Gujarat

છ શહેરોમાં લોકડાઉનનો બનાવટી પત્ર વાયરલ થયો, તપાસના આદેશો કરાયા

GANDHINAGAR : રાજયના અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર અને સુરતમાં તા.11 થી 17મી એપ્રિલ દરમ્યાન લોકડાઉન ( LOCK DOWN) આવશે તેવી આપાતકાલિન નોંધ સાથેનો પત્ર સોશિયલ મીડિયા ( SOCIAL MEDIA) પર વાઈરલ થયો હતો. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપાતકાલિન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક( FAKE LETTER) અને ખોટો છે. આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નિંદનીય પ્રયાસ માત્ર છે, તેવી સ્પષ્ટતા ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

આ નકલી પત્રમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની પણ નકલી સહી જોવા મળી રહી છે. સાંજે સચિવાલયમાં ગૃહ વિભાગ અને ગૃહ મંત્રીના કાર્યાલયમાં તપાસ કરવામાં આવતા આ પત્ર નકલી હોવાનું માલુમ પડ્યું છે. સરકારે આવો લોકડાઉનનો કોઈ નિર્ણય લીધો જ નથી. અલબત્ત કોઈ ટીખળખોરે સરકારનો નકલી પત્ર તૈયાર કરીને ફરતો કરી દેતા તેના કારણે લોકોમાં ચિંતા પેદા થવા પામી હતી. ગાંધીનગર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. મોડી સાંજે ગૃહ વિભાગના પ્રવકત્તાએ જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયામાં ફરતો થયેલો પત્ર ફેક એટલે કે નકલી છે. આ પત્રમાં જે લોકડાઉનની વાત કરાઈ છે. તે અસત્ય અને ખોટી છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની સહીથી ઈશ્યુ કરાયો હોય તેમ આ પત્ર સાવ નકલી છે. આ પત્રને સાચો માનવો નહીં. પત્રના મામલે તપાસ કરીને પગલા ભરાશે.

રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગુજરાતના છ મોટા શહેરોમાં તારીખ ૧૧ એપ્રિલ થી તારીખ ૧૭મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે એવો આ પત્રમાં ઉલ્લેખ છે જે બિલકુલ અસત્ય અને ખોટો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના નામજોગ અને ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે.

સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થયેલા આવા પત્રને સાચો નહીં માનવા અને ગેરમાર્ગે નહીં દોરાવા ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ પત્ર કોણે વાયરલ કર્યો છે તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આવો કોઈ પણ પત્ર સોશિયલ મીડિયા (Social Media) મારફતે આપના સુધી આવે તો તેને વાયરલ (Viral) નહીં કરવા પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.

Most Popular

To Top