SURAT

સુરભી ડેરીમાં એસિડથી નકલી પનીર બનતું, રોજ 200 કિલો સુરતના બજારમાં ઠલવાતું

ખટોદરાની સુરભી ડેરીમાંથી નકલી પનીરનો મોટો જથ્થો પકડાયો છે. જો કે વધુ ચોંકાવનારી બાબત એ છે કે સુરભી ડેરીની ફેક્ટરીમાં જ આ ધીમા ઝેરનું ઉત્પાદન કરાઈ રહ્યું હતું. એસિડથી દૂધ ફાડીને નકલી પનીર બનાવાતું હતું. સુરભી ડેરી રોજ 200 કિલો જેટલું નકલી પનીર સુરતના બજારમાં ઠાલવતી હતી.

સુરભી ડેરી પર નકલી પનીરનો જથ્થો મળ્યા બાદ પોલીસે સુરભી ડેરીના સંચાલક કૌશિક પટેલને સાથે રાખી સુરભી ડેરીની ઓલપાડ તાલુકાના સાયણ ખાતે શેખપુર ફાટકની બાજુમાં આવેલા લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝના પ્લોટ નં. 1, 2 અને 3ની ફેક્ટરી પર રેઈડ કરી હતી.

અહીં સુરભી ડેરીનું મુખ્ય મેન્યુફેક્ચરિંગ હતું. અહીંનું દ્રશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. અહીં ધીમા ઝેરનું ઉત્પાદન થઈ રહ્યું હતું. પોલીસની રેઈડ વખતે કૌશિક પટેલના ભાગદારી અને મુખ્ય સંચાલક કૌશિક પટેલ ફેક્ટરી પર જ ઝડપાઈ ગયા હતા.

ફેક્ટરીની તલાશી લેતા ત્યાંથી શંકાસ્પદ ડીલાઈટ બટર (420 કિ.ગ્રા.), 600 લિટર શંકાસ્પદ દૂધ અને 90 લિટર શંકાસ્પદ તેલ તથા 200 કિ.ગ્રા. શંકાસ્પદ પનીર મળી રહ્યું હતું.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ફેક્ટરીમાં પનીર બનાવવા માટે ગ્લેશિયલ એસેટિક એસિડ વપરાતું હતું. આ એસિડ 7 લિટર મળ્યું હતું. આ એસિડનો ઉપયોગ દૂધ ફાડીને ઝડપથી પનીર બનાવવા થતો હોવાની પોલીસને આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર અને નુકસાનકારક છે. પોલીસે સુરભી ડેરીના બે યુનિટ પરથી કુલ 3.02 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

પોલીસે કહ્યું કે, સુરભી ડેરીના સંચાલકોએ નકલી પનીર વેચતા હોવાનો ગુનો કબૂલી લીધો છે. તેઓ રોજ આશરે 100થી 200 કિ.ગ્રા. નકલી પનીર સુરતના બજારમાં વેચતા હતા. આ ગેંગ પાસેથી કોણ પનીર ખરીદતું હતું તે દિશામાં પોલીસે તપાસ આગળ ધપાવી છે.

દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરોએ પનીર, દૂધ, બટર અને એસિડ સહિત શંકાસ્પદ પદાર્થના સેમ્પલ લઈ તેને ફોરેન્સિક માટે મોકલ્યા છે.

Most Popular

To Top