નંગ પેપર, મેસોડિીનિયા દેશના હોલમાર્ક વાળા મોટા 172 નંગ પેપર, સર્બિયા દેશના હોલમાર્ક વાળા મોટા 243 નંગ પેપર, યુકે દેશના હોલમાર્ક વાળા મોટા 42 નંગ પેપર તથા પાંચ મોબાઇલ, બે કલર પ્રિન્ટર, લેપટોપ સહિત કુલ રૂપિયા 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હોલમાર્ક વાળા પેપરની ઓનલાઈન ખરીદી
પોલીસની પુછપરછમાં પ્રતિકે કબુલાત કરી હતી કે તે આવા બોગસ સ્ટીકર બનાવવા માટે જરૂરી અલગ અલગ દેશના હોલમાર્ક વાળા પેપર અલીબાબા ડોટ કોમ ઉપરથી ઓનલાઈન ખરીદી કરીને મેળવી લેતો હતો. ત્યારબાદ લેપટોપની મદદથી તથા અન્ય સાધન સામગ્રી સાથે પેઈન્ટમાં એડિટિંગ કરી કલર પ્રિન્ટ વડે પ્રિન્ટ કાઢી સ્ટીકર આકારના કટીંગ કરી બનાવટી બીજા સ્ટીકર, કુરિયર મારફતે એજન્ટને મોકલી આપતો હતો. જેના બદલામાં એજન્ટ તેમને એક બોગસ વિઝા બદલ રૂપિયા 15000 ચૂકવતો હતો.